Panchmahal
શિક્ષણ સાથે સેવા ની ધૂણી ધખાવનારા શિક્ષક રાજેશ પટેલની મુલાકાત લેતા જિલ્લા શિક્ષણાધિકારી
- ઘોઘંબા તાલુકાની દુધાપુરા પ્રાથમિક શાળામાં શિક્ષણ સાથે સમાજ સેવા કરતા શિક્ષક રાજેશ પટેલની મુલાકાત લેતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી – ગાયત્રીબેન પટેલ
ઘોઘંબા તાલુકામાં આવેલી દુધાપુરા પ્રાથમિક શાળામાં છેલ્લા 24 વર્ષથી પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવી રહેલા વિશિષ્ટ શિક્ષક રાજેશકુમાર એમ. પટેલ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી અસંખ્ય લોકોની સમાજ સેવા કરી અને લાખો રૂપિયાની વિનામૂલ્યે મદદ અર્પણ કરેલ છે, અને શિક્ષણ ક્ષેત્રે પણ અવનવા પ્રયોગો અને નવતર પ્રવૃત્તિઓ કરી શિક્ષણનો વ્યાપ વધારવાના અનેકવિધ કાર્યો કર્યા છે. શિક્ષક રાજેશભાઈ પટેલની વાત પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગાયત્રીબેન પટેલને મળતા તેઓએ રાજેશભાઈએ કરેલા કામો તથા તેઓએ શાળા કક્ષાએ આપેલ યોગદાનની સ્થળ પ્રત્યક્ષ મુલાકાત લેવા માટે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ધર્મેન્દ્રભાઈ ભમાત, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દીપિકાબેન ચૌહાણ, બી.આર.સી કોર્ડીનેટર પ્રવિણસિંહ સોલંકી સાથે પહોંચ્યા હતા.
રાજેશભાઈ પટેલ કર્મ નિષ્ઠા, પ્રમાણિકતા અને વફાદારી પૂર્વક કરવામાં આવેલા અસંખ્ય લોક સેવાના કાર્યો અને શિક્ષણ ક્ષેત્રે કરેલી પ્રગતિ તથા વિવિધ પ્રકારના મેળવેલા સન્માનોની જાણકારી આપવામાં આવી હતી. તથા ઘોઘંબા તાલુકાને વતન બનાવી અને સૌની સાથે સહાનુભૂતિ તથા એકતા અને સહકારની ભૂમિકા સાથે એક ઉત્તમ શિક્ષક તરીકેના વ્યક્તિત્વનો પરિચય પણ આપવામાં આવ્યો હતો. ઇન્ચાર્જ બીટ કેળવણી નિરીક્ષક ભીમસિહભાઈ રાઠવા દ્વારા પણ રાજેશકુમાર પટેલ દ્વારા કરેલ કામો અને શાળા સમય બાદ મળતા સમયનો ઉપયોગ કરવા વિશે તથા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ રાજ્ય “પારિતોષિક”અને પૂ. મોરારીબાપુ દ્વારા આપવામાં આવેલ “ચિત્રકૂટ એવોર્ડ” વિશે સમગ્ર ટીમને પરિચય કરાવ્યો હતો. પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની ટીમ દુધાપુરા પ્રાથમિક શાળા મુલાકાત કરી અને શાળાના બાળકો અને શિક્ષકોને પ્રેરણાત્મક સૂચનો કર્યા હતા. દરેક વર્ગખંડોમાં શિક્ષણ કાર્ય, સ્કૂલ ઓફ એક્સેલેનસ અને વાંચન -ગણન- લેખન અને મધ્યાન ભોજન વિશે પણ ચકાસણી કરી વિશેષ માર્ગદર્શન આપ્યું હતું.