Vadodara
માતૃ વંદના યોજનાની સહાયના નાણાં આપવાનાં નામે છેતરપિંડી ગરીબ મહિલા બની ભોગ
શિનોર તાલુકાના તરવા ગામે યુવતીને માતૃ વંદના યોજનાની સહાયના નાણાં આપવાનાં બહાને ભેજાબાજે ગાંધીનગર ના ડૉક્ટરની ઓળખ આપી યુવતીને વિશ્વાસમાં લઈ ગુગલ પે દ્વારા રૂપિયા 2900 નું ટ્રાંન્જેક્શન કરાવી છેતરપીંડી કરાતાં શિનોર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
શિનોર તાલુકામાં છેલ્લા એક અઠવાડિયાથી પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાની સહાયના નાણાં આપવાના બહાના હેઠળ કેટલાંક ભેજાબાજોની ટોળકી સક્રિય બની છે.આ ભેજાબાજોની ટોળકી પ્રધાનમંત્રી માતૃ વંદન યોજનાના લાભાર્થીઓને ટાર્ગેટ બનાવી રહી છે.ત્યારે આ ભેજાબાજોની ટોળકીનો ભોગ શિનોર તાલુકાના તરવા ગામે રહેતાં દક્ષાબેન આકાશભાઈ તડવી બન્યાં છે.જેઓને ભેજાબાજ ટોળકીએ એક અજાણ્યા નંબર પરથી મોબાઈલ ફોન કરીને પોતે ગાંધીનગર ના ડૉકટર હોવાની ઓરખ આપી,સરકારી સહાય ના નાણાં મળ્યાં છે કે કેમ અને ના મળ્યાં હોય તો અમે તમને અત્યારે જ પહોંચાડીશુ તેમ જણાવી ભેજાબાજોએ યુવતીને વિશ્વાસમાં લઇ સહાયના નાણાં ગૂગલ પે દ્વારા કેવી રીતે મેરવવા તે વિશે માહિતી આપવાના બહાના હેઠળ ભેજાબાજોએ યુવતી પાસેથી ગૂગલ પે પર રૂપિયા 2900 ટ્રાંન્જેક્શન કરાવી લઈને છેતરપીંડી આચરી હતી.આ ઉપરાંત આ ભેજાબાજ ટોળકીએ ગામની અન્ય બે યુવતીઓને પણ ફોન કરીને તેમની સાથે પણ છેતરપીંડી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે તેઓએ સતર્કતા દાખવી ને ઉપરોક્ત બનાવ ની જાણ આશાવર્કર બહેન દક્ષાબેન ને કરી દેતાં યુવતીઓ છેતરપીંડી નો ભોગ બનતાં બચી હતી.
અત્રે ઉલ્લેખનીય છેકે તરવા ગામની યુવતીઓએ પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અંતર્ગત જે સહાય ફોર્મ સાથે દસ્તાવેજો રજૂ કર્યા હતાં. તે તમામ દસ્તાવેજ ની માહિતી ભેજાબાજ ટોળકીએ યુવતીઓને જણાવી વિશ્વાસમાં લીધી હતી.ત્યારે સવાલ એ ઉપસ્થિત થાય છે કે સરકારી સહાય માટે લાભાર્થીઓનાં ફોર્મ સરકારી તંત્ર પાસે જ રહેતા હોય છે .તો પછી આ લાભાર્થીઓના દસ્તાવેજો ની માહિતી ભેજાબાજ ટોળકી પાસે કેવી રીતે પહોંચી એ મોટો સવાલ લોકોમાં ઉઠવા પામેલ છે.ત્યારે સરકારી તંત્ર આ બાબતની ગંભીર નોંધ લઈ યોગ્ય તપાસ કરાવી આ બનાવમાં સંડોવાયેલા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.