Chhota Udepur
સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોનો સ્નેહમિલન તેમજ પરિણામ સુધારણા કાર્યક્રમ યોજાયો
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી છોટાઉદેપુર અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, છોટાઉદેપુર(સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ)દ્વારા આજે સ્નેહમિલન તેમજ પરિણામ સુધારણા સેમિનારનું આયોજન બોડેલી મુકામે શિરોલાવાલા હાઇસ્કુલ, નવી બિલ્ડીંગ ખાતે નવ નિયુક્ત જિલ્લા શિક્ષણાધિકારી આનંદકુમાર પરમારના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. આ તકે શિક્ષણ નિરીક્ષક કે બી પાચાણી સાથે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રાથમિક સંવર્ગ સચિવ તથા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત અધ્યક્ષ ભીખાભાઈ આર પટેલ તેમજ સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત અધ્યક્ષ અનિલભાઈ કે રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લાના સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના ખૂબ બહોળી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભવોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ અશોકભાઈ રાઠવા દ્વારા મહાનુભવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ સર્વેનું પુષ્પગુચ્છ તેમજ જિલ્લાની ઓળખ એવા પીઠોરા દેવના ફોટા સાથેની ફ્રેમ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઇન્ચાર્જ શિક્ષણાધિકારી તેમજ હાલના શિક્ષણ નિરીક્ષક કે બી પાચાણી મેડમને વિશેષ સન્માનિત કરી સ્મૃતિચિન્હ આપી તેઓની શિક્ષણાધિકારી તરીકેની સેવાઓને બિરદાવતા તેમને શૈક્ષિક સંઘ તેમજ સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના શિક્ષકો દ્વારા સ્મૃતિચિન્હ પ્રદાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિક્ષણ નિરીક્ષક છોટાઉદેપુર કે બી પાચાણીએ સર્વે નો આભાર માન્યો હતો. અને પરિણામ સુધારણા અંગે સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતુ. ત્યારબાદ પ્રાંત અધ્યક્ષ ભીખાભાઈ આર પટેલ દ્વારા આ સ્નેહમિલન કાર્યક્રમમાં સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો સાથે વાર્તાલાપ કર્યો હતો અને રાષ્ટ્રના નિર્માણમાં પાયાના પથ્થર બની શિક્ષણ ક્ષેત્રે કાંઇક વિશિષ્ટ કામગીરી કરવા હાકલ કરી હતી. કાર્યક્રમના અધ્યક્ષ અને નવનિયુક્ત જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ આનંદકુમાર પરમારે શિક્ષકોને પરિણામ સુધારણા અંગે તેમજ શિક્ષણ જગતમાં ઉચ્ચ અને ઉન્નત કાર્યો કરવા માટે વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અંતમાં તૃપ્તિબેન રોહિત દ્વારા કાર્યક્રમને ને સફળ બનાવવા છેલ્લા કેટલાય દિવસોથી સતત મેહનત કરનારા અધ્યક્ષ જગદીશભાઈ પરમાર અને માઘ્યમિક અધ્યક્ષ અશોકભાઈ રાઠવાનો સવિશેષ આભાર વ્યક્ત કર્યો સાથે સમગ્ર ટીમ અને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કાર્યક્રમને સફળ બનાવવામાં યોગદાન આપનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.