Chhota Udepur
છોટાઉદેપુર ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ
પ્રતિનિધિ, કાજર બારીયા
છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા સેવાસદનના જીલ્લા સંકલન સમિતિ હોલમાં જિલ્લા કલેકટર સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિ સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાવમાં આવી હતી.
જિલ્લા સંકલન સમિતિની ભાગ-૧ની બેઠક કે જેમાં જિલ્લાના પદાધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવતા પ્રશ્નો સંદર્ભે ચર્ચા કરતા જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, પદાધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવતા પ્રશ્નોના સંબંધિત વિભાગના અધિકારી દ્વારા જે જવાબ રજૂ કરવામાં આવે છે એ જવાબોની ચર્ચા પદાધિકારી સાથે અગાઉથી કરી લેવામાં આવે એ જરૂરી છે એમ જણાવ્યું હતું.
બેઠક દરમિયાન છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ વિવિધ મુદ્દે રજૂ કરેલા પ્રશ્નો અંગે વિગતે ચર્ચા કરવામાં આવી છે. આ ચર્ચા દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, રાજયસભા સાંસદ નારણભાઇ રાઠવા, લોકસભા સાંસદ ગીતાબેન રાઠવા, ધારાસભ્ય અભેસિંહભાઇ તડવી, ધારાસભ્ય જયંતિભાઇ રાઠવા અને જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહે પણ ઉપયોગી સૂચનો કર્યા હતા.
ભાગ-૨ની બેઠક દરમિયાન ખાતાકીય તપાસના બાકી કેસો અંગે ચર્ચા કરતા જિલ્લા કલેકટરે કોઇ પણ ઓફિસમાં ખાતાકીય તપાસના કેસો લાંબા સમય સુધી પડતર ન રહે એ અંગે તકેદારી રાખી ખાતાકીય તપાસના બાકી કેસોનો સમયમર્યાદામાં નિકાલ કરવામાં આવે એમ જણાવ્યું હતું. આ ઉપરાંત સરકારી લેણાની બાકી વસુલાત અંગે વિગતે સમીક્ષા કરતા તેમણે સરકારી લેણાની વસુલાત ઝડપથી કરવામાં આવે એ ઇચ્છનીય છે એમ જણાવ્યું હતું. બેઠક દરમિયાન લોકો તરફથી મળેલી અરજીઓના નિકાલ, વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓના બાકી પેન્શન કેસો, તાબાની કચેરીઓનું નિરીક્ષણ તેમજ આર.આઇ.સીના બાકી પેરાના નિકાલ અંગે પણ વિગતે સમીક્ષા કરવામાં આવી હતી.
વધુમાં બેઠક દરમિયાન સી.એમ.ડેશ બોર્ડ અંતર્ગત કરવામાં આવતી ન્યુઝ એનાલિસીસની કામગીરી અંગે વિગતે સમીક્ષા કરી જે કચેરી દ્વારા ન્યુઝ એનાલીસીસની કામગીરી બાકી હોય એ કચેરીને સત્વરે કામગીરી પૂર્ણ કરવા માટે તાકીદ કરવામાં આવી હતી.
બેઠકનું સંચાલન અધિક નિવાસી કલેકટર આર.કે.ભગોરાએ કર્યું હતું. બેઠકમાં પ્રયોજના વહીવટદાર સચિનકુમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કે.ડી.ભગત, નાયબ કલેકટર અમીત ગામીત, આયોજન અધિકારી એસ.બી.ડાભી, ડીવાયએસપી રાઠોડ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ચોબીસા, નાયબ નિયામક અનુસૂચિત જાતિ વિરલ વસાવા, મદદનીશ કમિશ્નર આદિજાતિ વિકાસ રાહુલ બારડ, જિલ્લા અન્ય વરિષ્ઠ અધિકારી અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.