Gujarat
પીપલ ગભણ ગામ સ્થિત ગાંધી ફળિયાની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનની દાળમાંથી મૃત ગરોળી મળી આવી
પ્રાપ્ત માહિતી અનુસાર નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ચીખલી સહિત જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં નાયક ફાઉન્ડેશન દ્વારા મધ્યાહન ભોજન પૂરું પાડવામાં આવે છે.આ દરમ્યાન શુક્રવારના રોજ પીપલગભણ ગામના ગાંધી ફળીયામાં આવેલ પ્રાથમિક શાળામાં સવારે સાડા નવેક વાગ્યાના અરસામાં એનજીઓનું ભોજન ઉતારવામાં આવ્યું હતું.અને દસેક વાગ્યાના અરસામાં બાળકોને ભોજન પીરસવાનું શરૂ કરાતા એક બાળકની ડીશમાં પીરસવામાં આવેલ દાળમાંથી મૃત ગરોળી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.શાળાના સ્ટાફે પીરસવાનું બંધ કરાવી ઉપલી કચેરીએ જાણ કરવામાં આવી હતી.બાદમાં નાયબ મામલતદાર વેકરિયા સહિતના સ્ટાફે શાળા પર આવી પંચકયાસ સહિતની કાર્યવાહી કરી દાળનો નમૂનો લેવામાં આવ્યો હતો.બીજી તરફ એનજીઓના પ્રતિનિધિઓ પણ શાળા પર આવી બાળકોને બિસ્કિટના પેકેટ આપવામાં આવ્યા હતા.
ગાંધી ફળિયાની પ્રાથમિક શાળામાં રજીસ્ટર સંખ્યા ૩૪-જેટલી છે.અને આજે ૨૯-જેટલા બાળકો હાજર હતા.જોકે આ ગાંધી ફળિયાની વર્ગ શાળામાં બાળકો ભોજન આરોગે તે પૂર્વે જ ગરોળી મળી આવતા કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.પરંતુ બાળકોનું આરોગ્ય જોખમાય તેવી આ ગંભીર બેદરકારી બહાર આવવા પામી હતી.તંત્ર દ્વારા દાળનો નમૂનો લઈ પંચકયાસ કરી સંતોષ માનવાના સ્થાને આ માટે જવાબદાર એનજીઓ સામે નક્કર પગલાં ભરવા જોઈએ તે જરૂરી જણાઈ રહ્યું છે.