Ahmedabad
મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં આદ્ય આચાર્યપ્રવર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાનો ૧૧૭ મો પ્રાગટ્યોત્સવ ઉજવાયો
આ અવસરે મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્કયૂ એકેડેમી ટીમના તાલીમ લેનારને શિષ્યવૃત્તિ અર્પણ કરવામાં આવી…
ગરવા ગુજરાત ઉપર ગૌરવનો કનક કળશ ચઢાવનાર સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન અને પ્રાતઃસ્મરણીય જીવનપ્રાણ અબજીબાપાશ્રીના સર્વોપરી સિદ્ધાંતોનો વિશ્વભરમાં પ્રચાર-પ્રસાર કરનાર સનાતન ધર્મસમ્રાટ શ્રી મુક્તજીવન સ્વામીબાપા દુનિયાના સમગ્ર સંત સમાજમાં મૂઠી ઊંચેરા મહાન સંત હતા. તેઓશ્રી તેમની પેઢીના જ નહીં પણ આ યુગ માટેના યુગદ્રષ્ટા હતા.
મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરનાં પ્રાંગણમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાનો ૧૧૭ મો પ્રાગટ્યોત્સવ શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં પરમ ઉલ્લાસભેર ઉજવણી કરાઈ હતી. ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાને સ્ટેજ ઉપર બિરાજમાન કરી અને શાહી સ્વાગતના તે તે પૂજનીય સંતો હરિભક્તોએ ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાને રાજોપચાર – શાહી પૂજન કરી અને પોતાની ભક્તિ અદા કરી હતી. ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાને આજના પાવન દિવસે સુવર્ણ મુગટ, પુષ્પની ચાદર, સુવર્ણના અલંકારો વગેરે ધારણ કરાવી અને કૃતકૃત્યતા અનુભવી હતી. શ્રીજીબાપા સ્વામીબાપાનું પૂજન પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે કર્યું હતું અને ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાને તુલામાં બિરાજમાન કરી શર્કરા, પૂગીફળ, શ્રીફળ, પુષ્પતુલા, ગોળ વગેરે પવિત્ર દ્રવ્યોથી તુલા કરવામાં આવી હતી. આ તુલાનાં હજારો દેશ વિદેશના મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શન કર્યા હતા અને ધન્યાતિત બન્યા હતા.
આ અવસરે મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્કયૂ એકેડેમી ટીમના તાલીમાર્થીઓને શિષ્યવૃત્તિ અર્પણ કરવામાં આવી હતી.
આ દિવ્ય પ્રસંગે પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે આશીર્વાદની હેલી વહાવી હતી. તેમજ મોટી સંખ્યામાં પૂજનીય સંતો અને હરિભકતોએ ઉત્સાહથી રક્તદાન કર્યું હતું. ભૂમંડળસ્થિત તીર્થોતમધામ મણિનગર, શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શ્રી મુક્તજીવન સ્વામીબાપાનો ૧૧૬ મો પ્રાગટ્યોત્સવ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંતો તથા દેશ વિદેશના હરિભક્તોએ સાથે મળીને પરમ ઉલ્લાસભેર ઉજવ્યો હતો.