Gujarat
કાલોલ તાલુકાનો ખેડૂત પ્રાકૃતિક ખેતી કરી આત્મનિર્ભર બન્યો
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રાકૃતિક કૃષિના આહવાનને ઝીલીને મોટી સંખ્યામાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે અને પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોના મતે પ્રાકૃતિક ખેતી એ તેમના માટે અને આવનારી પેઢીઓ માટે વરદાનરૂપ છે. જ્યારે સમગ્ર રાજ્યમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતીની દિશામાં આગળ વધી રહ્યા છે ત્યારે પંચમહાલ જિલ્લાના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી કરીને આત્મનિર્ભર બની રહ્યા છે.
આવો વાત કરીએ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત સુરેશભાઇ ચૌહાણની. કાલોલ તાલુકામાં ખૂબ અંતરિયાળ વિસ્તારનું એક ગામ કે જેનું નામ છે બોડીદ્રા. બોડીદ્રા ગામના સુરેશભાઇ ચૌહાણ છેલ્લા પાંચ વર્ષથી પોતાના ખેતરમાં તમામ આયામોનો ઉપયોગ કરીને પ્રાકૃતિક ખેતી કરીને આત્મનિર્ભર બન્યા છે.
સુરેશભાઈએ દિવેલા અને ગલગોટાના મિશ્ર પાકથી ખેતી કરેલી છે. જેમાં એક પાક નિષ્ફળ જાય તો પણ બીજા પાકમાંથી આવક મેળવી શકાય છે અને આ ખેતી સંપૂર્ણ રીતે પ્રાકૃતિક પદ્ધતિથી કરે છે. તેમના જણાવ્યા મુજબ પ્રાકૃતિક ખેતીમાં સૌથી ઓછો ખર્ચ આવે છે અને જો સમયસર આયામનો ઉપયોગ કરીને પૂરતું ધ્યાન રાખવામાં આવે તો પ્રાકૃતિક ખેતી કરીને રાસાયણિક ખેતી કરતાં પણ વધારે આવક અને ઉત્પાદન મેળવી શકાય છે. ફુલ પાકમાં લગભગ ૬૦ થી ૬૫ દિવસે ફુલ આવવાની શરૂઆત થઈ જાય છે, જેમાં તેઓ આ ફૂલો ગણેશ મહોત્સવ, નવરાત્રી તેમજ દિવાળીના સમયે ઉત્પાદન થતું હોવાથી બજાર ભાવ પણ તેમને સારા મળે છે.
સુરેશભાઇએ જણાવ્યું કે દિવેલા પાકમાં જ્યારે દિવેલાની લુમ આવવાની શરૂ થાય છે તે સમયે ઘોડિયા ઇયળોનો ઉપદ્રવ વધી જાય છે ત્યારે આંતર પાક તરીકે ગલગોટા લીધેલા હોવાથી દિવેલાના પાકને ઈયળો નુકસાન કરતી નથી અને કુદરતી રીતે નિયંત્રણ થઈ જાય છે. તેમજ ફુલ પાકની વીણામણ ત્રણથી પાંચ દિવસે થતી હોવાથી એ સમયે નિકાલ પણ થઈ જાય છે અને કોઈ પણ જાતની દવાનો છંટકાવ કરવો પડતો નથી. પરંતુ જો કદાચ નુકસાન થાય પણ તો તેઓ નિમાસ્ત્ર અથવા બ્રહ્માસ્ત્ર જેવા પ્રાકૃતિક અસ્ત્રોનો છંટકાવ કરે છે જેના દ્વારા રોગ અને જીવાત આવતી અટકે છે અને અને પાક રક્ષિત રહે છે.
સુરેશભાઇએ કહ્યું કે તેમણે પ્રાકૃતિક ખેતીમાં શરૂઆતના પાયામાં પાકમાં ઘનજીવામૃતનો ઉપયોગ કર્યો હતો અને ત્યારબાદ પાક વાવેતર કરીને ચોક્કસ સમય અંતરાલથી જીવામૃતનો ઉપયોગ કર્યો હતો તેમજ સાથે સાથે જીવંત આચ્છાદન પણ કર્યુ છે. જેથી તેમને પ્રાકૃતિક ખેતી કરવાથી ઘણો સારો ફાયદો થયો છે અને ખેતી ખર્ચમાં પણ ખૂબજ ઘટાડો થયો છે.
ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા પણ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવા ગાય નિભાવ ખર્ચ આપવાથી લઈને અને પ્રાકૃતિક ખેતી તાલીમ આપવા જેવા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેથી સુરેશભાઇ જેવા હજારો ખેડૂતો આજે પ્રાકૃતિક ખેતી કરીને ઓછા ખેતી ખર્ચે સારુ ઉત્પાદન મેળવીને આત્મનિર્ભર બન્યા છે અને આસપાસના વિસ્તારના ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરી રહ્યાં છે.