Gujarat
જિલ્લાના નિવૃત્ત શિક્ષકોના સંયુક્ત ઉપક્રમે ગોધરા ખાતે મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરાયું
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ ૧૮- પંચમહાલ સંસદીય વિસ્તારમાં વધુમાં વધુ લોકો ૭ મે ના રોજ લોકશાહીના પર્વમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરે તે માટે વિવિધ મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
આજરોજ ગોધરા ખાતે સ્વીપ નોડલ અને જિલ્લા શિક્ષણ અધિકારી પંચમહાલ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકો અને જિલ્લાના નિવૃત્ત શિક્ષકોના સંયુક્ત ઉપક્રમે મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું.નિવાસી અધિક કલેકટર એમ.ડી.ચુડાસમા દ્વારા આ રેલીને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.
મતદાન જાગૃતિ રેલી તેલંગ સ્કૂલ કેમ્પસ ગોધરાથી શરૂઆત કરી અને ગોધરાના સિવિલ હોસ્પિટલ,ચર્ચ ,સેન્ટ્રલ બસ સ્ટેશન લાલ બાગ બગીચા, બાવાની મઢી, રામ સાગર તળાવ થઈ પરત તેલંગ સ્કૂલ કેમ્પસ ખાતે રેલીનું સમાપન કરાયું હતું.સદર રેલીમાં બહોળી સંખ્યામાં શિક્ષકોએ ભાગ લઈને મતદારોને આગામી તારીખ ૭ મે ના રોજ વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.આ સાથે સૌકોઈએ ૭ મે ના રોજ લોકશાહીના પર્વમાં અચૂક મતદાન કરવા શપથ લીધા હતા.