Kheda
થર્મલ પાવર સ્ટેશન ખાતે જિલ્લા કક્ષાના ૭૪મા પ્રજાસત્તાક દિન રાજ્યકક્ષાના મંત્રી ની અધ્યક્ષતામાં યોજાયો
સરકારના વિવિધ વિભાગોની યોજનાઓનું પ્રદર્શન કરતા ટેબ્લો દ્વારા વિકાસના કામોની પ્રતીતિ કરવામાં આવી
આજ રોજ ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના થર્મલ પાવર સ્ટેશન, રીક્રિએશનલ ગ્રાઉન્ડ ખાતે પંચાયત અને કૃષિ વિભાગના મંત્રી બચુભાઈ એમ. ખાબડની મુખ્ય ઉપસ્થિતિમાં ૭૪મા પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં મંત્રીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપી હતી સાથોસાથ ભારતની ચારે દિશામાં ઉન્નતિ થાય તેવી પ્રાર્થના કરી હતી.
૭૪મા પ્રજાસતાક પર્વ નિમિતે મંત્રીએ શહીદોને યાદ કર્યા અને તેમને શ્રદ્ધાંજલિ આપી વંદન કરી નાગરિકોને પ્રજાસતાક પર્વની શુભેછાઓ પાઠવી. મંત્રીએ ગુજરાતની પ્રગતિની જાણકારી આપતા જણાવ્યું કે, ગુજરાત કૃષિ, ઉદ્યોગો અને સેવા કાર્યોમાં નિરંતર પ્રગતિ કરી રહ્યું છે તેનું એક માત્ર કારણ ગુજરાતની ખમીરવંતી જનતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલ સૂત્ર ‘સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ’ ના પરિણામ સ્વરૂપે ગુજરાત ઉત્તરોતર પ્રગતિ કરી રહ્યું છે. કૃષિ, આરોગ્ય, રોજગારીના તમામ ક્ષેત્રોમાં ગુજરાત પ્રથમ રહ્યું છે.
કોરોનાની મહામારીમાં ગુજરાતની આરોગ્ય સેવાની કામગીરી બિરદાવતા મંત્રીએ જણાવ્યું કે મોટા મોટા દેશો આ કોરોના મહામારીમાં હાર માની ગયા હતા ત્યારે ભારતે કોરોનામાં સફળ કામગીરી કરી હતી. સાથોસાથ ભારતના લોકોએ પણ સરકારની ગાઈડલાઇનનું પાલન કરી સરકારને પીઠબળ આપ્યું હતું જેથી આ મહામારી સામે ભારત વિજયી બન્યું. કોરોના મહામારીમાં સફળ કામગીરી બદલ ગુજરાતને ઇન્ડિયા ટુડે દ્વારા સન્માનિત કરવામાં આવ્યું તે સૌ ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે. આરોગ્ય ક્ષેત્રમાં ગુજરાતે હરણફાળ વિકાસ કર્યો છે. બે દાયકા પહેલા મોંઘી શસ્ત્રક્રિયા કરવા માટે આર્થિક રીતે નબળો વર્ગના લોકોએ નાણાંના અભાવે કેટલીક વાર જીવ ગુમાવો પડતો હતો પણ આજે PMJAY યોજના અંતર્ગત ૫ લાખની શસ્ત્રક્રિયાનો ખર્ચ સરકાર ઉઠાવે છે અને આ યોજનાનો લાભ જિલ્લાના ૧.૬૮ લોકોએ લીધો છે.
મંત્રીએ ગુજરાતના ખેડૂતોની કામગીરી બીરદાવતા કહ્યું કે ગુજરાતના ખેડૂતોએ સમગ્ર વિશ્વમાં એતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ગુજરાતના ધરતીપુત્રો જૈવ રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે. મંત્રીએ ગૌરવ સાથે ડાંગના ખેડૂતોની કામગીરી બિરદાવી અને જણાવ્યું કે ડાંગ જિલ્લો પ્રાકૃતિક ખેતી કરતો ગુજરાતનો પ્રથમ જિલ્લો બન્યો છે. મંત્રીએ રાસાયણિક ખેતી છોડી અને પ્રાકૃતિક ખેતી તરફ વળા માટે ખેડૂત ભાઈઓને અનુરોધ કર્યો અને જણાવ્યું કે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે રાજ્ય સરકાર શિક્ષણ પૂરું પડી રહી છે, વૈજ્ઞાનિક ખેતી અને ડ્રોન આધારિત ખેતીથી ખેડૂતોની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. ખેડૂતોના ખેતી વ્યવસાયમાં વિકાસ દર ડબલ ડીઝીટમાં જોવા મળી રહ્યો છે. સરકાર ખેડૂતોને ૧૬% વ્યાજદર સાથે ધિરાણ કરે છે.
ગુજરાતના ખેડૂતોના ખાતામાં ૧૧૪૯ કરોડ રૂપિયા ડીબીટી મારફતે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યા છે. સ્માર્ટ ફોન સહાય અંતર્ગત ૬૦૦૦ રૂપિયાની ધન રાશિ ખેડૂતોને આપવામાં આવે છે
મંત્રી બચુભાઈ ખાબડે G20 સમિટની વાત કરતા જણાવ્યું કે G20 સમિટ જેવા આયોજન થકી ગુજરાતમાં વિદેશો દ્વારા મૂડીરોકાણ થશે તેમજ આ સમિટ ગુજરાતના વિકાસને વિશ્વ સામે રજુ કરશે. સાથોસાથ ગુજરાતના સ્ટાર્ટઅપ ક્ષેત્રોની વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યુ કે, ભારતના ગ્રોથ એન્જીનમાં ગુજરાતની હિસ્સેદારી ૧૭.૪૪ % છે. ગુજરાતમાં ૮૪૫૦ સ્ટાર્ટઅપ છે અને ભારતમાં ગુજરાત સ્ટાર્ટઅપ ક્ષેત્રે બીજા ક્રમાંકે છે. સ્ટાર્ટઅપ ક્ષેત્રે ગુજરાતે ઉદ્યોગકારોને ૫૫ હજારની સહાયની ચુકવણી કરી છે.
મંત્રીએ વધુમાં ઉમેર્યું કે મહિલા બાળ વિકાસ મંત્રાલય દ્વારા બાળકો અને મહિલાઓના સર્વાંગી વિકાસનો ખ્યાલ રાખવાની સાથે નારી સશક્તિકરણમાં પહેલ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. મહિલાઓના આર્થિક વિકાસ માટે ૨૫ લાખ સખીમંડળ અંતર્ગત ૧૬૦૦૦ કરોડની સહાય આપવામાં આવી છે. જેથી મહિલાઓ સ્વાવલંબી જીવન જીવી શકે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત ૧૦૦૦ દિવસ સુધી માતાની સંભાળ રાખવામાં આવે છે તેમને જમવાના ભોજનની સાથે ગર્ભાવસ્થા દરમિયાન આયર્ન ફોલિક એસિડની ગોળી આપવામાં આવે છે.
મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ મેળાની વાત કરતા મંત્રીએ જણાવ્યું કે ગરીબ કલ્યાણ મેળા થકી ૧.૭૦ કરોડ ગરીબ લોકોને અંદાજિત ૩૫૦૦૦ કરોડની સહાય કરવામાં આવી છે. ગુજરાતને પાણીદાર ગુજરાત બનાવવવા માટે સરકારે અનેક પગલાં ભર્યા છે. જેના કારણે ગુજરાતમાં આજે પાણીની સમસ્યા જોવા મળતી નથી. અને ૨૦૨૪માં ૧૦૦% ઘરોને “નલ સે જલ’” યોજના અંતર્ગત આવરી લેવામાં આવશે.
ગુજરાતની પ્રગતિમાં યુવાનોનો સિંહફાળો છે તેમ જણાવતા મંત્રીએ કહ્યું કે, ગુજરાતના યુવાનો શિક્ષિત, વ્યસન મુક્ત, સતત પ્રયત્નશીલ છે. તેમજ રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક વારસામાં પણ ગુજરાતે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. ગુજરાતમાં ખેલ મહાકુમ્ભ/ ક્લા મહાકુમ્ભ અંતર્ગત 24 સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવવામાં આવ્યા છે. જિલ્લા કક્ષાએ ૦૯ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવવામાં આવ્યા છે. ગુજરાતે રમતવીરો માટે ૨૦૨૨-૨૦૨૭ સુધીની ખેલનીતિ જાહેર કરી છે. નેશનલ ગેમ્સમાં ગુજરાતે ૪૯ મેડલ મેળવી ભારતમાં આગવી ઓળખ હાંસલ કરી છે અને ભારતનું નામ વિશ્વ સ્તરે રોશન કર્યું છે.
મંત્રીએ ખેડા જિલ્લાના વિકાસના કામોની વાત કરતા જણાવ્યું કે ૩૧મી ઓગસ્ટ ૨૦૨૨ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના વરદહસ્તે ખેડા નવીન જિલ્લા પંચાયતનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેના થકી ખેડા જિલ્લાના વિકાસના કામો ગ્રામ કક્ષાના વિકાસના કામો વધુ સરળ અને સુદ્રઢ રીતે પાર પડી રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં અંદાજીત ૨૭૩.૭૮ કરોડના ખર્ચે ૫૦૬.૪૦ કી.મીના કાચાથી પાકા ડામર રસ્તા ગુજરાત સરકાર દ્વારા મંજુર કરવામાં આવ્યા છે.
છેલ્લા ૭ વર્ષથી વધારે સમયથી સમતલ ન થયા તેવા અંદાજીત ૩૦.૦૪ કરોડના રિસરફેસિગના ૮૩.૪૦ કીમીના રસ્તા ગુજરાત સરકાર દ્વારા મંજૂરી દ્વારા ખેડા જીલ્લાના વાહનવ્યવહારને મજબૂતીકરણ તરફ પ્રયાણ કર્યું છે.
છેલ્લા બે વર્ષ દરમ્યાન રસ્તા, પુલોના ૬૫૨.૧૦ કિ.મીના ૩૩૫.૩૮કરોડની રકમના કુલ ૪૭૧ કામો વિવિધ યોજનામાં, જેમકે મુખ્યમંત્રી ગ્રામસડક યોજના, ખાસ મરામત, સુવિધાપથના અંતર્ગત મંજૂર કરવામાં આવેલ છે. ખુબજ ટૂંક સમયમાં તે પૈકી ૬૩.૧૦કિમીના ૧૭ કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવેલ છે.
ખેડા જીલ્લાના કુલ દસ નવીન બ્રિજની કામગીરી મંજૂર કરવામાં આવી છે. આ નવા બ્રિજનું નિર્માણ થતા ખેડા જીલ્લાના ૪૦ ગામોની વસ્તીને ફાયદો થશે.
પશુ પાલન ક્ષેત્રે જિલ્લાના વિકાસની વાત કરતા મંત્રીએ જણાવ્યું કે સરકારે ગાય, ભેંસના વિયાણ બાદ દાણ ખરીદી પર સહાયની યોજના અંતર્ગત ૨૦૭૧ પશુપાલક લાભાર્થીઓને દાણ ખરીદી પર ૭૪.૫૬ લાખની સહાયની ચુકવણી કરી છે. પાવર ડ્રીવન ચાફટર ખરીદી પર સહાયની યોજના અંતર્ગત ૪૨ લાભાર્થી પશુપાલકોને ૭.૫૬ લાખની સહાય આપવામાં આવી છે.
શિક્ષણ ક્ષેત્રેની કામગીરી બિરદાવતા મંત્રીએ જણાવ્યું કે સમગ્ર શિક્ષા અંતર્ગત ખેડા જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩ માં સ્કૂલ ઓફ એક્સેલેન્સ હેઠળ રૂ.૪૮ કરોડ ૦૨ લાખના ખર્ચે પ્રાથમિક શાળાના કુલ ૫૫૨ ઓરડા મંજુર થયેલ છે. સ્કૂલ ઓફ એકસેલન્સ અંતર્ગત ૭૩ શાળાઓને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટે ૧૪ કરોડ ૬૦ લાખ મંજૂર થયેલ છે. શાળાઓમાં કુમાર અને કન્યા શૌચાલયની સુવિધા પૂરી પાડવાના ભાગરૂપે ૦.૯૯ કરોડના ખર્ચે ૫૯ કુમાર શૌચાલય અને ૧ કરોડ ૪૨ લાખના ખર્ચે ૭૨ કન્યા શૌચાલય ની મંજૂર કરવામાં આવેલ છે જે કામગીરી પ્રગતિમાં છે.
બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ-૨૦૦૯ અને બાળકોના મફત અને ફરજીયાત શિક્ષણ અધિકારના નિયમો-૨૦૧૨ મુજબ નબળા અને વંચિત જૂથના બાળકોને બિનઅનુદાનિત ખાનગી શાળાઓમાં ધોરણ-૧માં ૨૫ ટકા મુજબ પ્રવેશ આપવાની જોગવાઈ છે. જે અન્વયે ચાલુ વર્ષે કુલ ૧૧૭૪ બાળકોને ધોરણ-૧માં પ્રવેશ આપવામાં આવેલ છે.
૨૦૮૮ દિવ્યાંગ બાળકોને વર્ષ:૨૦૨૨-૨૩માં સાધન સહાય આપવામાં આવેલ છે અને ૧૧૪૮ દિવ્યાંગ બાળકોને એલાઉન્સની સહાય આપવામાં આવેલ છે, આ ઉપરાંત જ્ઞાનકુંજ પ્રોજેક્ટનાં ત્રીજા ફેજમાં ૬૭૪ તમામ SOE શાળામાં ૨૦૬૩ સ્માર્ટક્લાસ રૂમ આપવામાં આવેલ છે. જેમાં લેટેસ્ટ ટેક્નોલોજી આધારિત લેપટોપ અને ૬૫”(ઈંચ)નું ટચસ્ક્રીન પેનલ આપવામાં આવેલ છે. કમ્પ્યુટર એઇડેડ લર્નિંગ અને લીટરસી માટે “ICT Computer Lab” ખેડા જિલ્લાની ૨૫૫ શાળાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે.
આ કાર્યક્રમ અંતર્ગત મંત્રી બચુભાઈ ખાબડ સમક્ષ સરકારના વિવિધ વિભાગો દ્વારા ટેબ્લો રજુ કરવામાં આવ્યા. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મિશન, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા અનેક વિધ ઉદ્યોગને લગતા ટેબ્લો, મધ્ય ગુજરાત વિધુત લિમિટેડ દ્વારા સોર ઉર્જા સંબંધિત ટેબ્લો, ખેતીવાડી વિભાગ દ્વારા પ્રાકૃતિક ખેતીની માનવજીવનમાં જરૂરિયાત પ્રદર્શિત કરતો ટેબ્લો, પ્રાથમિક શિક્ષણ કચેરી દ્વારા અભ્યાસથી જાગૃતિ પ્રદર્શિત કરતો ટેબ્લો રજુ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ અંતર્ગત થર્મલ ખાતેની સ્થાનિક શાળાઓના વિદ્યાર્થઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવી. જે પૈકી દિવ્ય ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત સરસ્વતી શીશુ મંદિર, થર્મલ ઈંગ્લીશ મિડિયમ સ્કૂલ, થર્મલ પે સેન્ટર પ્રાથમિક શાળા, થર્મલ હાઇસ્કુલ સેવાલિયા, જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલ, સી. પી. પટેલ હાઈસ્કૂલ, સેવાલિયાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા.
જિલ્લાના વિકાસના કામોને વધુ વેગવંતા બનાવવા માટે મંત્રી દ્વારા કલેક્ટર કે. એલ. બચાણીને ૨૫ લાખનો ચેક આપવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં વિશિષ્ટ કામગીરી કરનાર વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ તથા નાગરીકોનું સન્માન કરવામાં આવ્યું હતું. જે પૈકી જજ ચિત્રા રત્નાને; વિઘાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત રાજ્ય કક્ષાએ બેસ્ટ નોડલ તરીકેનો એવોર્ડ મળવા બદલ અધિક નિવાસી કલેક્ટર બી. એસ. પટેલને; રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ પટેલ ધૃવિલ નયનભાઈ, મલેક જેહાન નજીર મહંમદ, મલેક નૌમાન યાસીન મિયાં;
181 અભયમ હેલ્પલાઇનમાં વિશિષ્ટ ફરજ બદલ ફીલ્ડ કાઉન્સિલર ઓફિસર કવિતા પંડ્યાને; ચૂંટણી દરમિયાન મતદારયાદી જુંબેશમાં વિશિષ્ટ કામગીરી કરવા બદલ બીએલઓ મુકેશભાઈ ભગવાનદાસ પટેલ; શિક્ષણ ક્ષેત્રે પ્રવીણભાઈ વાળંદ તથા શુભ હસમુખભાઈ સોલંકી; વન વિભાગમાં કરુણા અભિયાન ૨૦૨૩માં ઘાયલ થતા પક્ષીઓને બચાવવાની ઉત્કૃષ્ટ કામગીરી બદલ ડોક્ટર જતીન્દ્ર કોર, શિવમ જોશી અને નગીનભાઈ મકવાણાને; 108માં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ઈમ્તિયાઝ અલી સૈયદ તથા રણજીતસિંહ ગોહેલને; ધનવંતરી રથમાં શ્રમિકોને તથા સગર્ભા શ્રમિકની સારવારની ઉત્તમ કામગીરી બદલ રાજનભાઈ પંડ્યા તથા શીતલ સુથારને; ફાયર બ્રિગેડમાં ઉત્તમ કામગીરી કરવા બદલ દિક્ષિતભાઈ તથા નીલેશભાઈ પ્રજાપતિને; પોલીસ ક્ષેત્રે ડી. એન. ચુડાસમા, એમ.એમ. લાલીવાલા, એ. બી. મહેરીયા, વિનોદકુમાર નામદેવ, ગીરીશભાઈ અંબાલાલ તથા કાજલબેન વીરાભાઇને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિશેષમાં કૃષિ વિભાગ તરફથી પોતાની આગવી કોઠાસૂજથી પ્રોટોટાઈપ મલ્ટીડ્રિલ કલ્ટિરોટાવેટર વિકસાવવા બદલ ડોક્ટર ગીતાબેન ચૈતન્યભાઈ પટેલને સન્માનિત કરી રૂ. ૫૧૦૦૦નો ચેક એનાયત કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમ અંતર્ગત શ્રેષ્ઠ માર્ચ પાસ્ટ બદલ જિલ્લા મહિલા પોલીસ પ્લાટુન નંબર ૨ના ખેડા પી.એસ.આઈ કિંજલ ચોધરીને ઈનામ આપવામાં આવ્યું હતું. શ્રેષ્ઠ ટેબલો બદલ વન વિભાગના ડાભીને ઈનામ આપવામાં આવ્યું હતું અને શ્રેષ્ઠ સાંસ્કૃતિક કાર્યક્રમ બદલ પે સેન્ટર શાળા, થર્મલને ઈનામ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને રૂ. ૫૦૦૦નું પ્રોત્સાહન ઈનામ આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમની પૂર્ણાહુતિ મંત્રી તથા મુખ્ય મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરીને કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ, ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલ, ઠાસરા ધારાસભ્ય યોગેન્દ્રભાઈ પરમાર, કલેક્ટર કે.એલ. બચાણી, જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે, ખેડા જિલ્લાના પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા તેમજ જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(પ્રતિનિધિ : રીઝવાન દરિયાઈ ખેડા: ગળતેશ્વર)