Panchmahal
ગોધરાના ગોલ્લાવ ખાતે ખેડૂત શિબિર – વ – નિદર્શનનું આયોજન કરાયું
માહિતી બ્યુરો,ગોધરા
ડ્રોનના ઉપયોગથી નેનો યુરિયા અને નેનો ડી.એ.પી.ના છંટકાવ બાબતે પ્રત્યક્ષ નિર્દશન કરાયું
ખેતીમાં થતા ખાતરના વધારે પડતા અને આડેધડ ઉપયોગથી ખર્ચને ઘટાડવા તથા ખાતરની જરૂરીયાતને ધ્યાને રાખીને આજરોજ ગોધરા તાલુકાના નવલસિંહની મુવાડી,ગોલ્લાવ ખાતે ખેતીમાં નેનો યુરિયા અને નેનો ડી.એ.પી.ના વપરાશ અર્થે અઠવાડિક ખેડૂત સંમેલનની ઝુંબેશરૂપે ખેડુતોમાં જાગૃતિ આવે તેના ભાગરૂપે ખેતીવાડી,વિસ્તરણ શાખા અને આત્મા પ્રોજેક્ટ,પંચમહાલના સહયોગથી ખેડૂત શિબિર-વ- નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
નેનો યુરિયા અને નેનો ડી.એ.પી.ના વપરાશનું મહત્વ અને તેને વાપરવાની રીતની સાથે વિવિધ વિષયો જેવા કે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષની ઉજવણી નિમિત્તે મિલેટનું મહત્વ, રોજબરોજના આહારમાં તેનો ઉપયોગ, દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિનું મહત્વ અને તેના પાંચ આયામો,દવા અને ખાતરનો ખેતી કામમાં વપરાશ માટે નવીન ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી સમય અને ખાતર/દવાનો બચાવ, ખેતીવાડી ખાતાની વિવિધ ખેડૂતલક્ષી સહાય યોજનાઓ વિશે ઉપસ્થિત ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તકે ઉપસ્થિત ખેડૂતોને પ્રગતિશીલ ખેડૂત ગજેન્દ્રસિંહ પરમારના ડાંગરના ખેતરમાં ડ્રોનના ઉપયોગથી નેનો યુરિયા અને નેનો ડી.એ.પી.ના છંટકાવ બાબતે પ્રત્યક્ષ નિદર્શન કરાયું હતું.ગ્રામસેવક એચ.ડી.બારીયા અને બી.સી.ડામોર દ્વારા નિદર્શન કરાયું હતું.
આ શિબિરમાં નાયબ ખેતી નિયામક વિસ્તરણ શાખાશ્રી એ. કે. સોનારા,મદદનીશ ખેતી નિયામક એમ.કે. ડાભી,ખેતી અધિકારી જે.બી. પટેલ, એસ.ડી.મુનીયા,આત્મા પ્રોજેક્ટ બીટીએમ વિશાલ શાહ,વિસ્તરણ અધિકારી ખેતી એસ. બી. પટેલ,ઇફકો કંપનીના ગોધરા ડેપોના આદિલ મલિક સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી પંચમહાલ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.