Chhota Udepur
પાવીજેતપુર તાલુકાની ભેંસાવહી હાઈસ્કૂલમાં ફાયર સેફ્ટી અંગેનો કાર્યક્રમ યોજાયો

પ્રતિનિધિ, કાજર બારીયા
પાવીજેતપુર તાલુકાની ભેંસાવહી હાઈસ્કૂલમાં ફાયર સેફટી અંગે બાળકો વિગતવાર જાણે તે માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
પાવીજેતપુર તાલુકાની શ્રી આદિવાસી માધ્યમિક શાળા, ભેંસાવહીના ઇન્ચાર્જ આચાર્ય ડી. સી. કોલીએ જણાવ્યા મુજબ બાળકોમાં ફાયર સેફટી અંગે સજાગતા, સભાનતા આવે અને તેઓ પોતાનું તેમજ પોતાની આસપાસના રહીશોનું રક્ષણ કરે તેવા શુભ આશયથી યુનિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ફાયર સેફ્ટી નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ફાયર સેફ્ટી ના કાર્યક્રમ અંગે ઉપસ્થિત ટીમે આગ ઓલવવાના વિવિધ બોટલો, કેમિકલોની વિગતવાર જાણકારી આપી હતી. તેમજ આવી આપત્તિ એકાએક આવી જાય અને આગ લાગી જાય ત્યારે પોતે તેમજ પોતાની સાથેના સાથીદારોને કેવી રીતે બચાવવા તેના પણ પ્રેક્ટીકલ નમૂના કરી બતાવ્યા હતા તેમજ ગેસના બોટલમાં જો આગ લાગી જાય તો તેને કેવી રીતે સફળતાપૂર્વક ઓલવી શકાય તેની પણ વિગતવાર ચર્ચા કરી નમૂનો બતાવ્યો હતો. ઉપસ્થિત બાળકોને અને શિક્ષકોને જાતે પ્રયોગ કરાવ્યા હતા. ૨૦૧૮/૧૯ માં સુરત મુકામે એક ખાનગી ટ્યુશન ક્લાસમાં એકાએક આગ લાગી જતા નાના ભૂલકાઓ આગમાં ભુંજાઈ ગયા હતા ત્યારે આવી કોઈ દુર્ઘટના ન ઘટે અને જો દુર્ઘટના બને તો પોતે અને પોતાની આજુબાજુના સાથીઓને કેવી રીતે બચાવી શકાય અને કેવી રીતે સરળતાથી અને સલામતી થી બહાર નીકળી શકાય તેની સમજ આપી હતી.
આમ, પાવીજેતપુર તાલુકાની ભેંસાવહી હાઈસ્કૂલમાં ફાયર સેફ્ટી અંગેનો એક સુંદર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેનાથી બાળકોએ શાળામાં કે ઘરે કે ફળિયામાં આજુબાજુ વિસ્તારમાં આકસ્મિક આગ લાગી જાય તો તેની ઉપર કેવી રીતે નિયંત્રણ મેળવી શકાય તેમ જ પોતે અને પોતાના પરિવારના સદસ્યો ને કેવી રીતે બચાવી શકાય તેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.