Gujarat
જાંબુગોરલના પ્રગતિશીલ ખેડૂતે ફળ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતી કરી લાખોની કમાણી કરી

આત્મા પ્રોજેકટના સહયોગથી ડેસરમાં પ્રાકૃતિક ખેત પેદાશોનું કરે છે વેચાણ
પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી બંજર જમીનને ઉપજાઉ બનાવી શકાય છે
વધુ પાક ઉત્પાદન મેળવવા માટે ખેડૂતો દ્વારા રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.જેનાથી જમીનની તંદુરસ્તી તો બગડે જ છે પરંતુ સાથે સાથે માનવ સ્વાથ્ય ઉપર પણ તેની વિપરીત અસરો પડી રહી છે. પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે,ત્યારે તેનો એક માત્ર વિકલ્પ પ્રાકૃતિક ખેતી છે. પ્રાકૃતિક ખેતી એટલે ભારતની પરંપરાગત ખેતી પધ્ધતિ મુજબ હાલના સમયમાં કરવામાં આવતી રસાયણમુક્ત ખેતી.
વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના જાંબુગોરલ ગામના પ્રગતિશીલ ખેડૂત મોહનભાઈ નરગાવેએ પોતાની જમીનમાં પંચસ્તરીય બાગાયતી જંગલ મોડેલ અપનાવ્યું છે.તેઓ છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી પધ્ધતિથી ખેતી કરે છે. તેઓ પપૈયા,ચીકુ, કેળા વગેરે જેવા ફળના પાકો તથા લીલી શાકભાજી જેવા કે સરગવો, ફુદીનો, રીંગણ જેવા શાકભાજીના પાકો મળીને કુલ ૧૫ થી વધારે પાકોનું પ્રાકૃતિક ખેત પદ્ધતિથી વાવેતર કર્યું છે. જેમાં તેઓ જીવામૃત ટપક પધ્ધતિથી આપે છે અને જીવંત આચ્છાદાન કરે છે.
મોહનભાઈ નરગાવે પ્રાકૃતિક ખેતી કરીને અલગ અલગ ફળ અને લીલા શાકભાજીનું વાવેતર કરીને દર વર્ષે અંદાજે રૂ.૪ થી ૫ લાખનો ચોખ્ખો નફો મેળવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી અપનાવ્યા પછી તેમને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી ડેસર APMC નજીક આત્મા પ્રોજેકટના સહયોગથી ચાલુ થયેલ પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર ખાતે આરોગ્યપ્રદ અને ઝેરમુક્ત શાકભાજીનું વેચાણ કરે છે.
મોહનભાઈ ગીર ગાય આધારિત ખેતી કરી રહ્યા છે. પ્રાકૃતિક કૃષિ કરવાથી જમીનમાં અળસિયાની સંખ્યા વધી છે. જેથી જમીનની ભેજ ધારણશક્તિ વધવાના કારણે પિયતની સંખ્યા પણ ઘટી છે. રાજય સરકારની ખેતી આધારિત યોજનાઓનો પણ સમયાંતરે લાભ મળી રહ્યો છે. જેને લઈને પ્રાકૃતિક ખેતી વધુ સરળ બની છે. આજના આધુનિક યુગમાં જીવનશૈલીમાં પરિવર્તન આવ્યું છે. દવાઓના બેફામ ઉપયોગના કારણે બિમારીઓ દિન-પ્રતિદિન વધી રહી છે ત્યારે સારા સ્વાસ્થ્ય માટે દરેક ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ.
મહત્વનું છે કે, સરકારે જ્યારે મીશન મોડ પર પ્રાકૃતિક ખેતીના અભિયાનને ઉપાડયું છે ત્યારે રાજ્યના અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે. ખેડુતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે તેમને તાલીમ પણ આપવામાં આવી રહી છે. જેના સુખદ પરિણામ મળી રહ્યા છે.