Gujarat
પરથમપુરાના પ્રગતિશીલ ખેડૂતે ફાલસા, કાળી કેરી, ડ્રેગન ફ્રુટ, તથા
ઔષધિય વનસ્પતિ તેમજ શાકભાજીની કરી પ્રાકૃતિક ખેતી
પોતાના ખેતરમાં લીચી, સ્ટાર જેવા અનોખા ફ્રુટ ઉગાડે છે: પંચમુખી રૂદ્દાક્ષની ખેતીનો કર્યો પ્રયોગ
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પરથમપુરા ગામના પ્રગતિશીલ ખેડૂત હિરકકુમાર પટેલ પ્રાકૃતિક ખેતી દ્વારા તેમના ખેતરમાં લીચી, સ્ટાર ફ્રુટ, ફાલસા, કાળી કેરી, કરમદાં,લાલ જામફળ,ડ્રેગ્ન ફ્રુટ, થાઈમેગો, અંજીર તથા ઔષધિય વનસ્પતિ તેમજ શાકભાજીના ઉત્પાદન કરી અન્ય ખેડૂતોને પ્રાકૃત્તિક ખેતી માટે પ્રેરણા પુરી પાડી છે.
હિરકકુમાર પટેલ છેલ્લા સાત વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીને અલગ અલગ પાકનું ઉત્પાદન કરી રહ્યા છે અને આ વર્ષે સફળતાપૂર્વક પંચમુખી રૂદ્દાક્ષ તેમજ ૧૫ થી ૨૦ જાતના આંબાનું પણ વાવેતર કર્યું છે. પ્રાકૃતિક ખેતીને લીધે શાકભાજીમાંથી કુદરતી સ્વાદ મળે છે. પ્રાકૃતિક શાકભાજીના સ્વાસ્થ્યલક્ષી ઘણા બધા લાભો થાય છે.
હિરકકુમાર પટેલ વધુમાં જણાવે છે કે, પોતાના ખેતરને મોર્ડન જંગલ બનાવવાનું મારૂ સપનું છે. જેમાં પ્રાકૃતિક ફ્રુટ તથા શાકભાજીનું ઉત્પાદન કરીશ તેમજ અનેક બિમારી સામે રક્ષણ આપતી ઔષધિય વનસ્પતિનું ઉત્પાદન કરવા સાથે અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે જાગૃતિ ફેલાય તેવા હું પ્રયાસ કરી રહ્યો છું.
બી.કોમ સુધી અભ્યાસ કરેલ હિરકકુમાર પટેલ જણાવે છે કે, મે દેશભરમાં અસંખ્ય ખેડૂતોની હાટની મુલાકાત લેવા સાથે સરકાર તરફથી યોજાવામાં આવતી અનેક શિબિરોમાં ભાગ લઈને હું પ્રાકૃત્તિક ખેતી તરફ વળ્યો છું. આ મુલાકાતો દરમિયાન અન્ય ખેડૂતો પાસેથી ગાય આધારિત કુદરતી ખેતીની પધ્ધત્તિ શીખ્યા બાદ પરથમપુરા ગામમાં જમીન ખરીદીને પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું નક્કી કર્યુ હતું
હિરકકુમાર વધુમાં ઉમેર્યું કે,પહેલા પ્રાકૃતિક શાકભાજીની ખેતીથી શરૂઆત કરી હતી. મારો મુખ્ય ઉદ્દેશ્ય મારા વપરાશ માટે ઉગાડવાનો છે અને હું મારા ખેતરમાં અનોખા ફુટ તથા ઔષધિય વનસ્પતિ ઉગાડવાની યોજનાને વળગી રહ્યો છું. ભવિષ્યમાં હું માર ખેતરને મોર્ડન જંગલ બનાવી તેમાં વિવિધ રોગોનું નિવારણ કરતી ઔષધિય વનસ્પતિઓ પ્રાકૃતિક ખેતી દ્વારા ઉગાડવા માટે પ્રયત્નો કરી રહ્યો છું. જેમાં પથરીના પાન,ડાયાબિટીશના પાન, હરડે,ભ્રામણી,નાગરવેલના પાન જેવી ઔષધિય વનસ્પતિનો વાવેતર કરવાનું આયોજન છે.
આ વર્ષે તેમને ૧૫ થી ૨૦ અલગ અલગ જાતના આંબાનું વાવેતર કર્યું છે. તેમજ પપૈયા અને રાજાપુરી કેરીનું આ વર્ષે રૂ.૨૫ હજારનું વેચાણ કર્યું છે. પ્રાકૃતિક શાકભાજીમાં અલગ જાતના વાવેતર કર્યા છે જેનું આ વર્ષે રૂ.૧ લાખ જેટલું વેચાણ થયું છે.આમ, હિરકકુમાર પટેલ મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તેવા પ્રયાસો કરી રહ્યા છે.