Uncategorized
ગણેશજીની પ્રતિમાઓના કદ ઊંચાઈનું યોગ્ય અને નિયત ધોરણ
વડોદરા શહેર પોલીસ કમિશનરે શહેરમાં ગણેશ મહોત્સવ દરમિયાન સ્થાપના અને વિસર્જનના પ્રતિબંધોનું પાલન કરવા અંગે કાયદાની લાગુ પડતી જોગવાઈઓને અનુલક્ષીને પ્રતિબંધિત હુકમો કર્યા છે. શહેરમાં પાણી અને પર્યાવરણમાં થતા પ્રદૂષણને અટકાવવાના હેતુથી ધાર્મિક પ્રસંગો દરમિયાન દેવી-દેવતાઓની મૂર્તિઓની બનાવટમાં તેમજ વિસર્જનમાં જાહેર હિતમાં કેટલાક કૃત્યો કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. વડોદરા શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં આ મહોત્સવ દરમિયાન અમુક કૃત્યો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
પ્રતિબંધિત કૃત્યો
(૧) શ્રી ગણેશજીની માટીની મૂર્તિ બેઠક સહિતની ૦૯ (નવ) ફૂટ કરતા વધારે ઉચાઇની બનાવવા, વેચવા, સ્થાપના કરવા તથા જાહેર માર્ગ ઉપર પરીવહન કરવા ઉપર (તમામ માટી તથા પી.ઓ.પી.ની મૂર્તિઓનું વિર્સજન કૃત્રિમ તળાવમાં કરવાનું રહેશે)
(૨) શ્રી ગણેશજીની પી.ઓ.પી.ની મૂર્તિઓ અને ફાયબરની મૂર્તિ બેઠક સહિતની ૦૫ (પાંચ) ફૂટથી વધારે ઉચાઇની બનાવવા, વેચવા, સ્થાપવા, જાહેર માર્ગ ઉપર પરીવહન કરવા અને નદી, તળાવ સહિતના કુદરતી જળસ્ત્રોતમાં વિસર્જન કરવા ઉપર માટી તથા પી.ઓ.પી.ની મૂર્તિઓનું વી. એમ. સી. દ્વારા કૃત્રિમ રીતે બનાવેલ તળાવમાં વિસર્જન કરવાનું રહેશે)
(૩) ઓવારા વાઇઝ જ્યાં કૃત્રિમ તળાવ બનાવેલ હોય તેવા ઇસ્યુ કરેલ પાસ સિવાયના અન્ય ઓવારા ઉપર આયોજકોને મૂર્તિઓનું વિસર્જન કરવા ઉપર
(૪) મૂર્તિકારો જે જગ્યા એ મૂર્તિઓ બનાવવાની કામગીરી કરે છે તે જગ્યા તથા વેચાણ માટે રાખે છે તે જગ્યાઓની આજુબાજુ તથા નજીકમાં કોઇપણ પ્રકારની ગંદકી કરવા કે કોઇપણ પ્રકારની મૂર્તિ રોડ ઉપર જાહેરમાં ટ્રાફીકને અડચણ થાય તે રીતે ખુલ્લી રાખવા ઉપર
(૫) શ્રી ગણેશજીની મૂર્તિઓના સ્થાપના દિવસ બાદ મૂર્તિકારોએ વેચાણ ન થયેલી તથા બનાવટ દરમ્યાન ખંડીત થયેલી મૂર્તિઓને બિનવારસી હાલતમાં મૂકવા ઉપર
(૬) કોઇપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઇ ચિન્હો કે નિશાની વાળી મૂર્તિઓ બનાવવા, ખરીદવા, વેચવા અને સ્થાપના કરવા ઉપર
(૭) ગણેશ વિસર્જન પૂર્ણ થયા બાદ તમામ મંડપો એક દિવસ કરતા વધારે દિવસ સુધી રાખવા ઉપર
(૮) ફાયબરની મૂતિ વિસર્જનના દિવસે તથા ત્યારબાદ સરઘસના રૂપે બહાર કાઢવા ઉપર
(૯) પરમીટમાં દર્શાવેલ રૂટ સિવાય અન્ય રૂટ ઉપર વિસર્જન કરવા ઉપર
(૧૦) મૂર્તિઓની બનાવટમાં પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરવા ઉપર
ઉપર મુજબના પ્રતિબંધો વડોદરા શહેરમાં બહારથી ગણેશજીની મૂર્તિઓ લાવી વેચતા મૂર્તિકારો અને વેપારીઓને પણ લાગુ પડશે.
વડોદરા શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં તા. ૨૯/૦૮/૨૦૨૪ સુધીના સમયગાળા દરમિયાન આ હુકમ અમલમાં રહેશે.
આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ફોજદારી અધિનિયમ સને-૧૮૬૦ ની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.