Gujarat

દીન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના હેઠળ વડોદરામાં રોજગાર મેળો યોજાયો

Published

on

અહીં પંડિત દીન દયાલ ઉપાધ્યાય હોલ ખાતે દીન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના અંતર્ગત ૨૦૨૩ નો રોજગાર મેળો યોજવામાં આવ્યો હતો. આ રોજગાર મેળાનું સમગ્રલક્ષી આયોજન ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ, ગ્રામ વિકાસ દ્વારા કરવામાં આવ્યું હતું.

દીન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના અંતર્ગત અંતરિયાળ ગામડાઓમાં વસતા તેમજ ગરીબી રેખા હેઠળ રહેતા દરેક યુવાવર્ગ માટે પોતાના કૌશલ્યને આગળ વધારવા માટે અનેકવિધ તાલીમ કોર્સ થકી તેઓને પૂરતી યોગ્ય તાલીમ આપીને રોજગાર માટે સક્ષમ બનાવવા પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે.

Advertisement

જેમાં ઓટોમોબાઈલ, હોસ્પિટાલિટી, ઇલેક્ટ્રિકલ, વેલ્ડર, રિટેલ સેલ્સ પર્સન, બી.પી.ઓ. વોઇસ તથા નોન વોઇસ સિક્યુરિટી ગાર્ડ, જનરલ ડ્યૂટી આસિસ્ટન્ટ, સ્યુઇંગ મશીન, ઓપરેટર, ફૂડ એન્ડ બેવરેજ સર્વિસીસ, ઇન્સ્યોરન્સ સેલ્સ એસોસિયેટ, બેન્કિંગ સેલ્સ રીપ્રેઝન્ટેટીવ, સીડ પ્રોસેસિંગ વર્કર, ઇમરજન્સી મેડિકલ ટેકનીશીયન, ઇલેક્ટ્રિશીયન ડોમેસ્ટિક, ગ્રીન જોબ્સ તેમજ સોલાર જેવા મોટાભાગના કરિયર સંબંધિત તાલીમ કોર્સ રહેવા અને જમવાની સાથોસાથ વિનામૂલ્યે આપવામાં આવે છે.

આ યોજનાનો લાભ ૧૮ થી ૩૫ વર્ષની ઉંમરના તમામ યુવક યુવતીઓ લઇ શકે છે. તેમાં લાયકાત મુજબના કોર્સ હોય છે. જેમાં જે તે કોર્સ પૂર્ણ થયા પછી યોજનાના ભાગરૂપે તેઓને રોજગાર મેળા થકી અલગ અલગ કંપનીઓમાં નોકરીની તક પૂરી પાડવામાં આવે છે.

Advertisement

આ રોજગાર મેળામાં વડોદરા જિલ્લાની આસપાસના મોટાભાગના અલગ અલગ જિલ્લાઓ જેવા કે નર્મદા, આણંદ, ખેડા, દાહોદ, પંચમહાલ, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ સહિત ૧૦ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લાભાર્થીઓએ હાજરી આપીને રોજગાર મેળાનો લાભ લીધો હતો. જેમાં આશરે ૧૨૫ જેટલા કુલ લાભાર્થી હતા. જેમાંથી ૩૬ જેટલા લાભાર્થી ફકત વડોદરા જિલ્લામાંથી આવ્યા હતા.

ઉપસ્થિત મહેમાનોને ભેટ રૂપે સ્વસહાય જૂથ થકી બનાવવામાં આવેલ કીટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સાંસદ રંજનબેન ભટ્ટે પ્રાસંગિક ઉદબોધનમાં સફળતા પ્રાપ્ત કરવા બદલ દરેક લાભાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા તેમજ આજનો દરેક યુવાવર્ગ આત્મનિર્ભર અને પગભર બને તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

Advertisement

આ કાર્યક્રમમાં લાભાર્થીઓ તેમજ તેમના વાલીઓ માટે પોતાનો અભિપ્રાય અને અનુભવ રજૂ કરવા માટે વિશેષ સમય આપવામાં આવ્યો હતો. જેમાં ૨ લાભાર્થીઓના વાલીઓએ પોતાની ભાવના લાગણીસભર રીતે વ્યક્ત કરતાં સરકારનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

આ કાર્યક્રમમાં સાંસદ રંજનબેન ભટ્ટ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક મીતા જોષી, જિલ્લા પંચાયત પ્રમુખ અશોક પટેલ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિન પટેલ, નિલેશકુમાર પુરાણી, મૂળરાજસિંહ વાઘેલા સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

મધ્ય ગુજરાતના ૧૦ જિલ્લામાંથી આશરે ૧૨૫ જેટલા કુલ લાભાર્થીમાંથી વડોદરાના ૩૬ લાભાર્થીઓએ પણ લાભ મેળવ્યો

લાભાર્થીઓએ રૂ. ૭૫૦૦ થી ૧૧,૦૦૦ સુધીના પગારની નોકરી મેળવી

Advertisement

સ્વસહાય જૂથ થકી ઉત્પાદિત કીટ ભેંટ સ્વરૂપે ઉપસ્થિત મહેમાનોને અપાઈ

યોજના થકી દરેક યુવાવર્ગ આત્મનિર્ભર અને પગભર થાય એ મુખ્ય હેતુ – રંજનબેન ભટ્ટ

Advertisement

Trending

Exit mobile version