Gujarat
અમૂલમાં ગેરરીતિપૂર્વક દૂધ ભરાવવાના મામલે 3 વ્યક્તિની ધરપકડ કરાઇ
વધુ બોનસની લાલચમાં બહારથી દૂધ ઉઘરાવી ડેરીમાં ભરતા હતા
નડિયાદ : મહેમદાવાદ તાલુકાના રૂદણ ગામની સીમમાં આવેલ એક તબેલા પર અમુલ ડેરીના અધિકારીઓએ દરોડો પાડી બીજી જગ્યાએથી દૂધ લાવી અમૂલમાં દૂધ ભરતા હોવાનું તપાસમાં ખુલ્યું હતું. આ સંદર્ભે અમૂલ ડેરીના અધિકારીએ મહેમદાવાદ પોલીસ માટે ચાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમૂલ ડેરીમાં એસોસીએટ રિસર્ચ સાયન્ટીસ સહકાર વિભાગમાં નોકરી કરતા યોગેશકુમાર રતિલાલ પટેલને માહિતી મળેલ કે મહેમદાવાદ તાલુકાના રૂદણ ગામે બી.એમ.સી સેન્ટર કોડ નં-૪૪૨૨ ના ધારક રાજુભાઈ લાલજીભાઈ દેસાઈ (રહે. ગોપાલક સોસાયટી, ડાકોર. તા.ઠાસરા) નાઓ ઓછા પશુઓ રાખે છે. અને દરરોજનું ૧ હજાર લિટર દૂધ અમૂલ ડેરીમાં ભરાવે છે. જે બાતમી આધારે અમૂલ ડેરીના ક્વોલિટી વિભાગના અધિકારી ગોકુલ ક્રિષ્નન હર્ષાલ પટેલને સાથે રાખી રૂદણ સીમમાં આવેલ કાળુભાઈ રબારીના તબેલા પર દરોડો પાડી જેટલા ૨૦ દુધાળા પશુઓ મળી આવ્યા હતા. જેમાં છ ભેંસો દૂધ આપતી હતી.
જેથી અંદાજિત ૬૦ લીટર દૂધ થાય. પરંતુ ટેન્કર માંથી તપાસ કરતાં હજાર ૧ લીટર દૂધનો જથ્થો મળી આવતા અધિકારીઓ ચોંકી ઉઠયા હતા. અમુલ અધિકારીઓએ ટેન્કરમાના દૂધના જથ્થામાંથી નમુના માટેના સેમ્પલો લઈ એફએસએલમાં મોકલી આપ્યા હતા. રાજુભાઈ દેસાઈ, કાળુભાઈ રબારી, સનીભાઈ કાળુભાઈ રબારી તથા રાજાભાઈ માલાભાઈ રબારી (રહે, સુઈગામ , જિલ્લો.બનાસકાંઠા) નાઓએ ભેગા મળી કાવતરું રચી અમુલ દૂધ ઉત્પાદક સહકારી સંઘ પાસેથી બી.એમ.સી સેન્ટર મેળવી બીજી જગ્યાએથી વધારાનું દૂધ મેળવી અમુલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના બોનસના વધારાના લાભો ખોટી રીતે મેળવી વિશ્વાસઘાત કરી તેમજ બી.એમ.સી સેન્ટર પર બી.એમ.સી ધારકે પોતાના ફાર્મ નું જ દૂધ ભરવાની જગ્યાએ બી.એમ.સી રજીસ્ટર કરાવી ખોટી રીતે બી.એમ.સી ટેન્ક મેળવી દૂધ ઉત્પાદક સંઘ સાથે છેતરપિંડી કરેલ છે.
આ સંદર્ભે મહેમદાવાદ પોલીસે રાજુભાઈ લાલજીભાઈ દેસાઈ, કાળુભાઈ નાગજીભાઈ રબારી, સનીભાઈ કાળુભાઈ રબારી તથા રાજાભાઈ રબારી (રહે. સુઈગામ જી.બનાસકાંઠા) વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી. પોલીસે સ્થળ પરથી કાળુભાઈ રબારી, સનીભાઈ રબારી તથા રાજાભાઈ રબારી ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બ્યુરો રિપોર્ટ બસર ચિશ્તી આણંદ..