Panchmahal

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત પંચમહાલ માં ૩૫૯.૨૮ કરોડના ખર્ચે ૩૮૪ રસ્તાનાં કામો મંજૂર

Published

on

રાજ્યના બજેટ સત્ર ૨૦૨૩-૨૪ દરમિયાન ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાની કેટલીક મહત્વપૂર્ણ વિગતો રજૂ કરવામાં આવી હતી. આ વિગતોમાં દર્શાવ્યા અનુસાર પંચમહાલ જિલ્લામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત તા. ૩૧-૧૨-૨૦૨૨ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષમાં કુલ ૩૮૪ રસ્તાના કામો મંજૂર કરવામાં આવ્યા છે. લગભગ ૩૭૦ ગામને જોડતા આ ૩૮૪ રસ્તાઓ માટે રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. ૩૫૯.૨૮ કરોડની અંદાજિત રકમ મંજૂર કરવામાં આવી છે. જે પૈકી રૂ. ૬૬.૨૨ કરોડની રકમના ૧૦૪ રસ્તાના કામ પૂર્ણ કરવામાં આવ્યા છે, જેનો ૧૧૭ જેટલા ગામને લાભ મળી રહ્યો છે.


ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૬-૧૭થી રાજ્યમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યનાં તમામ ગામડાઓને અન્ય શહેરો અને ગામડાઓ સાથે કનેક્ટિવિટી મળી રહે તે માટે માર્ગ નિર્માણ કરવાનો છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કાચા માર્ગને પાકા બનાવવા, રસ્તાને રીસરફેસિંગ કરવા તથા રસ્તાને પહોળા બનાવવા જેવાં કામો હાથ ધરી ગામડાના રસ્તાઓનું શહેરો સાથે જોડાણ કરવામાં આવે છે. જેથી ગામડાઓની આર્થિક અને સામાજિક પ્રગતિ પણ સુનિશ્ચિત કરી શકાય છે અને ગ્રામવિકાસ હાથ ધરી શકાય છે.

બજેટ સત્ર ૨૦૨૩-૨૪ દરમિયાન ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાની વિગતો રજૂ કરાઈ

Advertisement

 

Advertisement

Trending

Exit mobile version