Surat
સોનાના વરખથી 6 ફૂટનું ગોલ્ડ શિવલિંગ બનાવવામાં આવ્યું, 11 રાજ્યોની પવિત્ર નદીઓની માટી લાવી તૈયાર કરાયું
(સુનિલ ગાંજાવાલા સુરત)
સુરતમાં શ્રાવણ માસ નિમિતે સોનાના વરખથી 6 ફુટનું ગોલ્ડ શિવલિંગ બનાવવામાં આવ્યું છે. સુરતના સીટી લાઈટ વિસ્તારમાં આ શિવલિંગ જાહેર જનતા માટે ખુલ્લુ મુકવામાં આવશે અને 11 દિવસ સુધી તેની પૂજા અર્ચના થશે. આ માટે હિમાચલ પ્રદેશથી ખાસ સાધુ સંતો પણ પધાર્યા છે.હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે.
શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે ત્યારે સુરતમાં સોનાના વરખથી 6 ફુટનું ગોલ્ડ શિવલિંગ બનાવવામાં આવ્યું છે.દેશમાં પહેલીવાર હશે કે કોઈ માટીના શિવલિંગને અઢીસો ગ્રામ ગોલ્ડ વર્કથી સજાવવામાં આવ્યું છે. ભક્તો છ ફૂટના સુવર્ણ વરખથી તૈયાર થયેલા શિવલિંગના દર્શન પણ કરી શકશે.આ શિવલિંગ માટે દેશના અલગ-અલગ 11 રાજ્યોમાંથી પવિત્ર નદીઓની માટી લાવી તૈયાર કરાઈ છે. આ શિવલિંગ માટે જયપુરથી કારીગરો આવ્યા હતા. આ શિવલિંગમાં આશરે 200 કિલો માટી વાપરવામાં આવી છે અને કારીગરોએ આ નદીઓની માટીથી શિવલિંગ તૈયાર કર્યું છે એટલું જ નહીં મુંબઈથી 24 કેરેટ ગોલ્ડના વરખ લાવી આ શિવલિંગ બનવામાં આવ્યું છે.
આયોજક રાજેશ જૈનએ જણાવ્યું હતું કે, આ શિવલિંગની ખાસ વાત એ છે તેને 11 પવિત્ર નદીઓની માટીમાંથી નિર્માણ કરવામાં આવ્યું છે અને તેના પર સોનાનું લેપ કરવામાં આવ્યું છે. આ શિવલિંગના પૂજાપાઠ અને અભિષેક માટે હિમાલયથી શ્રી સરનાનંદ મહારાજ ખાસ પધાર્યા છે કે જેઓ 11 દિવસ સુધી પૂજાપાઠ અને અભિષેક કરશે. તેઓએ 40 વર્ષથી એક અન્ન ગ્રહણ કર્યું નથી. તેઓ પહેલીવાર સુરત શહેરમાં પ્રવેશ કરી રહ્યા છે. મધ્ય પ્રદેશથી પણ મહારાજ આવ્યા છે તેઓ પણ પૂજા અર્ચના કરશે. 11 દિવસ બાદ આ શિવલિંગને તાપી નદીના પવિત્ર જળપ્રવાહમાં વિસર્જિત કરવામાં આવશે.