Chhota Udepur
ડુંગરવાંટમાં વડીલ વિસામો ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક ચોપડા નોટબૂક વિતરણ કાર્યક્રમ યોજાયો

વડીલ વિસામો ટ્રસ્ટ વડોદરા દ્વારા પોતાની કર્મ ભૂમિનું ઋણ ચૂકવવા આદિવાસી વિસ્તારોમાં સેવાકીય કાર્યો કરે છે. વડોદરાની વિસામો ટ્રસ્ટ સેવાકીય સંસ્થા દ્વારા છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ ગામોમાં રહેતા જરૃરીયાતમંદ ગરીબ આદિવાસીઓને દર વર્ષે કપડાં, ચંપલ શૈક્ષણિક કીટ આપી માનવતાનું કામ કરવામાં આવે છે.
જેતપુરપાવી તાલુકાના ડુંગરવાંટ ગામે વડીલ વિસામો ટ્રસ્ટ વડોદરા દ્વારા વિનામૂલ્યે નોટબુક વિતરણ સમારોહનું આયોજન કરાયું હતુ. આ સમારોહમાં વડીલ વિસામો ટ્રસ્ટના પ્રમુખ રમેશચંદ્ર શાહ તેમજ તેમના સહસાથી ઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમારોહનું આયોજન ડુંગરવાટ જૂથ ગ્રામ પંચાયતમાં આવતી તમામ પ્રાથિમક શાળાઓ ડુંગરવાટ શાળા નંબર ૧ ડુંગરવાટ શાળા નંબર ૨ ઘૂટિયા શાળા નંબર ૧ ઘુટિયા નંબર ૨ ગંભીરપુરા શાળા આમ પાંચ શાળાઓમાં આશરે ૩૫૦ થી વધુ બાળકોને નોટબુક તેમજ ચંપલનો વિતરણ કરવામાં આવ્યું હતું.
જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉમટ્યા હતા. આ નોટબુક વિતરણ સમારોહ વિશે જણાવતાં વિસામો ટ્રસ્ટના પ્રમુખ રમેશચંદ્ર શાહે કહ્યું હતુ કે આ યુગમાં ભણતર સૌથી વધારે અગત્યનું છે. ભણતર વિનાની જીંદગીને તેમણે નકામી ગણાવી હતી. તે ઉપરાંત તેમણે વિદ્યાર્થીઓને કહ્યું હતુ કે આજના આ યુગમાં પાન, માવા, ફાકી જેવા વ્યસનોથી દૂર રહેવું, અતિની ગતિ ન હોય તો મોબાઈલનો પણ પૂરતો જ ઉપયોગ કરવો તેમ જણાવ્યું હતુ.
આ તકે ડુંગરવાંટ ગામના સરપંચ ડૉ.બીનાબેન એસ રાઠવાએ નોટબુક વિતરણ સમારોહ વિશે જણાવ્યું હતુ કે દર વર્ષે વડીલ વિસામો ટ્રસ્ટ વડોદરા દ્વારા વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે નોટબુક વિતરણ સમારોહનું આયોજન કરાય છે. જેમાં આ વર્ષે વધુમાં વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ શકે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતુ કે આ વર્ષે અંદાજે ૩૫૦ થી વધુ વિદ્યાર્થીઓ આ નોટબુક વિતરણનો લાભ લેશે તેમજ આ નોટબુક કયાંક ને કયાંક તેમની કારકીર્દીમાં ભાગ ભજવશે.
આ પ્રસંગે વડીલ વિસામો ટ્રસ્ટના પ્રમુખ રમેશચંદ્ર શાહ, અશોકભાઈ એ રોહિત, વર્ષાબેન એ રોહિત, શૈલેષ ભાઈ લક્ષ્મણભાઈ રાઠવા, સરપંચ ડૉ. બીનાબેન એસ રાઠવા, શાળાના તમામ સ્ટાફ મિત્રો તથા ડુંગરવાંટ ગામના ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)