Vadodara
વડોદરામાં ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર કલેક્ટરની અરવલ્લી બદલી થતાં યાદગાર વિદાય
રાજય સરકાર દ્વારા રાજ્યની ૧૫૭ નગરપાલિકાઓને અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, ગાંધીનગર એમ ૬ ઝોનમાં વિભાજિત કરી એપ્રિલ-૨૦૧૮થી પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરીની સ્થાપના કરવામાં આવી છે. જે અંતર્ગત પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ વડોદરા ઝોન હસ્તક વડોદરા, આણંદ, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર એમ કુલ ૬ જિલ્લાઓની ૨૬ નગરપાલિકાઓનો સમાવેશ થાય છે.
પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ વડોદરા તરીકે ફરજ બજાવતાં પ્રશસ્તિ પારીકની બઢતી સાથે અરવલ્લી જિલ્લામાં કલેકટર તરીકે થતાં પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ વડોદરાની કચેરીના અધિકારીઓ, કર્મચારી ગણ તથા ૨૬ નગરપાલિકાઓના ચીફ ઓફિસરો દ્વારા ભવ્ય વિદાયમાન આપવામાં આવ્યું હતું.
પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ વડોદરા ઝોનના અધિક કલેક્ટર ગોપાલ બામણીયાએ જણાવ્યુ હતું કે, સ્વભાવે મિલનસાર અને માનવતાવાદી અભિગમ ધરાવતાં પ્રશસ્તિ પારીકે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ વડોદરા તરીકે ૧ વર્ષ અને ૮ માસ જેટલી ફરજ બજાવી છે. તેમનાં આ ફરજકાળ દરમ્યાન વડોદરા ઝોનની નગરપાલિકાઓમાં વિવિધ વિષયોમાં ઉત્કૃષ્ઠ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
વડોદરા ઝોનની ૨૬ નગરપાલિકાઓમાં આવેલી સરકારી કચેરીઓમાં ઘણાં લાંબા સમયથી બાકી મિલકતવેરાની વસુલાત ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવામાં આવી હતી. જેમાં ગૃહ વિભાગ હસ્તકની પોલીસ ખાતાની કચેરીઓ, શિક્ષણ વિભાગની હાઈસ્કૂલ, પ્રાથમિક શાળાઓ, પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો, સરકારી ગોડાઉન વિગેરે સરકારી કચેરીઓના અધિકારીઓની જિલ્લાવાર સમીક્ષા બેઠક યોજીને રૂ.૨૮૭ લાખના સરકારી કચેરીના મિલકતવેરાની વસુલાત કરવામાં આવી હતી.
પ્રશસ્તિ પારીકના સઘન પ્રયત્નોથી પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ વડોદરાની કચેરી માટેની જમીન ફાળવણી,દરેક જિલ્લામાં હેડ ક્વાટર અથવા પસંદ કરેલી અન્ય નગરપાલિકામાં મોડલ ફાયર સ્ટેશન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે પૈકી વડોદરા ઝોનની છોટાઉદેપુર, આણંદ, ગોધરા, દાહોદ એમ કુલ ૪ નગરપાલિકાઓમા રૂ.૨૪ કરોડની રકમના મોડલ ફાયર સ્ટેશનોની મંજૂરી પ્રશસ્તિ પારીકના સમયગાળા દરમ્યાન આપવામાં આવી છે. આ કામગીરીમાં વડોદરા ઝોન સમગ્ર રાજ્યના પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ કચેરીના ૬ ઝોનમાં સૌથી વધુ મોડલ ફાયર સ્ટેશન મંજૂર કરાવી પ્રથમ ક્રમે રહ્યું છે.
નેશનલ ગ્રીન ટેબ્યુનલ દ્વારા સમગ્ર દેશની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં ઘન અને પ્રવાહી કચરાના નિકાલ માટે જરૂરી દિશાનિર્દેશ હેઠળ વડોદરા ઝોનની ૨૧ નગરપાલિકાઓને રૂ.૨૬.૨૨ કરોડની રકમની ૧૦.૫૪ મેટ્રિક ટન જથ્થાના લેગસી વેસ્ટ નિકાલની વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે. જેથી નગરપાલિકાઓમાં વર્ષોથી જમા થયેલ લેગસી વેસ્ટનો નિકાલ થશે અને નગરપાલિકાઓમાં એટલી જગ્યા ખુલ્લી થતાં તેનો સુચારૂરૂપે ઉપયોગ થશે તથા નગરપાલિકાઓમાં સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણી થશે.
પ્રશસ્તિ પારીક ના સમયગાળા દરમ્યાન ૨૬ નગરપાલિકાઓમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કુલ રૂ.૨૦૦ કરોડની રકમનાં ૨૫૦ કામોની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. જેમાં મુખ્ય કામોમાં વલ્લભ-વિદ્યાનગર નગરપાલિકાનું રૂ.૨.૮૩ કરોડની રકમનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, ડભોઈ નગરપાલિકાનું રૂ.૨.૭૬ કરોડનું ઇન્ડોર સ્ટેડિયમ, ગોધરા નગરપાલિકાનું રૂ.૫.૬૪ કરોડનું ઓડિટોરિયમ, દાહોદ નગરપાલિકાનું રૂ.૫.૧૫ કરોડનું ઉત્સવ બજાર, દેવગઢબારિયા નગરપાલિકાનું રૂ.૨ કરોડનું મ્યુઝિયમ તથા આર્ટ ગેલરી, બાલાસિનોર નગરપાલિકાનું રૂ.૩.૫ કરોડનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, છોટાઉદેપુર નગરપાલિકાનું રૂ.૭૩ લાખનું સરદાર પટેલ ગાર્ડન ડેવલોપમેન્ટનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત તેઓના કાર્યકાળ દરમ્યાન વર્ષ ૨૦૨૧-૨૨ અને વર્ષ ૨૦૨૨-૨૩માં ૨૬ નગરપાલિકાઓમાં રૂ.૨૬ કરોડની રકમના રોડ રિસર્ફેશિંગનાં કામો હાથ ધરવામાં આવ્યા હતાં.
ભારત સરકાર દ્વારા મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં આંતર માળખાકીય સુવિધાઓ જેવી કે પાણી પુરવઠા, નદી તળાવોનું નવીનીકરણ અને ગાર્ડન ડેવલોપમેન્ટનાં પ્રોજેકટ હેઠળ શહેરોની કાયાપલટ હાથ ધરવા અમૃત યોજના અમલી બનાવવામાં આવેલ છે. જે અંતર્ગત અમૃત ૨.૦ નાં ટ્રેન્ચ ૧ હેઠળ વડોદરા ઝોનની ૨૬ નગરપાલિકાઓમાં નલ સે જલના રૂ.૨૬૨ કરોડની રકમના ૯ પ્રોજેકટ, પાણી પુરવઠાના રૂ.૬૩ કરોડની રકમના ૭ પ્રોજેકટ, અમૃત સરોવરના રૂ.૧૮ કરોડની રકમના ૩ પ્રોજેકટ, ગાર્ડન ડેવલોપમેન્ટના રૂ.૨.૫ કરોડની રકમના ૭ પ્રોજેકટ, ભૂગર્ભ ગટરના રૂ.૯૦ કરોડની રકમના ૧ પ્રોજેકટ, તળાવ બ્યુટીફીકેશનના રૂ.૧૦ કરોડની રકમના ૯ પ્રોજેકટનાં કામો મળી કુલ રૂ.૪૪૭ કરોડની રકમના ૩૬ પ્રોજેકટ મંજૂર કરવામાં આવેલ છે. જેમાં મુખ્ય પ્રોજેકટમાં આણંદ નગરપાલિકાનો રૂ.૧૮૭ કરોડનો નલ સે જલનો પ્રોજેકટ, આણંદ નગરપાલિકાનો રૂ.૯૦ કરોડનો ભૂગર્ભ ગટર પ્રોજેકટ, ખંભાત નગરપાલિકાનો રૂ.૯ કરોડનો અમૃત સરોવર પ્રોજેકટ, ઝાલોદ નગરપાલિકાનો રૂ.૧૫ કરોડનો નલ સે જલનો પ્રોજેકટ, બાલાસિનોર નગરપાલિકાનો રૂ.૧૫ કરોડનો નલ સે જલનો પ્રોજેકટ અને સંતરામપુર નગરપાલિકાનો રૂ.૧૧.૫ કરોડનો નલ સે જલનો પ્રોજેકટ સમાવેશ થાય છે.
આ ઉપરાંત તેઓના કાર્યકાળ દરમ્યાન સરકાર દ્વારા અમૃત ૨.૦ નાં ટ્રેન્ચ ૨ અન્વયે વહીવટી મંજૂરી મળેલ રૂ.૪૨૭ કરોડનાં ૪૮ પ્રોજેકટની ચકાસણી કરી ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. જેમાં મુખ્ય પ્રોજેકટમાં ગોધરા નગરપાલિકાનો રૂ.૫૦ કરોડનો પાણી પુરવઠાનો પ્રોજેકટ, બોરિયાવી નગરપાલિકાનો રૂ.૧૮ કરોડનો પાણી પુરવઠાનો પ્રોજેકટ, કરમસદ નગરપાલિકાનો રૂ.૭૪ કરોડનો પાણી પુરવઠાનો પ્રોજેકટ, પાદરા નગરપાલિકાનો રૂ.૧૮ કરોડનો પાણી પુરવઠાનો પ્રોજેકટ અને પેટલાદ નગરપાલિકાનો રૂ.૨૨.૫ કરોડનો પાણી પુરવઠાનો પ્રોજેકટનો સમાવેશ થાય છે.
તેઓના સમય દરમ્યાન વડોદરા ઝોનની ૨૬ નગરપાલિકાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૮૨૦૦ આવાસોની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે તથા નેશનલ અર્બન લાઈવલી હૂડ મિશન હેઠળ ૨૬ નગરપાલિકાઓનાં ૧૮૯૮૮ શેરી ફેરીયાઓને રૂ.૨૫ કરોડની લોન મંજૂર કરવામાં આવેલ છે.
રાજ્ય સરકાર દ્વારા સરકારના ૧૦૦ દિવસનાં કાર્યકાળ દરમ્યાન પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓનાં ૬ ઝોનમાં દરેક ઝોન દીઠ એક ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર કરવાની થાય છે જે અંતર્ગત તેઓના સમયગાળા દરમ્યાન કરજણ નગરપાલિકાની ટાઉન પ્લાનિંગ સ્કીમને મુખ્ય નગરનિયોજક દ્વારા પરામર્શ આપી દેવામાં આવેલ છે તથા આગળની નિયમોનુસારની કાર્યવાહી કરજણ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ છે.
રાજ્ય સરકાર દ્વારા ફ્લેગશિપ કાર્યક્રમ હેઠળ નગરપાલિકાઓમાં સિટી સિવિક સેન્ટર બનાવવાનું નક્કી કરવામાં આવેલ છે. જે અંતર્ગત વડોદરા ઝોનની ગોધરા, કરજણ, ડભોઈ, કાલોલ એમ ૪ નગરપાલિકાઓનો સમાવેશ થયેલ છે. પ્રશસ્તિ પારીક ના સમયગાળા દરમ્યાન આ ચારેય નગરપાલિકાઓમાં તેઓના માર્ગદર્શન હેઠળ સિટી સિવિક સેન્ટરની કામગીરી હાથ ધરવામાં આવેલ છે જેના ભાગરૂપે આ ચારેય નગરપાલિકાઓમાં નગરપાલિકા દીઠ અંદાજિત રૂ. ૧ કરોડનાં ખર્ચે સિટી સિવિક સેન્ટર બનનાર છે. જેનાથી નગરપાલિકા વિસ્તારનાં નાગરિકોને સિટી સિવિક સેન્ટર ખાતે જન્મ-મરણ, આવક અને જાતિનાં પ્રમાણપત્રો જેવી પાયાની જનસુવિધાઓ આગામી દિવસોમાં મળનાર છે.
વિદાય સમારોહમાં ઉપસ્થિત પ્રશસ્તિ પારીકનાં જીવનસાથી અને છોટા ઉદેપુરનાં એસ.પી. ધર્મેન્દ્ર શર્મા દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
આ પ્રસંગે પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ વડોદરા કચેરીનાં અધિક કલેક્ટર ગોપાલ બામણીયા, ચીફ ઓફિસર (વર્ગ-૧) અશ્વિન પાઠક, બોરસદ નગરપાલિકાના વહીવટીદાર અને પ્રાંત અધિકારી જય બારોટ, આણંદ નગરપાલિકાનાં ચીફ ઓફિસર એસ.કે.ગરવાલ તેમજ ૨૬ નગરપાલિકાઓના ચીફ ઓફિસરો અને પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ વડોદરા કચેરીના અધિકારીઓ અને કર્મચારી ગણ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી.
વડોદરા ઝોનની ૨૬ નગરપાલિકાઓમાં પ્રશસ્તિ પારિકના કાર્યકાળ દરમ્યાન થયેલ નોંધપાત્ર કામગીરીને બિરદાવાઈ