Gujarat
નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ્સ ઓઇલપામ અંતર્ગત ઓઇલપામ પાકની ખેતી અંગે શિબિર યોજાઈ
કરજણ તાલુકાના માનપુર ગામમાં ઓઇલપામ પાકની ખેતી અંગે ખેડૂત શિબિર કાર્યક્રમ યોજાયો
નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ્સ ઓઇલપામ હેઠળ મેગા ઓઇલપામ પ્લાન્ટેશન ડ્રાઇવ ૨૦૨૪-૨૫ અંતર્ગત વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના માનપુર ગામ ખાતે ખેડૂતો માટે શિબિર યોજાઈ હતી. કાર્યક્રમના પ્રારંભે નાયબ બાગાયત નિયામક સંકલ્પ પટેલ દ્વારા ખેડૂતોને ઓઈલપામ પાકની પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના મદદનીશ કમિશનર રણવીરસિંઘ દ્વારા વડોદરા જિલ્લામાં ઓઈલપામની વધુમા વધુ ખેતી કરી તેના વાવેતર વિસ્તારમાં વધારો કરવા તથા સરકાર દ્વારા ઉપલબ્ધ યોજનાઓનો લાભ લેવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો. આ ખેડૂત શિબિરમાં ખેડૂતોને ઓઇલપામ પાકનુ મહત્વ, પાક પદ્ધતિ, વાવેતર ખર્ચ, ઓઇલપામ પાકની ખેતીમાં ધ્યાન રાખવાની બાબતો, ઉત્પાદન અને વેચાણ તેમજ ભારત સરકાર દ્વારા ઓઇલપામ પાકમાં ચાલતી વિવિધ સહાયકીય યોજનાઓની મહાનુભાવો દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તાલુકા બાગાયત અધિકારી દ્વારા હાલમાં ચાલતા ‘ગ્રો મોર ફ્રુટ ક્રોપ’ અભિયાન હેઠળ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની પણ માહિતી આપવામાં આવી હતી.
આ શિબિર બાદ મદદનીશ કમિશ્નર રણવીરસિંઘ અને અન્ય મહાનુભાવો દ્વારા માનપુર ગામે ઓઇલપામના ખેતરની મુલાકાત લેવામાં આવી હતી. સંયુક્ત બાગાયત નિયામક ડૉ. જે. એમ. તુવાર અને નાયબ બાગાયત નિયામક સંકલ્પ પટેલ દ્વારા ખેડૂતોના પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ શિબિર કાર્યક્રમમાં સંયુક્ત બાગાયત નિયામક, ગાંધીનગર ડૉ. બી. પી. રાઠોડ, નાયબ બાગયત નિયામક જીગ્નેશભાઈ સુથાર, નાયબ બાગયત નિયામક (સબાની) ડૉ હિરેનભાઈ પટેલ અને તાલુકા બાગાયત અધિકારી રોશન ચૌધરી, બાગાયત અધિકારી રાજેંદ્ર પરમાર, બાગાયત અધિકારી (જિલ્લા કક્ષા) આર મેકવાન તથા ગામના સરપંચ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.