Surat
સુરતમાં ગેરકાયદે ગર્ભપરીક્ષણ કરતા બ્રહ્મા ક્લિનિકના તબીબ સામે ફોજદારી ગુનો દાખલ
સુનિલ ગાંજાવાલા
ગર્ભમાં બાળકની જાતિ પરિક્ષણ કરવાની સામે પ્રતિબંધ હોવા છતાં આવી ગેરકાનૂની હરકત છાની છપની ચાલી જ રહી છે. બુધવારે આવા જ એક તબીબને સુરત જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાએ પોર્ટેબલ સોનોગ્રાફી મશીનથી ગેરકાયદે ગર્ભ પરિક્ષણ કરતાં ઝડપી પાડ્યા હતા.તેમની સામે ફોજદારી ગુનો દાખલ કરાવાયો હતો.સુરત જિલ્લા પંચાયતે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આરોગ્ય શાખાના પી.સી. એન્ડ પી. એન. ડી. ટી. સેલને મળેલી ફરિયાદના આધારે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અનિલ પટેલ અને તેમની ટીમે શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં લાભુબા કોમ્પલેક્ષમાં આવેલા બ્રહ્મા ક્લિનિકમાં તપાસ કરી હતી.
તપાસમાં બ્રહ્મા ક્લિનિકના ડો. રાજેશ બી. ધોળિયા કે જેઓ બીએચએમએસ હોઈ જેઓ પીસી એન્ડ પીએનડીટી એક્ટ (પૂર્વ પ્રસૂતિ નિદાન પરીક્ષણ અધિનિયમ- ૧૯૯૪ અને નિયમ ૧૯૯૬) મુજબ સોનોગ્રાફી કરવા માટે લાયકાત ધરાવતા ન હતા, છતાં આ કાયદાનો ભંગ કરીને મહિલા દર્દી પર હેન્ડી મશીનથી ગેરકાયદે સોનોગ્રાફી કરતા રંગેહાથ ઝડપાયા હતા. આ તબીબ પાસેથી સોનોગ્રાફીમાં ઉપયોગમાં લેવાતું અનરજિસ્ટર્ડ હેન્ડી પોર્ટેબલ ટેબ્લેટ મળી આવ્યું હતું. આ બ્રહ્મા ક્લિનિકની કે હેન્ડી પોર્ટેબલ મશીનની પીસી એન્ડ પીએનડીટી એક્ટ મુજબ નોંધણી કરાવવામાં આવી ન હતી. જેથી આ કાયદાની કલમ-૧૯૯૪ તથા નિયમ-૧૯૯૬ના ભંગ બદલ પોલીસ કેસ દાખલ કરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.