International
નવા વર્ષની અઢળક શુભકામનાઓ સાથે ” સમય સાથે બદલાવ પણ જરુરી છે. … રેખા પટેલ (ડેલાવર, યુએસએ)
“ઉડતા સમય સાથે નહિ ચાલો તો પાછળ રહી જશો.” આ ઉક્તિ મુજબ વિચારીએ તો સમય ચાલે છે, ઉડે છે આપણે તેની સાથે તાલ મિલાવી ચાલવું પડશે. પ્રગતિ માટે સારો સમય કે તેની રાહ જોવાનું છોડી ગમેતેવા પ્રતિકુળ સંજોગોમાં રસ્તો શોધી આગળ ચાલવામાં ડહાપણ છે. આ માટે ઘણી વખત લાગણીઓને બાજુએ મૂકી બુદ્ધિથી કામ લેવું પડે. ટૂંકમાં પરિસ્થિતિને બદલવા માટે પહેલા તેને અનુકુળ થવામાં આવે તો ઓછી તકલીફથી આગળ વધી શકાય છે.
સમયની સાથે તન મન બંનેમાં ફેરફાર થાય છે. શરીર નબળું પડે પરંતુ મન વધુ મજબુત અને સમજદારી ભર્યુ થવું જોઈએ, તોજ સમયની સાથે ચાલ્યા કહેવાય. કેટલીક વખત ઉંમરના એક ઠહેરાવ પછી લોકોને કહેતા સાંભળીએ છીએ કે “બસ બહુ થયું, હવે જીવનમાં શાંતિ અને પ્રેમ જોઇએ છે. કોઈ કહે તો એક કાને સાંભળી બીજા કાને કાઢી નાખવું. દુઃખ મન ઉપર ના લેવું. વગેરે…” પરંતુ શું આપણે એમ કરી શકીએ છીએ ખરા?
કહેવું અને કરવું બંનેમાં ખાસ્સો તફાવત છે. જ્યારે સ્થિતિ સામે આવે ત્યારે ડહાપણ બધું ભુલાઈ જાય છે. ઉશ્કેરાટ મન ઉપર હાવી થઇ જાય છે. અશક્ત શરીર ઉશ્કેરાટ અને એ પછીના પરિણામને ઝીલી શકે તેમ ના હોય તો અહી સમય સામે હારી જવાય છે. આના કરતા સમજને આગળ કરી વાત પચાવતા જો શીખી લઈએ તો ઘણું વધારે મેળવી શકાય છે.
સારા સમયની રાહ જોયા વગર જે પણ સમય મળે છે તેનો સદુપયોગ કરી લેવો જોઈએ. કંઈ પણ કરવા જેવું ના સુઝે ત્યારે પોતાની જાતને અરીસામાં જરૂર જોઈ લેવી જોઈએ. ચોક્કસ આપણને લાગશે કે આપણી અંદર અને બહાર ઘણું બદલાઈ રહ્યું છે. આવા વખતે તેની સંભાળ લેવાનું ચુકવું નહિ. સહુ પહેલા મનને પ્રફુલ્લિત કરવાનું , ત્યારબાદ શરીરમાં સ્ફૂર્તિ ભરવાનું કામ કરવું જોઈએ.. આ બધું કઈ બેસી રહેવાથી નહિ થાય. મનને ખુશ કરવા કશુક મનગમતું કરવું પડશે અને શરીર માટે કસરત કરવી જરૂરી લાગશે. બસ આટલું કરવાથી શરીર સાથે મન ખોટા વિચારો, અને સમયને દોષ આપવાનું છોડી આગળ વધવા ઉસ્તુક બનશે. નવા વિચારોને નવી આશાઓને જન્મ આપશે.
મેઘના બાવીસ વર્ષની ઉંમરે પરણીને અમેરિકા આવી. પતિ પત્ની અને સસરા એમ ત્રણ જણાનો પરિવાર હતો. સસરાને ધમધોકાર ચાલતો કન્વીનીયન સ્ટોર હતો.
પૈસાની જરૂર નથી તમે આરામ કરો ઘર સાચવો અને બધાને પ્રેમથી જમાડો આજ તમારું કામ કહી પરંપરાગત વિચારોમાં જીવતા અમેરિકન સીટીઝન સસરાએ મેધનાને બહાર કામ કરવાની મંજુરી આપી નહિ. મેઘના પણ આવી વ્યવસ્થાથી ખુશ હતી. સમય મળતા ક્યારેક સ્ટોર ઉપર જતી મદદ કરતી. બાળકો આવતા એ પણ લગભગ બંધ થઇ ગયું. ભારતની જેમ અહી કારણ વિના કોઈની ઘરે કે બહાર બજારમાં ફરવા જવાનો મોકો નહોતો આથી મેધના પોતાની નાનકડી દુનિયામાં વ્યસ્ત રહેવા પ્રયત્ન કરતી .
સમય વિતતા બાળકો પોતપોતાની રાહ શોધી આગળ નીકળી ગયા. સસરા પણ સ્વર્ગે સિધાવી ગયા. હવે ઘરમાં મેઘના અને તેના પતિ બેજ રહી ગયા. તેનો પતિ હજુ પણ રોજ આઠ કલાક સ્ટોર ઉપર વિતાવી દેતો, સાંજ મિત્રો સાથે વિતાવતો. આમ મેઘના એકલતા અનુભવવા લાગી. આવા સમયમાં તેનો હસમુખો સ્વભાવ સાવ બદલાઈ ગયો. બધુજ પાસે હોવા છતાં ખુશી તેના જીવનમાંથી જાણે દુર જતી લાગતી.
આવા વખતમાં તેની એક મિત્ર તેને મળવા આવી. તેને મેઘનાના સ્વભાવમાં આવેલા પરિવર્તનનો ખ્યાલ આવી ગયો.
” મેઘના તું કોઈક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહે તો એકલતા નહિ લાગે”
” હું હવે આ ઉંમરે શું કરી શકું તેમ છું? મને કશુજ નથી આવડતું કે કઈ કરવાની હિંમત પણ નથી રહી.” મેઘનાએ જવાબ વાળ્યો.
તેની મિત્ર સમજુ હતી, તેની સમજાવટ પછી મેઘનાએ જીમમાં જવાનું નક્કી કર્યું , ત્યાં રોજરોજ બધાને મળવાનું થતા, નવા મિત્રો બન્યા, ગ્રુપ ચેટીંગ કરતી. નવા લોકો નવા વિચારો સાથે તેને ખુબ શીખવા મળતું. તેને લાગ્યું કે જીવન ક્યાય અટકતું નથી. બસ તેને યોગ્ય દિશામાં લઇ જવા પ્રયત્ન કરવાનો હોય છે. અહી બધા કઈ શીખીને આવતા નથી, ગમતું શીખવાને કોઈ ઉંમર નથી હોતી.
અહી આવતી સુઝેન સાથે મુલાકાત થઇ જે પોતે એક પોટરી ક્લબ ચલાવતી હતી. જ્યાં એ માટીના અવનવા આકારોમાં ઘડા, વાસણ બનાવતા તેને મનગમતા રંગોથી રંગતા શીખવતી હતી. મેઘના આ ક્લબમાં જોડાઈ ગઈ પછી તો તેની સુઝબુઝ અને આવડતથી પોતાનું આખું કલેક્શન બનાવી દીધું. તેનાજ શહેરમાં ભરાઈ રહેલા એક આર્ટફેરના એક્ઝીબીશન માં પોતાનો કોર્નર બુક કરાવી નામ સાથે દામ મેળવી ગઈ. ટાઉનમાં તેની ગણના આર્ટીસ્ટ તરીકે થવા લાગી. જે માન અત્યાર સુધી નહોતું મળ્યું તે તેના શોખે તેને અપાવ્યું.
ખાલી મગજ ખોટા ભ્રમ પેદા કરે છે તે વાત સત્ય છે. એના બદલે તેની પાસે કામ લેવું જોઈએ. આ માટે યોગ્ય વ્યક્તિનો સંગાથ મળે તો કામ સરળ થઇ જાય છે. ઘણી વખત નાસીપાસ થયેલાને કોઈ એવો મિત્ર મળી જાય કે જે ગેરમાર્ગે દોરે છે અને જીવનને ચક્રવાતમાં નાખી દે છે. કોઈની પણ સલાહ લેતા પહેલા તેને જાણવો પરખવો એ આપણી સુઝબુઝને આધારે છે. સાથ એવો હોવો જોઈએ જે ખરાબ સમયમાં અધરસ્તે છોડીને નહિ જાય, સહાનુભુતિ અને સહ્રદયતાથી આગળ વધવાની પ્રેરણા આપે.
જે કાર્ય યુવાનીમાં થઈ શકતા હોય તે અમુક ઉંમર પછી થતા નથી એ સાચું છે. એ જોશ તરવરાટ શરીરમાં રહેવાનો નથી, છતાં મન જો મક્કમ હોય તો ભલે કાર્તીકેય સ્વામી નહિ તો ગણેજી બનીને પણ ધ્યેયને પ્રાપ્ત કરી શકાય છે. અહી આજ સુધીના અનુભવને કામે લગાડવાનો વધારાનો આંક મળે છે. સમયની સાથે રહેવાનો મોકો છેવટ સુધી ખોવો નહિ.