Surat
સુરત માંથી વાહન ચોરી કરી મોબાઈલ સ્નેચિંગ કરતી ટોળકી ઝડપાઈ
(સુનિલ ગાંજાવાલા સુરત)
સુરત શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગ તથા લૂંટ તથા વાહનચોરી કરતી ટોળકીને સારોલી પોલીસે ઝડપી પાડી છે. પોલીસે આરોપીઓ પાસેથી 9 મોબાઈલ, 5 ટુવ્હીલર વાહનો તેમજ 2 ચપ્પુ મળી કુલ 2.41 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. આ સાથે 8 ગુનાના ભેદ ઉકેલી નાંખ્યો છે
સારોલી પોલીસે બાતમીના આધારે કડોદરા વેડછા પાટિયા પાસેથી આરોપી શિવરતન ઉર્ફે શિવા રામકુમાર ઘોરી , પ્રવિણ ઉર્ફે અનુજ સંજય પાટીલ તેમજ એક સગીરની ધરપકડ કરી છે.
પોલીસે આરોપીઓ પાસેથી 65 હજારની કિમતના 9 મોબાઈલ, 1.74 લાખની કિમતના અલગ અલગ કંપનીના ટુવ્હીલર તથા રોકડા રૂપિયા 2500 અને બે ચપ્પુ મળી કુલ 2.41 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. પોલીસ તપાસમાં સરથાણા, ખટોદરા, કામરેજ, કડોદરા અને સારોલી પોલીસ મથક મળી કુલ 8 ગુનાના ભેદ ઉકેલાઈ જવા પામ્યા છેપોલીસ તપાસમાં આરોપીઓ વહેલી સવારે સોસાયટી તથા કોમ્પ્લેક્સ ખાતે પાર્કિંગ કરેલા ખુલ્લા લોક વાળા વાહનો ડાયરેક્ટ વાયરિંગ કરી ચાલુ કરી ચોરી કરતા હતા અને બાદમાં ચોરી કરેલા વાહનો લઈને રાતના સમયે એકાંત વાળી જગ્યાએ જતા રાહદારીઓ તથા રિક્ષામાં બેસેલા પેસેન્જરોના મોબાઈલ ફોન સ્નેચિંગ કરતા હતા. આ દરમિયાન જો કોઈ પ્રતિકાર કરે તો ચપ્પુ બતાવી મોબાઈલ ફોનની લૂંટ ચલાવીને ફરાર થઈ જતા. આ મામલે સારોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.