Gujarat
નડિયાદમાં ફટાકડા વેચાણના પરવાના આપ્યા 25 દિવાળી આવતા 100થી વધુ હાટડી ધમધમવા માંડી
ફટાકડાંના વેચાણના 25 પરવાના જ અપાયા શહેરમાં 100થી વધુ હાટડી ધમધમવા માંડી..
ફટાકડાના સ્ટોલની મંજૂરી મેળવવા ઓનલાઇન પ્રક્રિયા કરાતા વેપારીઓ મૂંઝાયા
* મુખ્ય માર્ગ ઉપરાંત બજાર વિસ્તારમાં ખુલ્લેખામ વેચાણ છતાં તંત્ર મૂક પ્રેક્ષક
દિવાળીનું પર્વ નજીક આવતાંની સાથે ઠેરઠેર ફટાકડાંનું વેચાણ શરૂ થઇ ગયું છે. જોકે, ફટાકડાં વેચવાનો પરવાનો ઓન લાઇન મળતો હોવાને કારણે અનેક વેપારીઓ હાલમાં મૂંઝવણમાં મૂકાયા છે. અત્યાર સુધીમાં માત્ર 25 વેપારીઓને જ પરવાના અપાયા છે, જ્યારે શહેરમાં ઠેરઠેર છૂટક વેચાણ કરતી 100થી વધુ હાટડીઓ ધમધમવા લાગી છે છતાં તંત્ર મૂક પ્રેક્ષક બન્યુ છે. અમારી પાસે 20 અરજી જ આવી છે.
નડિયાદ શહેરમાં દિવાળીનું પર્વ નજીક આવતાંની સાથે જ વિવિધ વસ્તુઓની સાથે સાથે ફટાકડાંનું વેચાણ શરૂ થયું છે. ઓનલાઇન પરવાના લેવાના હોવાથી અત્યાર સુધીમાં શહેરમાં આશરે 25 વેપારીઓને જ પરવાના ઇશ્યુ થયા છે, જ્યારે બાકીના લોકો વગર મંજુરીએ જ ફટાકડાંનું વેચાણ કરી રહ્યા છે. ગાંધીનગરથી અપાતી મંજુરી મેળવવામાં નાના વેપારીઓને મુશ્કેલી પડતી હોવાને કારણે તેઓ પરવાનાની પળોજણમાં પડવા માંગતા જ નથી. નડિયાદ શહેરમાં બજાર વિસ્તાર ઉપરાંત સોસાયટી વિસ્તારોમાં, ઉત્તરસંડા રોડ ઉપર, મુખ્ય બજાર ગણાતા સંતરામ રોડ, અમદાવાદી બજાર સહિતના વિસ્તારોમાં પણ ફટાકડાનું વેચાણ શરૂ થયું છે. લોકોની અવરજવરથી ધમધમતા વિસ્તારમાં આડેધડ થતાં વેચાણને લઇને અકસ્માતનું જોખમ વધુ છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આવા નાના વિક્રેતાઓ દ્વારા વેચાણ શરૂ કરવામાં આવ્યું છે, પણ તેમને પરવાના બાબતે પૂછતાં તેઓ મૂંઝાઇ જાય છે અને પરવાનો ન હોવાની કબુલાત કરે છે.
સામાન્ય પ્રક્રિયા છે પણ હંગામી ધંધો કરવો છે તેમને મુશ્કેલી પડે ગયા વર્ષથી પરવાનાની પ્રોસેસ ઓનલાઇન થઇ ગઇ છે. આમ તો સામાન્ય પ્રક્રિયા છે પણ કેટલાક લોકોને જેમને હંગામી ધંધો કરવો છે તેમને મુશ્કેલી પડે છે. > કપિલભાઇ પટેલ, વેપારી
પરવાનાની પ્રોસેસ કરવાની રહી ગઇ છે, હવે છૂટક વેચાણ કરીશું એક વેપારીએ જણાવ્યું હતું કે, આ તો સિઝનલ ધંધો છે. 10 દિવસમાં થોડું ઘણું કમાઇ લઇએ. પરવાના માટેની પ્રોસેસ કરવાની રહી ગઇ છે, જેથી છૂટક વેચાણ કરી, દિવાળીમાં ધંધો કરી લઇશું.
હાલમાં અમારી પાસે 20 અરજીઓ આવી છે. જેમાં અમે અભિપ્રાય આપ્યા બાદ પોલીસ, ફાયર વિભાગના અભિપ્રાય આપ્યા બાદ અમે પ્રાંત કચેરીમાં મોકલી આપી છે. જ્યાંથી ઉચ્ચ કક્ષાએથી પરવાનો આપે છે. > એસ વી બામરોલીયા, સીટી મામલતદાર..