Ahmedabad
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ પાલ્લી ગામે ૪૯ મો પ્રતિષ્ઠો મહોત્સવ
ઘોઘંબા ભારત દેશમાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. સ્વામિનારાયણ પાલ્લી એ ઘોઘંબા તાલુકામાં આવેલું એક આદર્શ ગામ છે. અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશીય ગુરુપરંપરાના ચતુર્થ વારસદાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપાના ચરણારવિંદથી અનેકવાર પ્રસાદીભૂત બનેલું આ ગામ છે.
ઘોઘંબા અને પાલ્લી ગામો વચ્ચે ઘુસ્કો અને કરાડ એ બે નદીઓ આવેલી છે. તે બંને નદીઓના વચ્ચે આવેલા આંબાવાડિયામાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશ ગુરુપરંપરાના ચતુર્થ વારસદાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ ૪૯ વર્ષ પહેલાં સૌપ્રથમ પંચમહાલ જિલ્લામાં ઘોઘંબા- પાલ્લીમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કર્યું હતું. ત્યારબાદ ૪૧ વર્ષો સુધી શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે અવિરત વિચરણ કરી સત્સંગ સંસ્કારોનું સિંચન કર્યું.
મંદિરોથી સંસ્કાર વધે છે. સંસ્કાર હશે તો જ આપણને શાંતિ મળશે. મંદિરમાં વિશ્વબંધુત્વની ભાવના કેળવાય છે. વળી મંદિરોમાં રહેતા ભગવાનને સમર્પિત શુદ્ધ પવિત્ર જીવન જીવતા સંતોનો સમાગમ પણ મંદિરમાં આવવાથી જ સાંપડે છે.
શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશ ગુરૂપરંપરાના ચતુર્થ વારસદાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપા માટે જ કહે છે કે, માણસને સંસ્કારી બનાવવા માટે મંદિર, માણસને ઘડવા માટે મંદિર, સમાજ ઘડતર માટે મંદિર, સમાજની શુદ્ધિ માટે મંદિર, સદાચારની પ્રેરણા માટે મંદિર, મનની સ્થિરતા કેળવવા માટેનું માધ્યમ એટલે મંદિર. ધર્મ જ્ઞાન વૈરાગ્યના પાઠો ભણાવવા માટે મંદિર. માણસને ખરા અર્થમાં માણસ બનાવવા માટે મંદિર. આપણી ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખી તેનું સદાયને માટે પોષણ કરવા માટે મંદિર.
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના આશીર્વાદથી પૂજનીય સંતો મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી, શ્રી ઘનશ્યામસ્વરુપદાસજી સ્વામી, શ્રી સહજાનંદપ્રસાદદાસજી સ્વામી, શ્રી ભગવત્ભૂષણદાસજી સ્વામી, ગુરુપ્રિયદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં પાટોત્સવ વિધિ, પૂજન, અર્ચન, અન્નકૂટ દર્શન, આરતી, કથાવાર્તા – સંતવાણી વગેરે આધ્યાત્મિક સભર કાર્યક્રમો યોજાયા હતા.
આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી મહારાજની અનુજ્ઞાથી પધારેલા મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામીજીએ જણાવ્યું હતું કે, ભગવાનમાં અનન્ય નિષ્ઠા અને દ્રઢ આશરો રાખી મનુષ્ય જીવનને સાર્થક કરવું જોઈએ તો જ જીવનમાં શાશ્ર્વત શાંતિ, અવિચળ સુખની પ્રાપ્તિ થાય છે. આ દિવ્ય અવસરનો લ્હાવો દેશો દેશના હરિભક્તોએ પરમ ઉલ્લાસભેર લીધો હતો.