Connect with us

Gandhinagar

રાજ્યપાલ અને મુખ્યમંત્રી ના હસ્તે ૩૪ શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પુરસ્કાર અર્પણ

Published

on

34 teachers were awarded the Best Teacher State Award by the Governor and the Chief Minister

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે શિક્ષક દિવસે ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં આયોજિત ગરિમાપૂર્ણ સમારોહમાં ૩૪ શિક્ષકોનું ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પુરસ્કાર’થી સન્માન કર્યું હતું. રાજ્યના ૧૧ શ્રેષ્ઠ-તેજસ્વી વિદ્યાર્થીઓને પણ એવોર્ડ અર્પણ કર્યા હતા. આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા તેમજ મુખ્ય સચિવ રાજકુમાર ઉપસ્થિત રહ્યા હતા.

૩૫ વર્ષો સુધી ગુરુકુળમાં વિદ્યાર્થીઓને શિક્ષા આપનાર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આજે પણ સ્વયં શિક્ષક તરીકે જ ઓળખાવાનું વધુ પસંદ કરે છે. તેમણે કહ્યું કે, “આજે મને મારા પરિવારમાં આવવાની તક મળી તેનાથી હું વિશેષ સુખની અનુભૂતિ કરી રહ્યો છું.”

Advertisement

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, જીવન નિર્વાહ માટે અનેક વ્યવસાય-વેપાર-ઉદ્યોગ છે, પણ તમામ કર્મોમાં શિક્ષકનું કર્મ અતિ પવિત્ર અને મહત્વનું છે. દાનનું મહત્વ છે પણ વિદ્યા pથી મોટું કોઈ દાન નથી. શિક્ષક-ગુરુજન બાળકની દશા અને દિશા બદલી શકે છે. શુક્લ યજુર્વેદના ‘શતપથ બ્રાહ્મણ’ ગ્રંથનો સંદર્ભ આપતાં તેમણે કહ્યું કે, બાળકના ત્રણ ગુરુ હોય છે; માતા-પિતા અને ગુરુ. ધન્ય છે એ સંતાન જેને આદર્શ, ધર્માત્મા, જીતેન્દ્રિય અને પરોપકારી માતા, પિતા અને ગુરુ મળ્યા છે. શિક્ષક દીપકની જેમ સ્વયં પ્રજ્વલિત થઈને અન્યને પ્રકાશ આપે છે. ‘ગુ’ એટલે અંધકાર અને ‘રુ’ એટલે પ્રકાશ. અજ્ઞાનના અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય તે ગુરુ.

34 teachers were awarded the Best Teacher State Award by the Governor and the Chief Minister

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, શિક્ષક-ગુરુ બાળકને બીજો જન્મ આપે છે. વેદોમાં ઉલ્લેખ છે કે, માતા-પિતા પોતાના બાળકના ઉછેર માટે તેને ગુરુજીના સાંનિધ્યમાં સોંપી આવતા હતા. ભારતનો ગુરુ ત્યારે માતા પિતાને આશ્વાસન આપતો કે, ‘મા ના ગર્ભમાં બાળક જેટલું સુરક્ષિત અને કાળજીમાં હોય છે, એવી જ સંભાળ હું રાખીશ.’ દુનિયામાં એક શિક્ષકનું આનાથી મોટું શ્રેષ્ઠ ચિંતન અન્ય કોઈ ન હોઈ શકે. ભારતના ગુરુઓએ તક્ષશિલા, નાલંદા, વિક્રમશીલા અને વલ્લભી જેવા વિશ્વવિદ્યાલયો આ વિશ્વને આપ્યા છે. ભારત હંમેશા વિશ્વગુરુ રહ્યું છે.

Advertisement

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત ભૌતિક અને આધ્યાત્મિક ક્ષેત્રે વિશ્વમાં અગ્રણી બની રહ્યું છે,એમ કહીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી ભારત આજે પુનઃ વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે ત્યારે રાષ્ટ્રનો શિક્ષક પોતાની જવાબદારી સમજે. સમાજમાં સકારાત્મક વિચાર-સર્જનાત્મક ચિંતન પ્રગટે તેની જવાબદારી શિક્ષકોની છે. શિક્ષકો જ શ્રેષ્ઠ પરિવાર, શ્રેષ્ઠ સમાજ અને શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે. રાષ્ટ્ર અને રાજ્યના પ્રત્યેક શિક્ષક પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય બજાવે અને સંસ્કારીત, શરીરથી સ્વસ્થ, વિચારોથી સમૃદ્ધ, માતા-પિતાનું સન્માન કરે, વડીલો પ્રત્યે સમર્પિત હોય, જેનામાં રાષ્ટ્રભાવના ભરપૂર હોય અને જે રાષ્ટ્ર માટે જરૂર પડે તો બલિદાન આપવા પણ તત્પર હોય એવા બાળકનું નિર્માણ કરે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિનું મહત્વ સમજાવતાં શિક્ષકોને અનુરોધ કર્યો હતો કે, તેઓ શાળાકીય શિક્ષણમાં જ વિદ્યાર્થીઓને સ્વસ્થ જીવનશૈલી માટે પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ખેત ઉત્પાદનોનું મહત્વ સમજાવે. તેમણે શ્રેષ્ઠ શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન આપતાં કહ્યું કે, બાળક નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણના આ પવિત્ર મિશનમાં પ્રમાણિકતાપૂર્વક કર્મ કરો એમાં જ માનવતાની સાર્થકતા છે.
34 teachers were awarded the Best Teacher State Award by the Governor and the Chief Minister

ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ શિક્ષણ નીતિનો ઉદ્દેશ આવનારી પેઢીને શિક્ષણ સાથે શ્રમ કૌશલ્યથી સંપન્ન, શારીરિક માનસિક બુદ્ધિબળથી સજ્જ અને વિશ્વના યુવાઓ સાથે સ્પર્ધામાં ઉભા રહેવા સક્ષમ બનાવવાનો છે. શિક્ષક સમુદાયના વાણી, વર્તન, વ્યવહાર અને વિદ્યાર્થીઓ પ્રત્યે પોઝિટિવ એપ્રોચથી આવી સક્ષમ પેઢીનું નિર્માણ થશે તેવી અપેક્ષા મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.
તેમણે ગુજરાતે સ્માર્ટ ક્લાસરૂમ, ડિજિટલ લર્નિંગ અને જ્ઞાન કુંજ પ્રોજેક્ટ અન્વયે ૧૬ હજાર ક્લાસરૂમ શરૂ કરીને નવી શિક્ષણ નીતિને અનુરૂપ સમયાનુકુળ શિક્ષા-દિક્ષા આપવાના જે સફળ આયામો અપનાવ્યા છે તેની ભૂમિકા આપી હતી.

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કન્યા કેળવણી, ગુણોત્સવ, વિદ્યાર્થીઓનું પ્રાથમિક શાળા શિક્ષણ મૂલ્યાંકન જેવા શિક્ષણ સુધારણા જન આંદોલન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં પાર પડ્યા છે તેની છણાવટ કરી હતી.

મુખ્યમંત્રીએ ૨૦૪૭માં દેશની આઝાદીની શતાબ્દી વેળાએ ભારત માતાને વિશ્વ ગુરુના સ્થાને બિરાજિત કરાવવામાં સમગ્ર શિક્ષક સમુદાયને રાષ્ટ્રહિત, રાજ્યહિત, સમાજહિત હૈયે રાખી વિદ્યાર્થીઓ માટે દીવાદાંડી રૂપ બનવા પ્રેરક આહવાન કર્યું હતું.

Advertisement

શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે સરસ્વતીના સાધક એવા રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને આવકારતાં કહ્યું હતું કે, શિક્ષક સમાજની શ્રેષ્ઠ મૂડી છે. જેમની યાદમાં સમગ્ર દેશ આજે શિક્ષક દિવસ ઉજવે છે તે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતના રાષ્ટ્રપતિ બન્યા તે પહેલાં એક શિક્ષક જ હતા. શિક્ષકમાં શિક્ષણને ઉજાગર કરવાનંત સામર્થ્ય હોય છે. આપણા દેશમાં શિક્ષક અને સરહદ પર દેશની રક્ષા કરતા સૈનિકને ખાસ સન્માન આપવામાં આવે છે.

તેમણે કહ્યું હતું કે,શિક્ષક એ શિક્ષણની સાથે બાળકોને નૈતિક મૂલ્યોનું શિક્ષણ આપી ઉત્તમ નાગરિકનું પણ ઘડતર કરે છે. સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષક અને શિક્ષણની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે, ત્યારે રાજ્યના ૩૪ જેટલા શિક્ષકોએ શિક્ષણના રંગે રંગાઈને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક પ્રાપ્ત કર્યો છે તે તમામને તેમજ ૧૧ શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર તરફથી શિક્ષણ મંત્રીએ અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી.

Advertisement

34 teachers were awarded the Best Teacher State Award by the Governor and the Chief Minister

શિક્ષણ વિભાગના સચિવ ડૉ. વિનોદ રાવે આભાર વિધિ કરીને શિક્ષક દિવસ નિમિત્તે ગુજરાતના સૌ શિક્ષકોને શુભેચ્છાઓ આપી હતી.

મુખ્યમંત્રીએ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે શિક્ષક દિવસ નિમિત્તે ડો. સર્વપલ્લી રાધાક્રિષ્નના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પી હતી.

Advertisement

‘શિક્ષણ વિભાગ વિકાસ ગાથા’ ફિલ્મનું નિર્દેશન કરવામાં આવ્યું હતું.

‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ વિતરણ સમારોહમાં પ્રાથમિક શિક્ષણ નિયામક ડૉ. એમ. આઈ. જોશી, શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, શિક્ષણ વિદો,એવોર્ડ પ્રાપ્ત શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત તેમના પરિવારજનો સહભાગી થયા હતા.

Advertisement
  • શિક્ષકો જ શ્રેષ્ઠ બાળક, શ્રેષ્ઠ પરિવાર, શ્રેષ્ઠ સમાજ અને શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે. પ્રત્યેક શિક્ષક પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય બજાવે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
  • ‘ગુ’ એટલે અંધકાર અને ‘રુ’ એટલે પ્રકાશ. અજ્ઞાનના અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય તે ગુરુ
  • વેદથી વેબ અને ઉપનિષદથી ઉપગ્રહ સુધીની માનવ સંસ્કૃતિની વિકાસ યાત્રામાં શિક્ષણ – શિક્ષકની સકારાત્મક ભૂમિકા રહી છે
  • આજના શિક્ષકો એટલે સ્વર્ણિમ ભારતની આવતીકાલના આર્કિટેક
error: Content is protected !!