Surat
સુરતમાં ફ્લાય ઓવર બ્રિજ પર બનાવાઇ પોલીસ ચોકી, ટ્રાફિકની સમસ્યા નિવારવાનો અનોખો પ્રયાસ
(સુનિલ ગાંજાવાલા દ્વારા સુરત”અવધ એક્સપ્રેસ”)
સ્માર્ટ અને સુંદર શહેર સાથે બ્રિજ તરીકે ઓળખાતા સુરત શહેરમાં હવે ફ્લાયઓવર બ્રિજ પર પોલીસ ચોકી બનાવવામાં આવી છે. ગુજરાતમાં પ્રથમ વખત કોઈ ફ્લાય ઓવર બ્રિજ પર પોલીસ ચોકી બનાવવામાં આવ્યું હોય તેવું સુરત શહેરમાં બનવા પામ્યું છે.70 લાખની આબાદી વાળા સુરત શહેરમાં વાહનોની સંખ્યા દીન પ્રતિદિન વધતી જઈ રહી છે. જેને કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા પણ જોવા મળે છે. ત્યારે ટ્રાફિક અને સાથે જ ક્રાઇમની ઘટનાઓ બનતા અટકાવી શકાય તે માટે સુરત શહેર પોલીસ દ્વારા અને સુચારું આયોજનો કરવામાં આવતા હોય છે.
પરંતુ અત્યાર સુધી ક્યારેય કોઈ ઓવરબ્રિજ પર પોલીસ ચોકી બનાવવામાં નથી આવી ત્યારે હવે પહેલીવાર સુરતના એક ફ્લાય ઓવર બ્રિજ પર પોલીસ ચોકી નું નિર્માણ કરવામાં આવ્યું છે.બારેમાસ ટ્રાફિકથી ધમધમતા સુરતના ટેક્સટાઇલ માર્કેટ પાસે આવેલ અને રીંગરોડ ને જોડતા ફ્લાય ઓવર બ્રિજ પર આ ટ્રાફિક પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવ્યું છે. શહેરના અનેક વિસ્તારોને જોડતા અને મુખ્ય માર્ગ તરીકે ગણાતા રીંગરોડ વિસ્તાર ઉપર આવેલ આ ફ્લાય ઓવર બ્રિજ પર અનેકવાર ટ્રાફિક જામ ની સમસ્યા કે પછી એકસીડન્ટની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે દરેક વ્યવસ્થા નું સુચારું આયોજન થઈ શકે અને શહેરીજનોને મુશ્કેલી ન પડે તે હેતુસર રીંગ રોડ બ્રિજ પર આ ટ્રાફિક પોલીસ ચોકી નું નિર્માણ કરવામાં આવ્યું છે.