Ahmedabad
સ્વામિનારાયણ મંદિરમાં મુક્તજીવન સ્વામીબાપાનો ૧૧૬ મો પ્રાગટ્યોત્સવ પરમ ઉલ્લાસભેર ઉજવાયો…
ગરવા ગુજરાત ઉપર ગૌરવનો કનક કળશ ચઢાવનાર સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન અને પ્રાતઃસ્મરણીય જીવનપ્રાણ અબજીબાપાશ્રીના સર્વોપરી સિદ્ધાંતોનો વિશ્વભરમાં પ્રચાર-પ્રસાર કરનાર સનાતન ધર્મસમ્રાટ શ્રી મુક્તજીવન સ્વામીબાપા દુનિયાના સમગ્ર સંત સમાજમાં મૂઠી ઊંચેરા મહાન સંત હતા. તેઓશ્રી તેમની પેઢીના જ નહીં પણ આ યુગ માટેના યુગદ્રષ્ટા હતા.
ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાના પ્રાગટ્યનાં પચાસ વર્ષ પૂર્ણ થતાં સુવર્ણથી તુલા થઈ. ત્યાગમૂર્તિ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ કહ્યું: ” સમાજે આપ્યું એ સમાજને અર્પણ.” સુવર્ણતુલા નિમિત્તે જે દ્રવ્ય આવ્યું એમાંથી શ્રી મુક્તજીવન સ્વામીબાપા સુવર્ણતુલા સ્મારક ટ્રસ્ટ રચાયું. મણિનગર જાણે વિશ્વકલ્યાણનું કેન્દ્ર બની રહ્યું. ઉચ્ચ શિક્ષણ સંસ્થાની જવાબધારી એક ધર્મગુરુ સંભાળે એ કાર્ય હાથ ધરી સ્વામીબાપાએ વિશ્વના ઇતિહાસમાં નવો વિક્રમ સર્જયો. શ્રી સ્વામિનારાયણ કોલેજના ઉદ્ધઘાટન પર્વમાં તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ ર્ડા. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની વિદ્યાપ્રીતિ પર ઓવારી જઈ બોલી ઉઠેલા: ” શ્રી મુક્તજીવન સ્વામીજી મહારાજે ધર્મનો પૈસો શિક્ષણ ક્ષેત્રે વાપરી અજોડ કાર્ય કર્યું છે. અજોડ વ્યક્તિ જ અજોડ કાર્ય કરી શકે.”
મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરનાં પ્રાંગણમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાનો ૧૧૬ મો પ્રાગટ્યોત્સવ શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં પરમ ઉલ્લાસભેર ઉજવણી કરાઈ હતી. ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાને સ્ટેજ ઉપર બિરાજમાન કરી અને શાહી સ્વાગતના તે તે પૂજનીય સંતો હરિભક્તોએ ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાને રાજોપચાર – શાહી પૂજન કરી અને પોતાની ભક્તિ અદા કરી હતી.
ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાને આજના પાવન દિવસે સુવર્ણ મુગટ, પુષ્પની ચાદર, સુવર્ણના અલંકારો વગેરે ધારણ કરાવી અને કૃતકૃત્યતા અનુભવી હતી. શ્રીજીબાપા સ્વામીબાપાનું પૂજન પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે કર્યું હતું અને ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાને તુલામાં બિરાજમાન કરી શર્કરા, પૂગીફળ, શ્રીફળ, પુષ્પતુલા, ગોળ વગેરે પવિત્ર દ્રવ્યોથી તુલા કરવામાં આવી હતી. આ તુલાનાં હજારો દેશ વિદેશના મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શન કર્યા હતા અને ધન્યાતિત બન્યા હતા.
આ દિવ્ય પ્રસંગે પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે દિવ્ય આશીર્વાદમાં જણાવ્યું કે આજથી ૫૧ વર્ષ પૂર્વે આ જ દિવ્ય દિવસ, આ જ સ્ટેજ ઉપર, આ જ સમયે ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્વરાટ થકા રાજાધિરાજપણે મધ્ય સિંહાસન પર અતિ પ્રસન્ન થકા બિરાજમાન હતા અને સંતો અને હરિભક્તોની વિશાળ સભા ભરાયેલી હતી. તે સમયે ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપા આ શ્રી સ્વામિનારાયણ ગાદી સામું અંગુલી નિર્દેશ કરી જણાવે છે કે, આ ગાદી જોઈ તમને બધાને આનંદ થાય છે ને! અક્ષરધામમાંથી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સીધા આદેશથી અમે આ શ્રી સ્વામિનારાયણ ગાદીનું સંસ્થાપન કરીએ છીએ. અને આ સંસ્થાપન કોઈ સાધુ કરે છે તેમ માનતા નહિ, સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાન આ ગાદીને મૂર્તસ્વરૂપ આવે છે એ નક્કી જાણજો.
આજથી તમે સૌ આ શ્રી સ્વામિનારાયણ ગાદીના આશ્રિત છે. આજથી તમે સૌ આ શ્રી સ્વામિનારાયણ ગાદીએથી જે આદેશ મળે તેને શિરોવદ્ય કરજો, જે મુમુક્ષુ આ શ્રી સ્વામિનારાયણ ગાદીના આશ્રિત છો એવા તમારા સૌનો આત્યંતિક મોક્ષ થઈ ગયો છે તે નિશ્ચે જાણજો અને જે કોઈ મુમુક્ષુને તમે આ શ્રી સ્વામિનારાયણ ગાદીના શરણે લાવશો અને તેની ઓળખાણ કરાવશો તે દરેક જીવ આત્યંતિક મોક્ષના ભાગીદાર થશે. ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ આ અક્ષરધામનો ધોરીમાર્ગ ખુલ્લો મુક્યો છે. ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાના બળભર્યા આશીર્વાદ છે કે ,જે કોઈ મુમુક્ષુ આ શ્રી સ્વામિનારાયણ ગાદીનો આશ્રિત થશે અને સિદ્ધાંતવાદી જીવન જીવશે અને દેહપર્યંત આ શ્રી સ્વામિનારાયણ ગાદીનો આશ્રિત રહેશેતો અમે અમારું બિરદ જાણી એ જીવને ચોખ્ખો કરીને આ ને આ જન્મે અક્ષરધામની પ્રાપ્તિ કરાવીશું, કરાવીશું અને કરાવીશું.
આ પાવન અવસરે કેવડિયા – પંચમહાલથી મણિનગર – અમદાવાદ ૧૩૦ કિલોમીટરનું અંતર પદયાત્રા કરી હરિભક્તો આવ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં પૂજનીય સંતો અને હરિભકતોએ ૧૦૮ યુનિટ કરતાં વધુ રક્તદાન કર્યું હતું. ભૂમંડળસ્થિત તીર્થોતમધામ મણિનગર, શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શ્રી મુક્તજીવન સ્વામીબાપાનો ૧૧૬ મો પ્રાગટ્યોત્સવ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંતો તથા દેશ વિદેશના હરિભક્તોએ સાથે મળીને પરમ ઉલ્લાસભેર ઉજવ્યો હતો.