Gujarat
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી,વિંઝોલ ખાતે કેરલના રાજ્યપાલનું વ્યાખ્યાન યોજાશે
‘એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્ર’ના આદર્શને ચરિતાર્થ કરવાના સંકલ્પ અંતર્ગત ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા અને સામાજિક સમરસતા’ અંગે રાજ્યપાલ આરિફ મોહંમદ ખાનનું વ્યાખ્યાન યોજાશે
આગામી તા.૧૨ સપ્ટેમ્બર ૨૦૨૩ને,મંગળવારે સવારે ૧૧:૦૦ કલાકે કેરલ રાજ્યના રાજ્યપાલ આરિફ મોહંમદ ખાન શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિંઝોલના મહેમાન બનશે. યુનિવર્સિટીની વેદવ્યાસ ચેરના ઉપક્રમે ‘એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્ર’ના આદર્શને ચરિતાર્થ કરવાના સંકલ્પ અંતર્ગત શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.પ્રતાપસિંહજી ચૌહાણના દિશાનિર્દેશનુસાર વેદવ્યાસ વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા અને સામાજિક સમરસતા’ વિશે કેરલના રાજ્યપાલ આરિફ મોહંમદ ખાનના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોના આચાર્યઓ, અધ્યાપકઓ, વિદ્યાર્થીઓ તેમજ યુનિવર્સિટીના વિવિધ અનુસ્નાતક વિભાગોના અધ્યક્ષઓ, અધ્યાપકમિત્રો તેમજ વિદ્યાર્થીઓ, ગોધરા નગરના અગ્રણી નાગરિકો તથા નગરના મુસ્લિમ સમાજના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહેશે.
શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયોમાં જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય અને સ્થિતપ્રજ્ઞ મનુષ્યનાં લક્ષણો તથા જીવનમૂલ્યોની વિશિષ્ટ છણાવટ કરવામાં આવી છે,ભારતીય તત્વજ્ઞાનનો એ આધારભૂત ગ્રંથ કહેવાય છે. કેરલના રાજ્યપાલ આરિફ મોહંમદ ખાન ભારતીય સંસ્કૃતિ, વિવિધ ધર્મોના મૂળભૂત તત્વો અને તત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી છે.
સાંપ્રત દેશકાલના સંદર્ભમાં આપણી સામાજિક સમરસતા જ સાંસ્કૃતિક અને જીવનશૈલીની વિવિધતા ધરાવતા આપણા આ વિરાટ દેશને એક અખંડ અને સુદ્રઢ રાખી શકે એમ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને શ્રીમદ્ ભગવદ ગીતા અને સામાજિક સમરસતા અંગે આ વ્યાખ્યાન યોજવાનું આયોજન યુનિવર્સિટી તરફથી કરાયું છે.
અહીં નોંધનિય છે કે વર્ષ ૨૦૧૫માં રાજ્ય સરકાર દ્વારા સ્થાપિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી મધ્ય ગુજરાતના પાંચ જિલ્લા- વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહિસાગરની કોલેજોને સમાવતી યુનિવર્સિટી છે. ‘અમૃતમ તુ વિદ્યા’ આ યુનિવર્સિટીનો મુદ્રાલેખ છે. યુનિવર્સિટીના દીર્ઘદ્રષ્ટા કુલપતિ ડૉ. પ્રતાપસિંહજી ચૌહાણના માર્ગદર્શનથી કોરોનાકાળ જેવા કપરા સમયમાં યુનિવર્સિટીના ભવનનું ખાતમૂહુર્ત કરાયું હતું અને ટૂંકા સમયમાં એનું બાંધકામ પણ પૂર્ણ કરાયું હતું.
તા.૦૧/૧૧/૨૦૨૨ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના વરદ હસ્તે યુનિવર્સિટીના નવનિર્મિત ભવનનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. આ યુનિવર્સિટી સંલગ્ન ૨૭૦ જેટલી કોલેજોના વિવિધ વિદ્યાશાખાઓના ૧૩,૦૦૦ વિદ્યાર્થીઓને સ્નાતક-અનુસ્નાતકની પદવી અને યુનિવર્સિટીમાં પ્રથમ આવનાર ૪૪ વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કરવાનો કાર્યક્રમ વિશ્વ વંદનીય સંત પૂજ્ય મોરારિ બાપુની નિશ્રામાં ૧૦,૦૦૦ જેટલા સહભાગીઓની ઉપસ્થિતિમાં તા.૨૬/૦૬/૨૦૨૩ના રોજ સંપન્ન થયો હતો. યુનિવર્સિટી દ્વારા આજ સુધીમાં ૬૭,૦૦૦ વિદ્યાર્થીઓની ડીગ્રી ડીજી લોકરમાં અપલોડ કરવામાં આવી છે.આમ અત્યારસુધી યુનિવર્સિટીએ અનેક સિધ્ધિઓ પણ મેળવી છે તેમ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલ સચિવ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.