Panchmahal
૬ કૂતરાઓ તેમના માલિકો સાથે ટ્રેકિંગ કરી પાવાગઢ ધોધ સુધી પહોંચ્યા
મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચે એક સુંદર અને અનોખો સંબંધ છે જે દિવસેને દિવસે વધતો જાય છે. ઘણી વખત આપણે એવી ઘણી વાર્તાઓ સાંભળી છે જે આ વાતને સાબિત કરે છે જે મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચેના સંબંધ અંગેનો વિશ્વાસ તટસ્થ કરાવે છે. આ સંબંધને એક નવું પરિમાણ, વિશ્વાસ અને મજબૂતાઈ આપવાના ઉદ્દેશ્ય સાથે વડોદરાની એક ટ્રેકિંગ કંપનીએ ગયા રવિવારે વડોદરાની પ્રથમ ‘પેટ પેરન્ટ ટ્રેકિંગ’ ઇવેન્ટનું આયોજન કર્યું હતું.
આ ઇવેન્ટનો મૂળ ઉદ્દેશ્ય પાલતુ પ્રાણીઓને કુદરતના ખોળામાં તેમની પોતાની જગ્યા આપવાનો હતો. તેઓ તેમના માલિકો સાથે થોડો વધું સમય પસાર કરે અને પોતાને ગમતા વાતાવરણમાં રહી શકે એ હતો. આ ઝડપી અને ગતિશીલ શહેરી જીવનમાં કોઈક ને કોઈ કારણસર પાલતુ પ્રાણીઓને પોતાના માલિકો સાથે જોઈતો સમય પસાર કરવા મળતો નથી જેથી કરીને એઓ વચ્ચેનો સંબંધ ફકત હાજરી માત્ર રહી જતો હોય છે. જેથી કરીને માલિક અને પાલતુ પ્રાણીઓ વચ્ચેના સંબંધને વધું મજબૂત બનાવવાના મુખ્ય અને ઉમદા ઉદ્દેશ સાથે આ ઇવેન્ટ યોજાઈ હતી.
ઈવેન્ટ ઓર્ગેનાઈઝર પ્રિયંકા કપૂર અને સચિન ગાયકવાડે ફકત પાલતુ પ્રાણીઓ માટે જ તેઓને મુક્તપણે ફરવા માટે પ્રકૃતિની ગોદમાં જગ્યા આપવાના વિચાર સાથે આ ટ્રેકનું આયોજન કર્યું હતું. લેબ્રાડોર, હસ્કી, પોમેરાનીયન, પોમેરાનીયન ઇન્ડિ મિક્ષ, શિહતજુ, રોટ્ટવેઈલેર જેવી વિવિધ જાતિના કુતરાઓ સહિત એઓના માલિકો આ ઇવેન્ટનો મહત્વનો હિસ્સો બની ઇવેન્ટના મૂળ ઉદ્દેશને સફળ બનાવવામાં સહભાગી બન્યા હતા.
અમે પણ પાલતુ પ્રાણી પ્રેમીઓ છીએ અને દેશભરના વિવિધ પ્રદેશોમાં ઘણું ટ્રેકિંગ પણ કરીએ છીએ. મનાલી ખાતે પણ આવા જ એક અભિયાનમાં અમે લોકોને તેમના પાલતુ પ્રાણીઓ સાથે ત્યાં આવતા જોયા તેથી અમને પણ અહીં આપણા પોતાના શહેરમાં કંઈક નવું કરવાનો વિચાર આવ્યો જેથી અમે આ ઇવેન્ટનું આયોજન કર્યું હતું. વડોદરાની આ પ્રકારની આ પ્રથમ ઇવેન્ટ માટે કુતરાઓને તેઓના માલિકો સાથે અમે આમંત્રિત કર્યા હતા અને તેઓની સાથે મળીને ટ્રેકિંગ કરીને પાવાગઢ ધોધ સુધી ગયા હતા એમ આ ઇવેન્ટની આયોજક પ્રિયંકાએ કહ્યું હતું.
આ પ્રકારની આ પ્રથમ વખતની ઇવેન્ટનું આયોજન વડોદરાની ધ લેઝી પાંડાઝ ટ્રેકિંગ કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. આ કંપનીએ પાલતુ પ્રાણીઓને કુદરતના ખોળામાં ખુલ્લા વાતાવરણમાં ફરી શકે અને તેમના માલિકો સાથે વિતાવવાનો સોનેરી સમય આપવાના ઉદ્દેશ્ય સાથે ઇવેન્ટનું સફળતાપૂર્વક આયોજન અને અમલીકરણ કર્યું હતું.
મહિનામાં એક કે બે વાર આ ઇવેન્ટનું આયોજન કરવાની વાત જણાવતાં પ્રિયંકાએ ઉમેર્યું હતું કે આ પ્રથમ ઇવેન્ટનો સૌથી સુંદર કહી શકાય એવો ભાગ એ હતો કે દરેક પ્રાણી પ્રેમી માલિકોએ પોતાના પાલતુ પ્રાણીઓ સાથે ઉત્સાહપૂર્વક ટ્રેકિંગ કર્યું, મજા માણી અને પૂરતો સમય વિતાવ્યો હતો.