Chhota Udepur
જેતપુરપાવીના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે ૧૫ આંગણવાડી અને એક પંચાયત ઘરનું લોકાર્પણ કરાયું
પ્રતિનિધિ,કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
- કવાંટ તાલુકાના વિવિધ ગામોમાં બનાવવામાં આવેલા ૧૫ આંગણવાડી કેન્દ્રો અને એક પંચાયત ઘરનું જેતપુરપાવીના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે બાળકો દેશનું ભવિષ્ય છે. જ્યારે બાળક અને માતાનું સ્વાસ્થ્ય સારું રહે ત્યારે સમાજનું, જિલ્લાનું અને દેશનું ભવિષ્ય સારું બની શકે. ૦ થી ૬ વર્ષના સમયગાળામાં બાળકનો શારીરિક અને માનસિક વિકાસ થાય છે. આ સમયગાળામાં તેને પૂરક પોષણ મળે અને બિમારીઓ સામે લડવા માટે શક્તિ અને રસીકરણ સમયસર થાય તે જરૂરી છે. તેમજ બાળકની આરોગ્ય તપાસ થાય અને તેને પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળે તે પણ ખૂબ જરૂરી છે.
બાળકો કુપોષિત ન રહી જાય અને તેઓ જે ભાષામાં સમજે એ રીતની ચિત્રભાષા દ્વારા તેમને ગમ્મત સાથે જ્ઞાન આપવામાં આવે છે. એમ કહી તેમણે બાળકોને ઉત્કૃષ્ઠ નાગરિક બનાવવાનું કામ આંગણવાડી મારફત કરવામાં આવે છે એમ જણાવ્યું હતું. રાજય સરકાર દ્વારા સૌ બાળકો ભણી ગણીને આગળ વધે એ માટે મંત્રી, અધિકારીઓ, પદાધિકારીઓ ગામડાઓ ખુંદી બાળકોને શાળા પ્રવેશ કરાવવા આવે છે.
વધુ વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આપણો તાલુકો સામાજીક, શૈક્ષણિક, આર્થિક અને રાજકીય રીતે આગળ આવે એ માટે સૌએ મળીને સહિયારા પ્રયાસો કરવા પડશે એમ કહી તેમણે કવાંટ તાલુકામાં રાજય સરકાર દ્વારા કરવામાં આવી રહેલા વિકાસ કામો અંગે વિગતે છણાવટ કરતા જણાવ્યું હતું કે, કવાંટ માં અનેક વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજ રોજ કવાંટ તાલુકાના કુકણા, ગેલેસર, સૈડીવાસણ, તાડકાછલા, મોટિકડાય, જડુલી, માણકા-૨ ,પડવાની ,બુંજર,લીમડી ફળિયા, ઊમથી, ચિચબા, સિંગલદા દુંગરગામ, કરજ વાંટ અને રોડધા મુકામે નવીન આંગણ વાડી તેમજ નવીન પંચાયત ઘરનું લોકાર્પણ ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, તાલુકા વિકાસ અધિકારી, આઈ.સી.ડી.એસ વિભાગના અધિકારી, કવાંટ તાલુકા પંચાયત ના પ્રમુખ છાયાબેન જી રાઠવા, કવાંટ તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ મિલન ભાઈ તાલુકા પંચાયત ના કારોબારી અધ્યક્ષ પીન્ટુ ભાઈ રાઠવા, ગામના સરપંચ આગેવાનો, ગ્રામજનો અને સંબંધકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.