Panchmahal
પંચમહાલ જિલ્લામાં દિવ્યાંગ વ્યકિતઓના એસેસમેન્ટ કેમ્પના આયોજનને લઈ બેઠક યોજાઈ

(અવધ એક્સપ્રેસ દ્વારા)
ભારત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગની દિવ્યાંગ વ્યકિતઓ માટે અમલીકૃત એડીપ (ADIP) યોજના અંતર્ગત ભારત સરકારની એલીમ્કો કંપની દ્વારા પંચમહાલ જિલ્લાના તમામ તાલુકાઓમાં આગામી દિવસોમાં સ્ક્રીનીંગ કેમ્પ (એસેસમેન્ટ કેમ્પ)ના સુચારુ આયોજનને લઇને જિલ્લા કલેકટર આશિષ કુમારના અધ્યક્ષસ્થાને વિવિધ અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે,આગામી સમયમાં પંચમહાલ જિલ્લાના તમામ તાલુકાઓમાં દિવ્યાંગ સાધન સહાય અંતર્ગત કેમ્પનું આયોજન કરાશે.એલીમ્કો કંપની મારફત દિવ્યાંગ લોકોને વિવિધ સાધન સહાય આપવામાં આવશે. તેમણે કહ્યું કે, દિવ્યાંગ લોકોની જિંદગીમાં અનેક સંઘર્ષ રહેલા હોય છે.પંચમહાલ જિલ્લામાં દિવ્યાંગોને આઇડેન્ટિફાઇ કરીને અગ્રીમ હરોળમાં લાવવા માટેના તમામ હકારાત્મક પ્રયાસો કરવામાં આવે તે જરૂરી છે. દિવ્યાંગોની ભાવનાને સમજીને તેમને સ્વાવલંબી બનાવવા તરફ સૌ કોઈએ સાથે મળીને કામ કરવા અનુરોધ કર્યો હતો. આગામી કેમ્પમાં વધુમાં વધુ દિવ્યાંગ લોકોને લાભ લેવા જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મહેશ ચૌધરી,સિવિલ સુપ્રિટેન્ડેન્ટ મોના પંડ્યા,પ્રાંત અધિકારીઓ,મામલતદાર સહિત તાલુકા વિકાસ અધિકારીઓ જોડાયા હતા.
દિવ્યાંગ લોકોની જિંદગીમાં અનેક સંઘર્ષ રહેલા છે,તેમને પ્રોત્સાહિત કરીને સ્વાવલંબી બનાવવા તરફ આગળ વધવા તાકીદ કરતા જિલ્લા કલેકટર
___
આગામી સમયમાં પંચમહાલ જિલ્લાના તમામ તાલુકા ખાતે દિવ્યાંગ વ્યક્તિઓને સાધન સહાય કેમ્પનું આયોજન કરાશે