Gujarat
જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ
જળ જીવન મિશન અંતર્ગત જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક નિવાસી અધિક કલેકટર બી.એસ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. નલ સે જલ યોજના દ્વારા ગ્રામ્ય પાણી પુરવઠા અને સ્વચ્છતા કાર્યક્રમના અમલીકરણ માટે જિલ્લા જલ અને સ્વચ્છતા સમિતિની આ બેઠક આયોજિત કરવામાં આવી હતી.
વસ્મોના યુનિટ મેનેજર અને સભ્ય સચિવ એચબી કટોડિયાએ વાસ્મો કચેરી હેઠળના ૧૦ જેટલા મુદ્દાઓ અધ્યક્ષ સમક્ષ મૂક્યા હતા. જે પૈકી આ વર્ષના આયોજનમાં પાદરા, શિનોર, કરજણ અને ડભોઈ તાલુકાના પૈય જળને લાગતા ૫ કામો પૈકી ૨ કામો ઓગસ્ટ-૨૦૨૪ સુધીમાં પૂર્ણતાના આરે છે. જેમાંથી ૩ યોજનાઓના કામ હવે પછી હાથ પર લેવામાં આવશે.
આ જ તાલુકાઓમાં મંજૂર થયેલા અને પ્રગતિ હેઠળના વહીવટી મંજૂરી મળેલા ગ્રામ્ય પેયજળ યોજનાઓના કામો મંજૂરી માટે સમિતિ સમક્ષ મૂકવામાં આવેલા જેને સર્વાનુમતે બહાલી આપવામાં આવી. બેઠકમાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા અમલ થતાં કામોમાં ડુપ્લિકેશન ટાળવા માટે જે તે વિભાગની પ્રથમ મંજૂરી મેળવીને સમિતિ સમક્ષ રજૂ કરવાના રહેશે આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત પાણી અંગે ફરિયાદ માટે ૧૯૧૬ ટોલ ફ્રી નંબર, નલ જલ મિત્ર તાલીમ, ગ્રામ્ય કક્ષાએ કૃષિ ધિરાણ મંડળીઓ અને સ્વ સહાય જૂથોને ગ્રામ્ય પાણી યોજનાઓનું સંચાલન અને નિભાવણી માટે તાલીમ તેમજ ઓપરેટરોની તાલીમ જેવા મુદ્દાઓ ચર્ચવામાં આવ્યા હતા.
આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર ડો. બી. એસ. પ્રજાપતિ, વાસ્મો ના યુનિટ મેનેજર, સમાજ કલ્યાણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જી.ઈ.બી, આરોગ્ય કચેરીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.