Gujarat
વડોદરામાં રાજ્ય સરકારની વિવિધ કચેરીઓ દ્વારા ૩૫.૩૫ લાખ ફાઇલોનું વર્ગીકરણ કરાયું
- કલેક્ટર કચેરીમાં સુશાસન દિવસની ઉજવણી, સ્વચ્છતા હી સેવા અંતર્ગત કચેરીઓના વડાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા
તિજોરી કચેરી, કલેક્ટર ઓફિસ, જિલ્લા શિક્ષણાધિકારી અને સંયુક્ત રાજ્ય વેરા કમિશનરની કચેરીનો પ્રથમ ચાર ક્રમમાં સમાવેશ પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન સ્વ. અટલ બિહારી વાજપેયીના જન્મ દિને વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુશાસન દિનની ઉજવણી કરવામાં આવી હતી. તે નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં કલેક્ટર શ્રી અતુલ ગોરે અધિકારીઓને સ્વાંત સુખાય માટે જનસેવાના પવિત્ર કાર્યમાં નાવિન્ય અને સંવેદના સભર કામ કરવા માટે અપીલ કરી હતી. આ કાર્યક્રમની સાથે સ્વચ્છતા સેવા અભિયાન દરમિયાન સુંદર કામગીરી કરનારી કચેરીને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવી હતી.
સુશાનસ દિવસે ગાંધીનગર સ્થિત સચિવાલયના નર્મદા ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વડોદરાના સ્થાનિક અધિકારીઓ ઓનલાઇન સહભાગી થયા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ઉપરાંત મુખ્ય સચિવ રાજકુમારનું સુશાસન અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. રાજ્ય કક્ષાના કાર્યક્રમ બાદ કલેક્ટર અતુલ ગોર સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વડોદરા શહેર અને જિલ્લાની વિવિધ કચેરીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીનો સંકલિત અહેવાલ પ્રસ્તુત કરતા કહ્યું કે, આ અભિયાન દરમિયાન રાજ્ય સરકારના ૩૧ વિભાગોની કચેરીઓ આ અભિયાનમાં ઉત્સાહભેર સહભાગી થઇ હતી. આ તમામ કચેરીઓ દ્વારા એકંદરે કુલ ૩૫.૩૫ લાખ ફાઇલોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે.
સાથે, ઉક્ત કચેરીઓ દ્વારા કુલ ૨૯૯૨૭ તૂમારોનો ઉકેલ લાવવામાં આવ્યો હતો. વર્ગીકૃત દફતરોમાંથી નાશ કરવા પાત્ર થતી ૧૦૯૩૦ ફાઇલનો નિકાલ કરવામાં આવ્યો છે. બિનઉપયોગમાં રહેલા ૧૨૨ જેટલા માલસમાનનો નિકાલ કરવામાં આવતા કુલ ૧૩૬૨ ચોરસ મિટર જગ્યા વપરાશ માટે મળી છે. આ વસ્તુઓને કારણે રાજ્ય સરકારની તિજારીમાં રૂ. ૩૨૫૬૬ની આવક થઇ છે. વિવિધ કચેરીઓ દ્વારા ૧૮ વાહનોને કન્ડમ, ૮૨૩ કોમ્પ્યુટર-પ્રિન્ટર નિકાલ કરવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે.
આ અભિયાન અંતર્ગત ઉત્કૃષ્ઠ કામગીરી કરનારી કચેરીઓમાં પ્રથમ જિલ્લા તિજારી કચેરી દ્વારા ૩.૪૫ લાખ, દ્વિતીય ક્રમે કલેક્ટર કચેરીમાં ૧૨૨૭૯, તૃતીય ક્રમે ૨૪૫૬ અને ચતુર્થ ક્રમે સંયુક્ત રાજ્ય વેરા કમિશનરની કચેરીમાં ૩૦૫૦૬૭ દફતરોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. આ કચેરીઓની પસંદગીમાં કામના વાતાવરણને સુંદર બનાવવા, બિનઉપયોગી વસ્તુઓ, ઇવેસ્ટના નિકાલની બાબત ધ્યાને રાખવામાં આવી છે. કલેક્ટરશ્રી દ્વારા ઉક્ત કચેરીના વડાને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સુશાસન દિવસની ઉજવણીમાં પ્રાંત અધિકારીઓ, વિવિધ કચેરીઓના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.