Politics
ભાજપનો આજે 44મો સ્થાપના દિવસ, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટી હેડક્વાર્ટર ખાતે ધ્વજ ફરકાવ્યો
આજે ભારતીય જનતા પાર્ટીનો 44મો સ્થાપના દિવસ છે. જનતા પાર્ટીથી અલગ થયા બાદ 6 એપ્રિલ 1980ના રોજ ભારતીય જનતા પાર્ટીની રચના કરવામાં આવી હતી. આ અવસર પર ભાજપ દેશભરમાં કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. મુખ્ય કાર્યક્રમ દિલ્હીમાં પાર્ટીના મુખ્યાલયમાં યોજાઈ રહ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ પાર્ટીના 44મા સ્થાપના દિવસના અવસર પર ભાજપના મુખ્યાલયમાં ધ્વજ ફરકાવ્યો. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરવાના છે.
પાર્ટીના પ્રદેશ પ્રમુખો દેશભરમાં પોતપોતાના રાજ્ય કાર્યાલયોમાં ધ્વજ ફરકાવી રહ્યા છે. 10 લાખ 56 હજાર બૂથ પર ભાજપના બૂથ કાર્યકરો પોતપોતાના ઘરે ધ્વજવંદન સાથે પાર્ટીના સ્થાપના દિવસના કાર્યક્રમની શરૂઆત કરશે.
પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ સ્થાપના દિવસના અવસરે પાર્ટીના કાર્યકર્તાઓને નમન કર્યા અને ભાજપના 44મા સ્થાપના દિવસ પર સૌને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા. તેમણે ટ્વિટ કર્યું કે, ભારતીય જનતા પાર્ટીના 44માં ‘સ્થાપના દિવસ’ પર હાર્દિક અભિનંદન. હું એવા કાર્યકરોને નમન કરું છું જેમણે પોતાના બલિદાન, શ્રમ અને નિઃસ્વાર્થ સેવાથી વિશ્વની સૌથી મોટી પાર્ટી બનાવી. વડા પ્રધાનના નેતૃત્વમાં આપણે બધા અંત્યોદય અને સેવાના સંકલ્પ સાથે શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે સમર્પિત છીએ.