Gujarat
કવાંટને રૂ. ૨.૨૦ કરોડના ખર્ચે નવનિર્મિત બસ સ્ટેશનની ભેટ આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કવાંટના તમામ નાગરિકોને ૨.૨૦ કરોડના ખર્ચે નવનિર્મિત બસ સ્ટેશનના નવલા નજરાણાની ભેટ આપતા જણાવ્યું કે, સરકાર નાગરિકોને વધુમાં વધુ બહેતર સુવિધા આપવા કટિબદ્ધ છે. આજે કવાંટને નવું બસ સ્ટેશન મળ્યું છે ત્યારે તેની જાળવણી, દેખરેખ અને સ્વચ્છતા રાખવી એ આપણી સૌની ફરજ છે. આ તકે સંઘવીએ પ્રજાજનોના જીવનમાં આમુલ પરિવર્તન લાવતી કેન્દ્ર અને રાજ્ય સરકારની બહુમૂલ્ય યોજનાઓ પર વિશેષ ભાર આપતા નગરજનોને યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. વધુમાં જિલ્લા પોલીસ તંત્રની કામગીરીને બિરદાવતા સંઘવીએ જણાવ્યું કે, પોલીસ વિભાગે વ્યાજખોરો સામે લાલ આંખ કરીને પ્રજાજનોને વ્યાજખોરોના ચક્રવ્યૂહમાંથી મુક્ત કર્યા છે. ગુજરાતના કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવા માટે ‘દાદાની સવારી એસ.ટી. અમારી’ અતંર્ગત ૧૨૦૦ થી વધુ બસ સેવા નાગરિકો માટે ખુલ્લી મૂકી છે. જ્યાં કવાંટ તાલુકામાં રોજ ૧૧૦ લોકલ અને ૨૬ એક્સપ્રેસ બસો એમ કુલ ૧૨૬ થી વધુ ટ્રીપ કરશે તેમ પણ સંઘવીએ ઉમેર્યું હતું. આ પ્રસંગે ગૃહ રાજયમંત્રીએ કવાંટથી છોટાઉદેપુર એસ.ટીની મુસાફરી કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રેરક માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે અનેકવિધ વિકાસના કાર્યો કરીને રાજ્ય સહિત બાહુલ આદિવાસી વસ્તી ધરાવતા છોટાઉદેપુરના નાગરિકોને અત્યાધુનિક સુવિધા આપવા માટેની કમરક્સી છે. નવા બસ સ્ટેશનના લોકાર્પણ સમારોહમાં સાંસદ ગીતાબેન રાઠવા, ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રભાઇ રાઠવા, ધારાસભ્ય અભેસિહ તડવી, જિલ્લા કલેક્ટર સ્તુતી ચારણ, રેન્જ આઇજી સંદીપસિંહ, જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ, કવાંટના સરપંચ શીલાબેન રાઠવા સહિત વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મયોગીઓ સહિત બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.