Gujarat
કરજણ અને શીનોર તાલુકાના ૬૨૮ ગરીબ પરિવારોને પ્લોટના માલિકી હક્કો એનાયત
કરજણમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ માટે સનદ વિતરણ કાર્યક્રમ યોજાયો
કરજણ પ્રાંત કચેરી દ્વારા એક માસમાં ઝૂંબેશ ઉપાડી આવાસ યોજનાના લાભાર્થીઓને આપવાની સનદો તૈયાર કરી
કરજણ અને શીનોર તાલુકાના ૬૨૮ પરિવારો માટે ગુજરાત સ્થાપના દિન ખુશીઓનો અવસર લાવ્યો છે. ગુજરાત રાજ્ય સ્થાપના દિન નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન કરજણ અને શીનોર તાલુકાના ૬૨૮ પરિવારોને ઘરથાળ પ્લોટની સનદનું વિતરણ કરવામાં આવ્યું છે. હવે ત્યાં પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ આ પરિવારો માટે મકાન બની શકશે. કરજણ પ્રાંત કચેરી દ્વારા છેલ્લા એક માસની મહેનતને પરિણામે આ ગરીબ પરિવારો હવે પ્લોટના માલિક બનશે અને પોતાના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થશે.
ગુજરાત રાજ્યના સ્થાપના દિન નિમિત્તે પ્રધાન મંત્રી આવાસ યોજના અફોર્ડેબલ હાઉસીંગ અંતર્ગત ભરતમુની હોલ કરજણ ખાતે કરજણ અને શિનોર તાલુકાના લાભાર્થીઓને રહેણાંક પ્લોટની સનદ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં લાભાર્થીઓના પ્રધાન મંત્રી આવાસ યોજનામાં મકાન મંજૂર થયોલ હોય પણ પ્લોટ ના હોય તે લાભાર્થીઓ માટે લેન્ડ કમિટીની બેઠક યોજી પ્લોટ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામ લાભાર્થીઓના પ્લોટનું સનદ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કરજણ તાલુકાના ૩૫૧ અને શિનોર તાલુકાના ૨૭૭ એમ કુલ ૬૨૮ લાભાર્થીઓને સનદ વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે દરેક પરિવારને પોતાનું ઘરનું ઘર અને બધી ઋતુઓમાં સુરક્ષા પૂરું પાડતા ઘરનો લાભ આપવા માટે સરકાર કટિબદ્ધ છે. પ્રધાન મંત્રી આવાસ યોજના સહિત સામાજિક અને આર્થિક ઉત્થાન માટે દરેકે વ્યક્તિગત જવાબદારી સમજીને તમામ યોજનાઓનો લાભ લેવો જોઈએ. આ સમય જનભાગીદારીનો છે, સરકાર યોજનાઓ અમલમાં મૂકે અને લોકો તેનો ભરપૂર લાભ લે તે ખુબજ જરૂરી છે.
કલેક્ટર અતુલ ગોરે કહ્યું કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગરીબ અને જરૂરતમંદ લાભાર્થીઓને શોધીને સરકારની યોજનાના લાભો આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા અમલી હોય એવી યોજનાનો યોગ્ય તમામ લાભાર્થીઓને લાભ મળે એવા પ્રયત્નો સંવેદનશીલતા સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવે છે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ અશોક પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ પટેલ, કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, અધિક નિવાસી કલેક્ટર બી. એસ. પ્રજાપતિ, પ્રાંત અધિકારી આશીષ મિયાત્રા, કરજણ તેમજ શિનોર વહીવટી તંત્રના અધિકારી તથા કર્મચારીગણ અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભ મેળવનાર લાભાર્થીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો.