Astrology
ટાન્ઝાનિયામાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રીનો સમૂહ પાઠ, પૂજન, અર્ચન, આરતી વગેરે અધ્યાત્મસભર કાર્યક્રમો યોજાયા
ઇસ્ટ આફ્રિકાના ત્રણ દેશોમાંનો એક ટાન્ઝાનિયા દેશ છે. આ દેશમાં અરુશા શહેર આવેલું છે. જે ટાન્ઝાનિયાની ટુરિઝમ કેપિટલ તરીકે સુપ્રસિદ્ધ છે. શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપા તથા વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના પુનિત પદરેણુથી અનેકવાર પાવન થયું છે. મેરુ પર્વતની છાયામાં આવેલું અરુશા શહેર ગ્રેટ રિફ્ટ વેલીમાં સેરેનગેટી મેદાનો, ન્ગોરોન્ગોરો ક્રેટર, લેક મન્યારા, તારંગીરે નેશનલ પાર્ક અને માઉન્ટ કિલીમાન્જારો વચ્ચે સ્થિત છે.
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો પૂર્વ આફ્રિકાના રાષ્ટ્રોમાં અરુશા – ટાન્ઝાનિયામાં સત્સંગ પ્રચારાર્થે પધાર્યા છે. પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં અરુશા – ટાન્ઝાનિયામાં “શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ” અંતર્ગત ગ્રંથ શિરોમણિ “શિક્ષાપત્રી” સમૂહ પાઠ, પૂજન, અર્ચન, આરતીની ભકિતભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
શિક્ષાપત્રી એટલે… શિક્ષા એટલે હિતનો ઉપદેશ અને પત્રી એટલે પોતાનો અભિપ્રાય જેનાથી અન્ય સ્થળે પહોંચાડી શકાય તે સાધન. અર્થાત્ શિક્ષાપત્રી એટલે હિતનો ઉપદેશ આપતો પત્ર-લેખ. શ્રી સ્વામિનારાયણ ભગવાને ૧૯૮ વર્ષ પહેલાં શિક્ષાપત્રી લખી હતી. જેમાં ૩૬૫ કરતાં વધારે શાસ્ત્રોનો સાર રહ્યો છે.
આ પ્રસંગે સંત શિરોમણી શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીએ શિક્ષાપત્રીનું મહાત્મ્ય સમજાવતાં જણાવ્યું હતું કે, શિક્ષાપત્રીની રચના શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વયં કરી છે. સંવત ૨૦૮૨ મહા સુદ પાંચમના રોજ ૨૦૦ વર્ષ પૂર્ણ થશે એટલે કે “શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ” અંતર્ગત શિક્ષાપત્રી સમૂહ પાઠ પારાયણનું ભકિતભાવ પૂર્વક આયોજન કરવામાં આવ્યું. શિક્ષાપત્રી શ્રીજીમહારાજે પોતાના આશ્રિતોને ઉદ્દેશીને લખી છે. પરંતુ સમાજના સૌ કોઇ માટે અતિ ઉપયોગી અને લાભકારક છે.
આ પાવનકારી અવસરે પૂજનીય સંતોમાં સંત શિરોમણી શ્રી સહજાનંદ સ્વામી, શ્રી હરિકેશવદાસજી સ્વામી તથા શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી તથા મહાનુભાવો, નાના મોટા આબાલવૃદ્ધ હરિભક્તો તથા ભાવિકોની ઉપસ્થિતિમાં ૨૧૨ શ્લોકો ધરાવતી શિક્ષાપત્રીનું સમૂહમાં વાંચન, પૂજન તથા આરતી ઉતારવામાં આવી હતી. આ અવસરનો લ્હાવો હરિભક્તોએ ભકિતભાવપૂર્વકના ઉમળકાભેર લીધો હતો. અંતે સહુએ શ્રીજીપ્રભુનો પરમ પ્રસાદ પરમોલ્લાસભેર માણી યથાસ્થાને પ્રસ્થાન કર્યું હતું.