Gujarat
બુકિંગના નામે પૈસા પડાવી ફ્લેટ નહીં આપતા છેતરપિંડીની ફરિયાદ કરાઇ
– 35 લાખથી વધુની ઠગાઇ કરાઇ હોવાની પોલીસ ફરિયાદ
– ભાલેજ ઓવરબ્રીજ નજીક અલ-મુકામ રેસીડેન્સીના 5 ભાગીદારો સામે પોલીસ ફરિયાદ
આણંદ : ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વાડદ ગામના રહીશ અયુબમીયા અજુમીયા મલેક અધ્યાપકમાંથી નિવૃત્ત થયેલ છે.આણંદ શહેરના ભાલેજ ઓવરબ્રીજ નજીક આવેલ બીસ્મીલ્લા સોસાયટી પાસેની જમીનમાં ઈમ્તિયાઝભાઈ સોજિત્રાવાળા, ઈદ્રીશભાઈ એન્જીનીયર (બકાભાઈ), આરીફભાઈ વલાસણવાળા, ઉસ્માનભાઈ નડિયાદવાળા, સરફરાજખાન સરદારખાન પઠાણ (સરફરાઝ પાનવાળા) (તમામ રહે.આણંદ)એ અલ-સીફા ડેવલોપર્સ નામની ભાગીદારી પેઢી બનાવી અલ-મુકામ રેસીડેન્સીના નામે ફ્લેટની સ્કીમ મુકી હતી.
આણંદ શહેરના ભાલેજ ઓવરબ્રીજ નજીકની બિસ્મીલ્લા સોસાયટી પાસે અલ-મુકામ રેસીડેન્સીમાં ફ્લેટના બુકીંગના નામે ગ્રાહકો પાસેથી નાણાં પડાવી ફ્લેટ નહીં આપી ગ્રાહકોને ચુનો ચોપડવા અંગે ફ્લેટના પાંચ ભાગીદારો સામે વધુ એક ફરીયાદ નોંધાવા પામી છે. ભાગીદારોએ એક નિવૃત્ત અધ્યાપક સહિત અન્ય કેટલાક ગ્રાહકો પાસેથી કુલ રૂા.૩૫.૮૫ લાખ પડાવી ફ્લેટ નહિ આપી છેતરપીંડી આચરી હોવાનું ખુલવા પામ્યું છે. ફલેટના ભાગીદારો દ્વારા અન્ય કોઈ ગ્રાહકો સાથે આ પ્રકારે ઠગાઈ કરવામાં આવી હોય તો જરૂરી પુરાવા સાથે આણંદ શહેર પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે.
વર્ષ-૨૦૧૩માં નિવૃત્ત અધ્યાપક અયુબમીયા મલેક મિત્રને મળવા માટે આણંદ આવ્યા હતા. જ્યાં તેઓને આ ફ્લેટની સ્કીમ અંગે જાણકારી મળતા તેઓએ ફ્લેટ લેવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ તેઓએ ઉક્ત ભાગીદારો સાથે વાતચીત કરી કુલ બે ફ્લેટ લેવાનું નક્કી કર્યું હતું. જે અંતર્ગત તા.૨૨-૭-૨૦૧૩ના રોજ તેઓએ રૂા.પાંચ લાખ ચૂકવ્યા હતા. બાદમાં બંને ફ્લેટની કિંમત પેટે રૂા.૧૦.૩૦ લાખ જુદા-જુદા સમયે ચૂકવી આપ્યા હતા. જે-તે સમયે ઉક્ત પાંચ ભાગીદારોએ બાનાખત કરી દસ્તાવેજ કરી આપવાનો વિશ્વાસ આપ્યો હતો.
બાદમાં અયુબમીયા મલેકે અલગ-અલગ તારીખોએ બંને ફ્લેટની રકમ ચૂકતે કરી હતી. જો કે રકમ ચૂકતે કર્યા બાદ ઘણો સમય વીતી જવા છતાં ભાગીદારોએ ફ્લેટના દસ્તાવેજ કરી આપ્યા નહોતા અને આ અંગે અવારનવાર વાત કરતા તેઓએ અલગ-અલગ બહાના બતાવી વાતને ટાળી હતી. જેથી પોતે છેતરાયા હોવાનું જાણમાં આવતા અયુબમીયા મલેકે આણંદ શહેર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે અલ-મુકામ રેસીડેન્સીના પાંચેય ભાગીદારો વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ પાંચેય જણાએ ફ્લેટ આપવાના બહાને અન્ય કેટલાક ગ્રાહકો સાથે પણ ઠગાઈ કરી હોવાનું ખુલવા પામ્યું હતું. જેમાં પાંચેય શખ્સોએ બાલાસિનોરના મોહમ્મદ અયાઝ શેખ પાસેથી ૨.૦૫ લાખ, આણંદના આદમભાઈ શેખ પાસેથી ૨.૫૦ લાખ, ફારૂક શેખ પાસેથી ૧.૫૦ લાખ, મહંમદ ફારૂક પાસેથી ૬.૪૦ લાખ મળી કુલ્લે રૂા.૩૫.૮૫ લાખ ગ્રાહકો પાસેથી ખંખેરી લઈ તમામને ફ્લેટ નહિ આપી છેતરપીંડી આચરી હોવાનું ખુલવા પામ્યું છે. પોલીસે ઈમ્તિયાઝભાઈ સોજિત્રાવાળા, ઈદ્રીશભાઈ એન્જીનીયર (બકાભાઈ), આરીફભાઈ વલાસણવાળા, ઉસ્માનભાઈ નડિયાદવાળા, સરફરાજખાન સરદારખાન પઠાણ (સરફરાઝ પાનવાળા) (તમામ રહે.આણંદ) વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ફ્લેટની સ્કીમ મુકી 10 થી વધુ ગ્રાહકોને ચુનો ચોપડયો
ભાલેજ ઓવરબ્રીજ નજીક આવેલ અલ-મુકામ રેસીડેન્સી ફ્લેટના ભાગીદારોએ ફ્લેટની સ્કીમ મુકી ૧૦થી વધુ ગ્રાહકોને લાખો રૂપિયાનો ચુનો ચોપડયો હોવાનું ખુલવા પામ્યું છે. થોડા દિવસ પૂર્વે ડાકોરના એક ગ્રાહકે છેતરપીંડી અંગે આણંદ શહેર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. ત્યારે હવે વાડદ ગામના નિવૃત્ત પ્રોફેસર સહિત અન્ય નવ જેટલા ગ્રાહકો પણ આ પાંચેય શખ્સોની ઠગાઈનો ભોગ બન્યા હોવાનું ખુલ્યું છે. પોલીસ દ્વારા આ પાંચેય ભાગીદારોએ અન્ય કેટલા ગ્રાહકો સાથે આ પ્રકારે ઠગાઈ કરી તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
બ્યુરો રિપોર્ટ બસર ચિશ્તી આણંદ..