Panchmahal
પંચમહાલ માં ૨૨ યુનિટ,૨૩૩ બ્લોક માં ૬૮૭૯ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે

આગામી તા.૧૦ થી તા.૧૪ જુલાઇ,૨૦૨૩ દરમિયાન પંચમહાલ જિલ્લામાં ગુજરાત રાજય શિક્ષણ બોર્ડની ધો.૧૦ અને ધો.૧૨ માટેની પૂરક પરીક્ષાઓ યોજાશે.આજરોજ પંચમહાલ જિલ્લા કલેકટર આશિષ કુમારના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી,સભાખંડ ગોધરા ખાતે જીલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી.
આજની આ બેઠકમાં જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે પરીક્ષા કેન્દ્રો ખાતે વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તથા તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાય તે જોવા સૂચન કર્યું હતું.પોલીસ બંદોબસ્ત અને આરોગ્યની ટીમ પણ કેન્દ્રો ખાતે ઉપલબ્ધ રહેશે.વિદ્યાર્થીઓ ભયમુક્ત બની પરીક્ષા આપે તે મુજબનું વાતાવરણ બની રહે તે જરૂરી છે.
પંચમહાલ જિલ્લામાં કુલ ૨૨ યુનિટ,૨૩૩ બ્લોક ખાતે એકંદરે કુલ ૬૮૭૯ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે.જેમાં ધોરણ ૧૦ માટે કુલ ૧૪ યુનિટ અને ૧૪૯ બ્લોકની ફાળવણી કરાઈ છે. ધોરણ ૧૦માં કુલ ૪૫૯૦ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે જ્યારે ધોરણ ૧૨ માટે કુલ ૦૮ યુનિટ અને ૮૪ બ્લોકની ફાળવણી કરાઈ છે.ધોરણ ૧૨માં કુલ ૨૨૮૯ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે.જેમાં સામાન્ય પ્રવાહના ૧૯૦૯ વિદ્યાર્થીઓ તથા વિજ્ઞાન પ્રવાહમાં કુલ ૩૮૦ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે.
તમામ વર્ગખંડ સીસીટીવી કેમેરાથી સુજ્જ હશે.
જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ રીતે, પારદર્શિતા સાથે પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. આગામી તા.૧૦ થી તા.૧૪ જુલાઈ, ૨૦૨૩ દરમિયાન પરીક્ષા કેન્દ્રો અને આજુબાજુના વિસ્તારોમાં પ્રતિબંધાત્મક બાબતો થઈ શકશે નહિ.
પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટર ત્રિજ્યામાં આવેલા ઝેરોક્ષ/ફેકસનાં વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓના ઝેરોક્ષ તેમજ ફેકસ મશીનના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. પરીક્ષા કેન્દ્રો પર મોબાઇલ ફોન, સ્માર્ટવોચ, બ્લુટુથ, ઈયરફોન, કેમેરા, લેપટોપ લઇ જવા પર પ્રતિબંધ રહેશે. પરીક્ષાના સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા થવાં પર પ્રતિબંધ રહેશે (જેમાં પરીક્ષાર્થીઓ,પરીક્ષા ફરજ પર રોકાયેલા અધિકારશ્રીઓ, કર્મચારીઓ,જાહેર માર્ગ પરથી પસાર થતા વાહનોમાં બેસેલા મુસાફરો, સ્થાનિક સબ ડીવીઝન મેજિસ્ટ્રેટશ્રી,તાલુકા મામલતદારને મુક્તિ આપવામાં આવી છે.)
પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓ તથા ફરજ પરના સ્ટાફ કે અધિકૃત વ્યક્તિ સિવાય અનઅધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.પરીક્ષાર્થી કે તેના સાથે સંકળાયેલા કોઈ પણ કર્મચારી તેઓના મોબાઈલ પરીક્ષા બિલ્ડીંગમાં લઈ જઈ શકશે નહીં. આ ઉપરાંત કોઈ પણ તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા/કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવી નહીં, પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી કોઈ પણ વસ્તુ ઈલેક્ટ્રોનિક આઈટમ/પુસ્તક, કાપલીઓ, મોબાઈલ ફોન, ઝેરોક્ષ નકલનું વહન કરવું નહીં કે કરાવવામાં મદદગારી કરવી નહીં. પરીક્ષા દરમિયાન દરેક કેન્દ્રના સંચાલકોએ શાળામાં ઝેરોક્ષ મશીન, સ્કેનર બાબતે એકરારનામું કરવાનું રહેશે, તેમજ આવા મશીનો સીલ કરીને રાખવાના રહેશે. જિલ્લા શિક્ષણાધિકારીએ આ અંગે ખરાઈ કરી અને આ બાબતનું પ્રમાણપત્ર કેન્દ્રના સંચાલક પાસેથી અચૂક મેળવી લેવાનું રહેશે.
આજની આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી,શિક્ષણ વિભાગના અધિકારીઓ,ઝોનલ અધિકારીઓ સહિત સબંધિત વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
* જિલ્લામાં તા.૧૦ થી તા.૧૪ જુલાઇ દરમિયાન ધો.૧૦ અને ધો.૧૨ની પૂરક પરીક્ષા યોજાશે
* કુલ ૨૨ યુનિટ,૨૩૩ બ્લોક ખાતે એકંદરે કુલ ૬૮૭૯ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે
* પરીક્ષાઓ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા ગેરરીતિઓ અટકાવવા જાહેરનામું બહાર પડાયું