Editorial
૫૧ લાખનો ચેક,”કેમ એમ બેટા ? મારે જગાના બાપુનું પેન્શન તો 18000 રૂપિયા પુરા આવે છે
વિજય વડનાથાણી
સરસપુરની એક નાની પેટા શાખા જેવી બેંકની ભીંત પર લટકતી અને હંમેશા સમયસૂચકતા માટે ટેવાયેલી એવી ભીંત ઘડિયાળમાં ટીક ટીક કરતા 11:00 વાગી રહ્યા હતા. બેંકમાં હજુ સુધી કોઈ લોકોની અવરજવર શરૂ નહોતી થઈ. ગામડાની બેંક હતી એટલે ઓછા બાળ જય ગોપાળ જેવી સ્થિતિ હતી.કેસ કાઉન્ટરની બારી પર અમર ટેબલ ફેન ઠીક ઠાક કરતો ઘડીકમાં ઓફિસમાં બેઠેલા છાપામાં મોઢું નાખીને વાંચતા મેનેજર બાજુ જોતો હતો. તો ઘડીકમાં બેંકના મુખ્ય દરવાજા તરફ. એટલામાં સાહીઠી વટાવી ચૂકેલા પરંતુ ચહેરા ઉપર તરો તાજા તાજગી સાથે સુરજબાએ પ્રવેશ કર્યો. આવતા વેંત તેમને પૈસા ઉપાડવા માટેની પાવતી અને બેંક પાસબુક લઈ અમરને આપતા કહ્યું,” લે ! બેટા આમાં આ ચોપડીમાંથી એકાઉન્ટ નંબર અને પૂરા પાંચ હજાર પાવતીમાં ભરી અને મને ઉપાડીને આપ ! અમરે થોડી શંકાસ્પદ નજરે જોયું. વળી પાછો કંઈક વિચાર કરતો હોય એમ તરત જ પાવતી ભરી એકાઉન્ટ નંબરની વિગતો ભરી. જેવું કોમ્પ્યુટરમાં એકાઉન્ટ ચેક કર્યું તો એની શંકા સાચી પડી. તેણે તરત જ સૂરજબાને હળવેકથી બારી પાસે મો લઈ જઈ કહ્યું,” બા ! ગયા વખતે પણ તમે આમ જ કર્યું અને આ વખતે પણ એવું જ કર્યું ? ગયા વખતે પણ તમે તમારા ખાતામાં પૈસા ઓછા હતા અને વધારે ઉપાડવાની વાત કરતા હતા. આજે પણ એવું જ છે તમારા ખાતામાં ફક્ત રૂ.૨૫૦૦ જ જમા પડેલા છે. તમે જ કહો મારે તમને ૫૦૦૦ રૂ. કેવી રીતે આપવા? અમરની વાત સાંભળી સુરજબા તો જાણે ચકિત થઈ ગયા. તેમનો તાજગી ભર્યો ચહેરો તરત જ મુરઝાઈ ગયો. સાડીના પાલવે કપાળ લૂછતાં તેમણે કહ્યું,”કેમ એમ બેટા ? મારે જગાના બાપુનું પેન્શન તો 18000 રૂપિયા પુરા આવે છે, ને દર વખતે હું જરૂર મુજબ ઉપાડું જ છું ને !”
સુરજબાના પતિ પાણી પુરવઠામાં નોકરી કરતા હતા. નોકરીમાં નિવૃત્ત થયા બાદ ગયા વર્ષે જ તેઓ અવસાન પામ્યા હતા અને તેમનું પેન્શન વારસદાર તરીકે સુરજબાને મળતું હતું એટલે તેઓ દર મહિને આ બેંકમાં પેન્શનના પૈસા ઉપાડવા માટે આવતા હતા.અમરને શંકા પડતા તેને આગળનું સ્ટેટમેન્ટ ચેક કર્યું તેની નજરો જરા ચકરાઈ પરંતુ તે શાંત રહ્યો.અમર પણ આ જ ગામમાં રહેતો હતો એટલે સ્વાભાવિક રીતે સૂરજબા પ્રત્યે તેને લાગણી હતી. તેમના ખાતામાં પેન્શનના અધૂરા પૈસા જોઈ તેનો પણ જીવ થોડો બળ્યો. તેને સુરજબાને થોડાક સમજાવી પાછા મોકલી દીધા. સુરેશબા નિરાશ અને માયૂસ ચહેરે બેંકની બહાર નીકળી ગયા. આખો દિવસ સુરતબાની ચિંતામાં પૂરો કરી અમર સાંજે ઘરે જવા નીકળ્યો.રસ્તામાં જ સુરતબાનુ ઘર આવતું હતું તે સૂરજબાના ઘર બાજુ વળી, જોયું તો સુરજબા ઓસરીમાં બેઠાં બેઠાં પોતાનો એક છોકરો “જગો” જે થોડો ગાંડા જેવો હતો, તેને પોતાના હાથે જમાડી રહ્યા હતા. સૂરજબાના પાસે જઈ અમર બેઠો. થોડી વાતો આડાઅવળી કરી ત્યારબાદ મુખ્ય મુદ્દો મુકતાં કહ્યું કે,”સુરજબા !તમારા પેન્શન અને ખાતા વિશેની જાણકારી બીજા કોઈને છે ખરી ? સુરજબા તરત જ પોતાનો મુખ્ય મુદ્દો આવતા બોલી ઊઠ્યાં ,”હા બેટા મારો દીકરો સુરત રહે છે તેના જોડે બધી માહિતી છે. કેટલું પેન્શન આવે છે એ પણ એને ખબર છે.” અમરે સુરત રહેતા દીકરાનો નંબર લીધો અને ત્યાંથી રવાના થઈ ગયો .આમને આમ એક મહિનો વીતી ગયો. વળી પાછી પેન્શનના રૂપિયા જમા થવાની તારીખ આવી ગઈ. અમરે આ વખતે બરાબર ધ્યાન રાખ્યું .જેવા સૂરજબાના ખાતામાં પેન્શનના રૂપિયા જમા થયા કે તરત જ એને બીજા ખાતામાં ટ્રાન્સફર કરી દીધા અને એ જ દિવસે સાંજે સુરજબાના ઘરે જઈને તેમના જોડેથી જરૂરી કાગળો લઈ એક નવું જ એકાઉન્ટ ખોલી આપ્યું. હવે પેન્શનના રૂપિયા આવતા એ તરત જ આ નવા બેન્ક ખાતામાં જમા કરી દેતો એટલે સુરજબાનું જે મુખ્ય ખાતું હતું એમાં બેલેન્સ નજીવું રહેવા લાગ્યું .બીજી તરફ અમરે લાગ જોઈને સુરતવાળા દીકરાને ફોન કરી જણાવ્યું કે,” સૂરજબાએ પોતાની જમીન અને ઘર ઉપર 45 લાખની લોન લીધી છે અને તેનો હપ્તો સમયસર ભરાતો નથી તેથી ઘર અને જમીન બેંક હસ્તક થઈ જશે માટે હપ્તો સમયસર ભરી જશો.” સુરજબાએ જ તમારો નંબર આપ્યો છે. અને એમ પણ કહ્યું છે કે,” હું હપ્તો ના ભરુ તો મારો મોટો દીકરો સુરતમાં રહે છે એ ભરી દેશે માટે તમને ફોન કર્યો છે. બોલો શું કરવાનું છે હપ્તાનું ? ક્યારે હપ્તો ભરવા આવો છો ?”સુરતવાળો દીકરો તો ધુઆપુઆ થઈ ગયો અને તરત જ ફોન મૂકી દીધો. અમરે બીજા મહીને પણ એવો ફોન કર્યો.હવે દર મહિને પેન્શન રૂપે જે પૈસા ઉપાડવા મળતા હતા એ બંધ થઈ ગયા એટલે એ ખૂબ જ ચિંતામાં આવી ગયો.
બીજી ચિંતા એ પણ થઈ કે માં આટલા બધા પૈસાની લોન ઉપાડી અને વાપરી નાખશે તો મારે જ ભરવાનો વારો આવશે. અમને કશું મળશે નહીં એટલે પરાણે એ પત્નીને લઈને ઘરે આવ્યો. ઘરે આવી અને પોતાની બાને મળ્યો. સુરજબાને અગાઉથી જ અમરે સમજાવી રાખ્યા હતા એ પ્રમાણે સુરેશબાએ જવાબ આપ્યો,” હા બેટા આ આપણા ગામની બેંક છે તે લોન આપતી હતી ખૂબ જ સસ્તા અને વ્યાજબી દરે ! લોન મળતી હતી એટલે મેં લઈ અને સાંભળ.” એટલું બોલી દીકરાના કાનમાં કહ્યું” એની ફિક્સ ડિપોઝિટ કરાવી દીધી છે અને એ જ બેંકમાં પાછી મૂકી દીધી છે. 10 વર્ષ પછી એ બમણી થઈ જશે એટલે હું હોઉં કે નહીં હોવું મારા આ ગાંડીયા માટે અને તને પણ બહુ ઉપયોગી થશે. હું વસિયતમાં તને પણ અમુક હિસ્સો આપવાની છું. તું મુંઝાતો નહીં. અને બીજું સાંભળ ! હપ્તો ભરવાની તો કોઈ ચિંતા જ નથી, એ તો કપાયે જશે પેન્સનના રૂપિયામાંથી.” તેના મગજ પારો સાતમા આસમાને પહોંચ્યો પણ હવે કરે શું? એ દીકરાની ચિંતા વધી ગઈ. એનું શરીર તો જાણે નાગ ડસતા કાળું પડે એવું કાળુમેશ થઈ ગયું.એને એમ હતું કે કદાચ માં બધા જ રૂપિયા નાના દીકરા જગાને આપી દેશે તો હું તો બિલકુલ કોરોકટ જ રહી જઈશ એટલે એને ગામમાં જ માં પાસે જ રહેવાનું નક્કી કર્યું. પત્નીની જરાય ઈચ્છા ના હોવા છતાં પણ મહાપરાણે એણે બાજુના શહેરમાં નોકરી ચાલુ કરી,સાથે સાથે ખેતી કરવાનું પણ શરૂ કર્યું. સ્વાથૅ કાજે માંની સેવા કરવા લાગ્યો. ધીમે ધીમે પત્નીને પણ લાલચ જાગી.તેણીએ વિચાર્યું કે,” આ ડોસી મરશે પછી જમીન,ઘર અને બેંકની એફડી બધું મારું જ છે ને !” હવે એ પણ સૂરજબા અને જગાનુ લાલન પાલન કરતી.હવે સૂરજબાનું પેન્શન આવે છે પરંતુ એમાંથી અમુક કિસ્સો જે હપ્તા જેટલો હોય એ અમર તરત જ કાપી અને નવા એકાઉન્ટમાં જમા કરી દે છે અને બાકીના સૂરજબા જરૂર હોય એમ ઉપાડે છે. પેલો દીકરો તો દર મહિને એટીએમમાં જઈને ખાતું તપાસે છે પણ કશું મળતું નથી.તેને પણ હવે પુરેપુરો વિશ્વાસ આવી ગયો હતો.આમ કરતા કરતા લગભગ આઠ-દસ વર્ષ જેવા વીતી ગયા અને સુરજબા એક સમયે દેવલોક પામ્યા. છેલ્લે છેલ્લે સુરતવાળો દીકરો અને એની વહુએ ઘણાં જ દાવપેચ કર્યા હતા પરંતુ સૂરજબાએ કોઈ વસીહતની વાત કરી જ નહીં. દીકરો અને વહુ તો ઊંડી દ્વિધામાં હતાં.આજે સુરજબાનું બેસણું હતું.
કેટલાક ગામનાં લોકો પણ આવીને બેઠા હતા અને અમર પણ ત્યાં પહોંચ્યો. બધી વિધિ પત્યા પછી જ્યારે બધા વિખેરાયા ત્યારે અમર સૂરજબાના દીકરા અને વહુ પાસે જઈ અને ખીસ્સામાંથી ચેક કાઢીને આપતા કહ્યું,” લ્યો ભાઈ આ સૂરજબાની અમાનત ! સુરતવાળો દીકરો અને વહુ તો ફાટી આંખે જોઈ જ રહ્યા હતા કે આ શેનો ચેક છે ? ચેકમાં પુરા ૫૧ લાખની રકમ ભરેલી જોઈ ઘડીવાર તો એમના અંતરમાં જાણે ફૂલ ખીલી ગયા. પરંતુ તરત જ બનાવટી અને શોક મગ્ન ચહેરો ધારણ કરીને અમરને ચેક વિશે પૂછ્યું. અમરે સ્મિત સાથે એ ભાઈના ખભા ઉપર હાથ મૂકી અને કહ્યું કે,” મને માફ કરજો મિત્ર ! તમારા બાએ કોઈ જ લોન લીધી નહોતી પરંતુ તમે એટીએમ દ્વારા એમના પેન્શનના પૈસા વાપરી દઈ અને બાને સંકડામણમાં મૂકતા હતા એટલે મારાથી જોયું ના ગયું માટે મેં આ કીમિયો કર્યો. ભલે એમને લોન લીધી નથી પરંતુ એમને જે લોનની રકમ કહી હતી એના ઉપર છ લાખ રૂપિયા વધારે તમને મળે છે. સૂરજબાનું જે કંઈ પણ પેન્શન આવતું હતું એ મેં એક નવું એકાઉન્ટ ખોલ્યું હતું એમાં જમા કરતો હતો એના લગભગ 30 લાખ જેવા મળ્યા છે, અને બાકીના અમારી બેન્કમાં એક સભાસદની સ્કીમ ચાલતી હતી એમાં સૂરજબાનું બેલેન્સ સૌથી વધારે હતું એટલે ચેરમેનશ્રી દ્વારા એમને ડ્રોમાં પસંદ કરી 11લાખ આપ્યા છે. દીકરો અને વહુ તો ખરેખર આવક બની અમરને સાંભળી જ રહ્યા હતા. શું કહેવું કશી ખબર પડતી નહોતી ! હા તેઓની આંખોમાં પશ્ચાતાપના આંસુ ખરેખર નિર્મળ વહેતા હતા એ સત્ય હતું.
- ” લે ! બેટા આમાં આ ચોપડીમાંથી એકાઉન્ટ નંબર અને અને પૂરા પાંચ હજાર પાવતીમાં ભરી અને મને ઉપાડીને આપ !
- પુત્ર સ્વાથૅ કાજે માંની સેવા કરવા લાગ્યો. ધીમે ધીમે પત્નીને પણ લાલચ જાગી.તેણીએ વિચાર્યું કે,” આ ડોસી મરશે પછી જમીન,ઘર અને બેંકની એફડી બધું મારું જ છે ને !”