Chhota Udepur
જીલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કામકાજના સ્થળે જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંગે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો
પ્રતિનિધિ, કાજર બારીયા
છોટાઉદેપુર જિલ્લા મહિલા અને બાળ અધિકારી અને દહેજ પ્રતિબંધક અધિકારી-સહ-રક્ષણ અધિકારીની કચેરી દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શન કેમ્પમાં વિશાળ સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો. ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય હેઠળની મહિલા અને બાળ અધિકારીની કચેરી-છોટાઉદેપુર દ્વારા કામકાજના સ્થળે જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ ની જિલ્લાના નાગરિકોમાં જાગૃતિ કેળવાય અને આવા પ્રકારના કેસો ન બને તે માટે વિવિધ સ્થળોએ લોકજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત ગઇકાલે તા.૨૮ મી ડિસેમ્બર,૨૦૨૨ ને બુધવારના રોજ અહીના તાલુકા પંચાયત કચેરીના સભા ગૃહ ખાતે જાગૃતિ સેમિનાર યોજાયો હતો.
આ સેમિનાર દરમિયાન જાહેર જનતા માટે નિષ્ણાંતો દ્વારા વિસ્તૃતમાં માહિતી પુરી પડાઇ હતી. જાતિય સતામણીની ઘટના સહન નહિ કરી તેની સામે અવાજ ઉઠાવી તેનો સામનો કરવા માટે જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવ્યાં હતા.સેમિનારમાં આવેલા મહાનુભાવો દ્વારા બહેનોને “કામકાજના સ્થળે જાતિય સતામણી અધિનિયમ ૨૦૧૩” હેઠળ કાયદાકીય માર્ગદર્શન પુરુ પડાયું હતુ. જિલ્લાના દહેજ પ્રતિબંધક અધિકારી-સહ-રક્ષણ અધિકારી વિહાંગ સેવકના માર્ગદર્શન હેઠળ આ સેમિનાર યોજાયો હતો. આ કાયદાની પૂર્વ ભૂમિકા, આંતરિક ફરિયાદ સમિતિ, સ્થાનિક ફરિયાદ સમિતિ વિષે સમાજ આપી હતી.
આ સેમિનારમાં સ્થાનિક ફરિયાદ નિવારણ સમિતિના અધ્યક્ષ અને એડવોકેટ રીટાબેન પંચોલી, ટ્રેનર જશુભાઈ રાઠવા, સખી વન સ્ટોપ સેન્ટરના સંચાલક શબાનાબેન, પો.સ્ટે. બેઝ્ડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર રેખાબેન, મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર તેજ્સ્વીનીબેન સહિતના મહાનુભાવોએ “કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩” અન્વયે જરૂરી કાયદાકિય માર્ગદર્શન અને જાતીય સતામણી અંગે ઉદાહરણ સાથે વિસ્તૃત માહિતી પુરી પાડી હતી. કાર્યક્રમમાં અભયમ મહિલા હેલ્પલાઇન, સંકટ સખી હેલ્પલાઇન, પોક્સો એક્ટ-૨૦૧૨, વહાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપ યોજના, મહિલા સ્વાવલંબન યોજના, ગંગા સ્વરૂપ પુનઃલગ્ન આર્થિક સહાય યોજના તેમજ મહિલા માટેની વિવિધલક્ષિ યોજનાઓની માહિતીના પેમ્પ્લેટ વિતરણ કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારી-બિનસરકારી સ્થળો, કાર્યાલયો, કંપનીઓ, ઓફીસો કે મંડળીઓ વગેરે કે જેમાં ૧૦ કે તેથી વધુ કર્મચારીઓ કામ કરતા હોય તેઓ માટે કાયદા અંગે મહિલાઓની જાતીય સતામણી અંગેની અરજીઓના નિકાલ માટે કચેરીમાં એક આંતરીક સમિતિની રચનાની જોગવાઈ તથા જ્યાં ૧૦ થી ઓછા કર્મચારીઓ હોય તેવી કચેરીઓ માટે કલેકટરની કચેરી સ્થળે “લોકલ લેવલ કમીટી“ ની જોગવાઈ કરવામાં આવેલ છે. જેમાં પોતાની અરજી આપી કાયદાકીય કામગીરી કરવામાં આવે છે તથા આ કાયદાકીય કાર્યક્ષેત્ર તથા તેની જોગવાઈઓ, અરજી કરવાની પ્રક્રિયા તથા કાયદા અન્વયે અન્ય જોગવાઈઓના માર્ગદર્શન માટે પણ વિવિધ શાળા કોલેજોમાં સેમિનાર યોજીને જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે.