Panchmahal
પંચમહાલ જિલ્લામાં વિવિધ સ્થળોએ નદી-તળાવ સહિત જાહેર સ્થળોની સામુહિક સફાઇ ઝુંબેશ હાથ ધરાઈ
‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાએ નક્કી કરેલી વિવિધ પ્રવૃતિઓના ભાગરૂપે તા.૧૬ ઓક્ટોબર થી ૨૧ ઓક્ટોબર દરમ્યાન રાજ્યભરના શહેર અને ગ્રામ્ય વિસ્તારના તમામ મ્યુઝિયમ, હેરિટેજ બિલ્ડિંગ, પુરતત્વીય સાઇટ, મહાપુરુષોની પ્રતિમા,નદી,તળાવ,પાણીના સ્ત્રોતો,સમુદ્ર કિનારાની સફાઇ વિશેષ ‘સફાઈ અભિયાન’ અંતર્ગત હાથ ધરવામાં આવનાર છે. જે અન્વયે પંચમહાલ જિલ્લામાં આજરોજ વિવિધ સ્થળોએ નદી-તળાવ, પાણીના સ્ત્રોતોની સામુહિક સફાઇ કરવામાં આવી હતી. તળાવ-નદી જેવા પાણીના સ્ત્રોતોની આસપાસ સફાઇ કરી ગ્રામજનોએ સ્વચ્છતાનો સંદેશ પાઠવ્યો હતો.
પંચમહાલ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ હાથ ધરાઇ હતી, જેમાં મોરવા હડફ તાલુકાના કડાદરા ગામે તળાવની સફાઈ સહિત જાહેર વિસ્તારોમાં સફાઈ કરવામાં આવી હતી.શહેરા તાલુકાના ખાડિયા ગામ ખાતે પણ સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ હતી. શહેરા તાલુકાના વાઘજીપુર ગામે સામુહિક જગ્યાઓની સફાઈ કામગીરી કરવામાં આવી હતી.કાલોલ નગરપાલિકા વિસ્તારમાં પણ મહાપુરુષોની પ્રતિમાની સફાઈ કરવામાં આવી હતી.જાંબુઘોડા તાલુકાના નાથપુરી ગામે જાહેર સ્થળોની સાફ સફાઈ કરવામાં આવી હતી. સ્વચ્છ ભારત મિશન અર્બન અને ગ્રામીણ થકી જિલ્લામાં અનેક સ્થળોએ ખાસ સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ હતી.