Gujarat
જિલ્લા કલેકટર ના અધ્યક્ષસ્થાને મુખ્ય મકાઇ સંશોધન કેન્દ્ર,ગોધરા ખાતે બેઠક યોજાઈ
મકાઈના પાકોમાં ઉત્પાદન વધારવા તથા જિલ્લાના ખેડૂતોને નજીકના સ્થળે ગુણવત્તાયુક્ત બિયારણ મળી રહે તેવા સૂચનો કરાયા
મુખ્ય મકાઇ સંશોધન કેન્દ્ર,આકૃયુ.,ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષકુમારના અધ્યક્ષસ્થાને મકાઇ પાકમાં વધુ ઉત્પાદન લેવા અંગે એક બેઠકનું આયોજન કરાયું હતું.
બેઠકમાં જિલ્લા કલેકટરે મકાઇ પાકમાં શંકર જાતોનો વપરાશ તથા ઉત્પાદકતા વધારવા માટે સલાહ-સૂચનો કર્યા હતા.પંચમહાલ જિલ્લાના ખેડૂતોને મકાઇનું ગુણવત્તાયુક્ત બિયારણ નજીકના સ્થળેથી મળી શકે તે માટેની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.આ સાથે એફ.પી.ઓના પ્રતિનિધિઓ દ્વારા મકાઇની જાતોનો બહોળા પ્રમાણમા પ્રચાર-પ્રસાર થાય તે માટે બીજ ઉત્પાદન પ્લોટ થકી બિયારણ ઉત્પાદન કરવા સૂચન કર્યું હતું.આ સાથે જિલ્લા કલેકટરે મકાઇ સંશોધન કેન્દ્રના વિવિધ સંશોધનની ફિલ્ડ-વીઝીટ કરીને જરૂરી સૂચનો કર્યા હતા. બેઠકમાં પંચમહાલ જીલ્લામાં મકાઈનું વધુ ઉત્પાદન કેવી રીતે લઈ શકાય તે માટેનું ચિંતન કરાયું હતું.
આ પ્રસંગે યુનિટ હેડ અને સહ સંશોધન વૈજ્ઞાનિક, ડો.એમ.બી.પટેલ દ્વારા મકાઇ પાકમાં વધુ ઉત્પાદન લેવા માટેના મુદ્દાઓ,મકાઇ પાકમાં બીજ વૃદ્ધિ શૃંખલા વધુને વધુ મજબુત થાય અને બહોળા પ્રમાણમાં સર્ટિફાઇડ બિયારણ ઉપલબ્ધ થાય તે બાબતે માહિતી રજૂ કરાઈ હતી. મકાઇની વિવિધ સંયોજિત,સંકર અને મૂલ્ય વર્ધિત જાતોના માધ્યમથી ખેડૂતોની આવકમાં વધારો થાય તેની માહિતી રજૂ કરાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીયા, જિલ્લા ખેતીવાડી અધિકારી,નાબાર્ડના અધિકારી, પશુપાલન નિયામક,ખેત ઉત્પાદન સંગઠનના (એફ.પી.ઓ) પ્રતિનિધિઓ,ગુજરાત રાજ્ય બીજ નિગમના અધિકારી તેમજ આ કેન્દ્રના વૈજ્ઞાનિક ઉપસ્થિત રહ્યા હતા.