Chhota Udepur
છોટાઉદેપુર ખાતે જિલ્લા સેવાસદનમાં સંકલન સમિતિની બેઠક યોજાઇ

પ્રતિનિધિ, કાજર બારીયા
છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા સેવાસદનના સંકલન સમિતિ હોલમાં ઇન્ચાર્જ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની ભાગ-૧ની બેઠકમાં છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા રજૂ કરવામાં આવેલી રજૂઆતો પૈકી વારસાઇની નોંધો પાડવા અંગેની રજૂઆતની વિગતે ચર્ચા કરતા ઇન્ચાર્જ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ સમગ્ર જિલ્લામાં કલ્સ્ટર બનાવી ઝૂંબેશના ભાગરૂપે વારસાઇ અંગેની નોંધ કરવાની કામગીરી કરવામાં આવે એવી સૂચના આપી હતી.
આ ઉપરાંત તેમણે અન્ય બાબતો અંગે પણ વિગતે ચર્ચા કરી હતી. ભાગ-૨ની બેઠક દરમિયાન ઇન્ચાર્જ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, સંકલન સમિતિની બેઠક માટે જિલ્લા અધિકારીઓ દ્વારા જે ડેટા મોકલવામાં આવે છે એ ડેટા સંપૂર્ણ અને સમયમર્યાદામાં મોકલવામાં આવે એવી તાકીદ કરી તેમણે સંકલન સમિતિના મુદ્દાઓ અંગે ઝીણવટભરી સમીક્ષા કરી હતી. સંકલન સમિતિના મુદ્દાઓની ચર્ચા કરતા તેમણે જણાવ્યું હતું કે, બાકી પેન્શન કેસો અંગેની સમીક્ષા દરમિયાન નિવૃત થયેલા કર્મચારીઓ અને આકસ્મિક અવસાન પામેલા કર્મચારીઓના પેન્શન કેસોનો વહેલી તકે નિકાલ કરવામાં આવે જેથી પેન્શનરોને ઝડપથી તેમના નિવૃતિ લાભો ચૂકવી શકાય એમ કહી તેમણે દરેક કચેરીમાં આવતી સામાન્ય જનતાની અરજીઓનો પણ સમયમર્યાદામાં નિકાલ કરવામાં આવે એ જરૂરી છે એમ કહ્યું હતું.
આ ઉપરાંત તેમણે બાકી સરકારી લેણાની વસુલાત અંગે પણ વિગતે સમીક્ષા કરી ઝડપથી વસુલાત કરવા અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં તેમણે ખાતાકીય તપાસના બાકી કેસો નિકાલ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત તાબાની કચેરીઓના નિરીક્ષણ બાકી હોય તે જિલ્લા અધિકારીએ તેમની તાબાની કચેરીઓનું નિરીક્ષણ પુરૂ કરી દેવા જણાવ્યું હતું. બેઠકનું સંચાલન અધિક નિવાસી કલેકટર આર.કે ભગોરાએ કર્યું હતું. બેઠકમાં પ્રાયોજના વહીવટદાર આર.કે. જાડેજા, પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તી, મૈત્રીદેવી સિસોદિયા, નાયબ કલેકટર અમિત ગામીત, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ચોબિસા, કાર્યપાલક ઇજનેરો, નાયબ નિયામક (અ.જા) વિરલ વસાવા, જિલ્લાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ તેમજ સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.