Gujarat
વડોદરા જિલ્લાના બે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને મળી એમ્બ્યુલન્સ વાન
પોઇચા(ક) અને રૂસ્તમપુરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને ઝડપી અને અસરકારક આરોગ્ય સેવાઓ મળી રહેશે
વડોદરા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં નાગરિકોને ઝડપી અને સુદ્રઢ રીતે આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે વડોદરા જિલ્લા પંચાયત દ્વારા ૧૫ નાણાં પંચના અનુદાનમાંથી બે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને એમ્બ્યુલન્સ વાન અર્પણ કરવામાં આવી છે.
જિલ્લા પંચાયત વડોદરા ખાતેથી આજે જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા મહીડા, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્રભાઇ રોહિત તથા જિલ્લા પંચાયતના સભ્યઓ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મીનાક્ષી ચૌહાણની ઉપસ્થિતિમાં સાવલી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પોઈચા(ક), અને વાઘોડીયા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રૂસ્તમપુરાને ૧૫ માં નાણાંપંચ (વર્ષ ૨૦૨૦-૨૧ અને વર્ષ ૨૦૨૨-૨૩) ની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સ વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જેને પરિણામે આ બંને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના તમામ દર્દીઓને અસરકારક આરોગ્ય સેવાઓ મળી રહેશે.