Surat
સુરત માં શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં હેન્ડવોશ અને ડીશવોશ કૌભાંડ ગાજ્યું
સુનિલ ગાંજાવાલા
સુરત મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં સમિતિમાં બાળકોને આપવામાં આવતાં હેન્ડ વોશ અને ડીશ વોશ કૌભાંડ ગાજ્યું હતું. ભ્રષ્ટાચારનાં આક્ષેપને પગલે સામાન્ય સભા તોફાની બની હતી. વિરોધ પક્ષના સભ્ય રાકેશ હિરપરાએ બાળકોને આપવામાં આવતાં હેન્ડ વોશ અને ડિશ વોશમાં ઓછું વજન હોવાના આક્ષેપ સાથે કેરબા સાથે સભામાં પહોંચ્યા હતા.દર વખતે ગણતરીની સેકન્ડમાં સામાન્ય સભા પુરી કરવાનો રેકોર્ડ ધરાવતાં સમિતિના અધ્યક્ષ ધનેશ શાહ દ્વારા પહેલી વખત પ્રત્યેક કામ પર વિસ્તૃત ચર્ચા કરવા દેવાતા સમિતિમાં શાસકપક્ષના સભ્યોની સાથે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. સામાન્ય સભાના પ્રારંભ સાથે જ વિરોધ પક્ષના સભ્ય રાકેશ હિરપરા દ્વારા સમિતિની શાળામાં બાળકો માટે હેન્ડવોશ અને ડીશ વોશમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
ઇજારદારે ઓછા વજનવાળો જથ્થો પુરો પાડવામાં આવ્યો હોવાના આક્ષેપને પગલે શાસકો વધુ એક વખત ભીંસમાં મુકાયા હતા.અલબત્ત, ભાજપ શાસકોએ એક અવાજે વિરોધ પક્ષના સભ્યના આક્ષેપને ફગાવી દીધો હતો. વળતી દલીલ કરી હતી કે, હેન્ડવોશ – ડિશવોશ સપ્લાયમાં કોઈપણ પ્રકારનું કૌભાંડ થયું નથી. ગુરુવારે શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં ડિશવોશ – હેન્ડવોશ કૌભાંડના મુદ્દે શાસકોને ઘેરવાનો પ્રયાસ કરવા જતાં વિરોધ પક્ષના સભ્ય રાકેશ હિરપરા પહેલી વખત બેકફુટ પર આવી ગયા હતા. શાસકો દ્વારા ડીશવોશ – હેન્ડવોશ કૌભાંડનો છેદ ઉડાવવામાં આવતાં વિરોધ પક્ષના સભ્યે આ નમુનાઓ શાળામાંથી લાવ્યા હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. જેને પગલે શાસકોએ શાળામાંથી હેન્ડવોશ – ડિશવોશના કેરબા લાવવા માટે રાકેશ હિરપરા વિરૂદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.