Chhota Udepur
છોટાઉદેપુર સેવા સદનમાં ચાલી રહેલી ચાર સરકારી કચેરીઓને સીલ કરાઇ!
છોટાઉદેપુર સેવા સદનમાં ચાલતી ચાર સરકારી કચેરીઓને આજરોજ કલેક્ટર દ્વારા સિલ મારવાનો હુકમ કરતાં ચારેય કચેરીઓને સિલ મારી દેવામાં આવી છે. કલેક્ટરે પરવાનગી વગર કચેરી નહિ ખોલવા સૂચના આપવામાં આવી છે.
છોટાઉદેપુર જિલ્લો બન્યાને લગભગ ૧૧ વર્ષ થવા આવ્યા છતાં કેટલાક વિભાગો હજુ પોતાની અલગ કચેરી ચાલુ કરી નથી. જેથી આ કચેરીઓ જિલ્લા સેવા સદનમાં ચાલુ હતી. જેમાં વોટર શેડ, લોકલ ઓડિટ ફંડ, હોમગાર્ડ કમાંડર અને સીઆઇડી (ઈન્ટે) વિભાગ છે. જેની કચેરીઓ વર્ષોથી સેવા સદનમાં ચાલુ હતી. આ કચેરીઓ અન્ય સ્થળે ખસેડવા જિલ્લા કલેક્ટર દ્વારા નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં વિભાગ દ્વાર કચેરીઓ સેવા સદન ખાતે જ ચાલુ રાખવામાં આવી હતી.
જેથી જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ આજે તમામ ચારેય કચેરીઓને સિલ મારવાનો હુકમ કરતાં ચારેય કચેરીઓને તાત્કાલિક સિલ મારી દેવામાં આવ્યું હતું. આ ચાર કચેરીઓને સિલ મારી દેવાતાં કચેરીના કામકાજ અટવાઈ ગયા છે. ચારેય કચેરીઓના કર્મચારીઓ મુઝવણમાં મુકાઈ ગયા છે અને તાત્કાલિક મકાનની શોધખોળમાં લાગી ગયા છે.
મહત્વની વાત એ છે કે, જિલ્લો બન્યાને ૧૧ વર્ષ થવા આવ્યા છતાં કેટલાક વિભાગો પોતાની અલગ કચેરી ચાલુ નથી કરી શક્યા. પરંતુ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા હજુ સુધી જિલ્લામાં કચેરી સુદ્ધા ખોલવામાં આવી નથી. જિલ્લો બન્યાને ૧૧ વર્ષ થવા છતાં વિભાગ દ્વારા વડોદરા કચેરીથી જ વહીવટ કરવામાં આવી રહ્યો છે
પ્રતિનિધિ, કાજર બારીયા(અવધ એક્સપ્રેસ)