Gujarat
પાવાગઢ-ચાંપાનેરના આંગણે પંચમહોત્સવનો શાનદાર અને ભવ્ય પ્રારંભ
જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરાના હસ્તે રીબીન કાપીને પંચમહોત્સવને ખુલ્લો મુકાયો
પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકામાં આવેલ ચાંપાનેર-પાવાગઢ એક ઐતિહાસિક મહત્વ ધરાવતું પ્રવાસન મથક છે. જેને યુનેસ્કો દ્વારા “વર્લ્ડ હેરિટેજ સાઇટ” તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ ઐતિહાસિક પ્રવાસન મથક ખાતે પ્રવાસન વિકાસની રહેલ ભરપૂર શક્યતાઓ જોતા તેના યોગ્ય પ્રચાર પ્રસાર દ્વારા તેને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ મળે તથા તેની આગવી વિશિષ્ટ ઓળખ પ્રવાસીઓને આપી શકાય તથા સ્થાનિક રોજગારીની તકોમાં વધારો લાવી શકાય તે હેતુસર વર્ષ ૨૦૧૫થી પ્રતિ વર્ષ પંચમહોત્સવનું આયોજન હાલોલ તાલુકાના વડા તળાવ ખાતે કરવામાં આવે છે.
૨૫ ડિસેમ્બરના રોજ પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરાના હસ્તે રીબીન કાપીને પંચમહોત્સવને ખુલ્લો મુકાયો હતો.સ્થળ પર યોજાયેલ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું.મહાનુભાવોએ ક્રાફટ બજાર,ફૂડ સ્ટોલની મુલાકાત લીધી હતી તથા સિગ્નેચર બોર્ડમાં પંચમહોત્સવ અંગે પોતાના અભિપ્રાય લખ્યા હતા.
હાલોલના ધારાસભ્યએ પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે,પાવાગઢની પવિત્ર ભૂમિ પર દરવર્ષે યોજાતા આપણા સૌના ઉત્સવ એવા પંચમહોત્સવમાં વધુમાં વધુ લોકો જોડાય તથા ગુજરાતની વર્લ્ડ હેરિટેજ સાઈટ ચાંપાનેર ખાતે ગુજરાતની સંસ્કૃતિને નજીકથી નિહાળવામાં આવે જેથી કરીને વિશ્વ સમક્ષ સ્થાનિક પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપી શકાય.
તેમણે કહ્યું કે,દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ૫૦૦ વર્ષ પછી પાવાગઢ ખાતે ધ્વજારોહણ કર્યું હતું અને આજે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા કાલિકાના દર્શેને પહોંચે છે. તેમણે રાજ્ય સરકારશ્રીની સિધ્ધિઓ અંગે વાત કરતા કહ્યું કે,
પાવાગઢ થી માચી સુધી ફોર લાઈન રસ્તો કરવાથી ભૂતકાળમાં બનતા અકસ્માતના કેસો ઘટાડી શક્યા છીએ. તેમણે પંચમહોત્સવના સુંદર આયોજન બદલ જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.આ સાથે તેમણે મહાકાળી માતાના ચરણોમાં વંદન કરીને પોતાની વાત પૂરી કરી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેકટર દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરીને તમામ આયોજન અને હેરિટેજ સાઇટના મહત્વ વિશે વાત કરી હતી તો અધિક જિલ્લા કલેકટર દ્વારા આભારવિધિ કરાઈ હતી.
કાર્યક્રમની શરૂઆત વિવિધ સ્ટોલનું રીબીન કાપી ઉદ્દઘાટન કરાયું હતું.ગુજરાતના પ્રસિધ્ધ લોકગાયક એશ્વર્યા મજમુદાર દ્વારા સંગીત સંધ્યા રજૂ કરાઈ,જેમાં લોકો મંત્રમુગ્ધ બન્યા હતા.
આ પ્રસંગે મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથાર, કાલોલ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ,ડી.સી.એફ એમ.એલ.મીના,હાલોલ પ્રાંત અધિકારી સહિત વિવિધ મહાનુભાવો/હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા